તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 30th May 2026
વડોદરાની ઈલેક્ટ્રિક સવારી હવે આફ્રિકાના રસ્તાઓ પર: 'મરક્યુરી ઈવી ટેક'ની વૈશ્વિક છલાંગ, મલાવી સાથે થશે ઐતિહાસિક MoU
'મેક ઇન ઇન્ડિયા' નો દબદબો: વડોદરામાં તૈયાર થયેલા EV વાહનો હવે મલાવી દેશની શાન બનશે, હાઈકમિશનરની મુલાકાત બાદ નિકાસનો માર્ગ મોકળો

વડોદરા : વડોદરાના ઉદ્યોગજગત માટે આજે એક ગૌરવપૂર્ણ ક્ષણ સામે આવી છે. 'મેક ઇન ઇન્ડિયા' અને 'આત્મનિર્ભર ભારત'ના મંત્રને સાર્થક કરતા વડોદરાની અગ્રણી કંપની 'મરક્યુરી ઈવી ટેક' (Mercury EV Tech) હવે વૈશ્વિક સ્તરે ડંકો વગાડવા જઈ રહી છે. વડોદરા નજીક પોર ખાતે આવેલી આ કંપનીના અત્યાધુનિક પ્લાન્ટની રિપબ્લિક ઓફ મલાવીના હાઈકમિશનર લિયોનાર્ડ સેન્ઝા મેગેંઝીએ મુલાકાત લીધી હતી, જે બાદ હવે વડોદરાથી આફ્રિકન દેશ મલાવીમાં ઇલેક્ટ્રિક વાહનોની નિકાસ કરવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
વૈશ્વિક માપદંડો પર ખરી ઉતરી વડોદરાની ટેકનોલોજી
પ્લાન્ટની મુલાકાત દરમિયાન હાઈકમિશનર લિયોનાર્ડ સેન્ઝા મેગેંઝીએ કંપનીની ઉત્પાદન ક્ષમતા અને આધુનિક ટેકનોલોજી જોઈને ભારે પ્રભાવિત થયા હતા. તેમણે ખાસ કરીને વાહનોની ગુણવત્તા અને પર્યાવરણને અનુકૂળ ગ્રીન મોબિલિટી પર ભાર મૂક્યો હતો. મલાવી સરકાર પણ પ્રદૂષણ મુક્ત પરિવહન તરફ આગળ વધી રહી છે, ત્યારે ભારતની આ કંપની તેમની સફર માટે એક આદર્શ ભાગીદાર સાબિત થઈ શકે તેમ છે.
શું છે આ ઐતિહાસિક ભાગીદારી?
આ સહયોગ અંગે મરક્યુરી ઈવી ટેકના ચેરમેન જયેશ ઠક્કરે જણાવ્યું હતું કે, મલાવી સરકાર સાથે એમઓયુ (MOU) કરવાની સત્તાવાર પ્રક્રિયા હાલ અંતિમ તબક્કામાં છે. આ કરાર બાદ વડોદરાના પ્લાન્ટમાં ખાસ તૈયાર કરવામાં આવેલા ઇલેક્ટ્રિક વાહનો સીધા આફ્રિકાના મલાવી ખાતે એક્સપોર્ટ કરવામાં આવશે. આ માત્ર એક વેપારી કરાર નથી, પરંતુ ભારત અને આફ્રિકા વચ્ચેના ગાઢ થતા આર્થિક સંબંધોનું પ્રતીક છે.
ગ્રીન મોબિલિટી તરફ વધતું ભારત
આજના સમયમાં જ્યારે સમગ્ર વિશ્વ પ્રદૂષણની સમસ્યા અને મોંઘા ઈંધણથી પરેશાન છે, ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગ્રીન મોબિલિટી વિઝનને ગુજરાતની આ કંપની આંતરરાષ્ટ્રીય મંચ પર લઈ જઈ રહી છે. વડોદરામાં બનેલા ઈલેક્ટ્રિક વ્હીકલ્સ હવે આફ્રિકાના રસ્તાઓ પર દોડશે, જે સમગ્ર ભારત માટે એક ગર્વની વાત છે. આ ભાગીદારી આગામી દિવસોમાં અન્ય આફ્રિકન દેશો માટે પણ નવા દ્વાર ખોલી શકે તેવી પ્રબળ શક્યતાઓ છે.
(7:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
