તા. ૧૯ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ફાગણ સુદ – ૨ ગુરૂવાર
News of Sunday, 4th October 2026
વડોદરા: સ્માર્ટ સિટીમાં તંત્રની પોલ ખુલી, ચોખંડી શાક માર્કેટ પાસે ભુવામાં વધુ એક ટ્રક ફસાઈ
રસ્તાના નબળા સમારકામ અને પ્રી-મોન્સૂન કામગીરીના દાવા પોકળ સાબિત થતાં વાહનચાલકો અને વેપારીઓ મુશ્કેલીમાં; ટ્રાફિક જામની સમસ્યા સર્જાઇ

વડોદરા: સંસ્કારી નગરી અને સ્માર્ટ સિટી વડોદરામાં રસ્તાઓની બિસ્માર હાલત અને તંત્રની લાલિયાવાડી અટકવાનું નામ નથી લઈ રહી. શહેરના વ્યસ્ત ગણાતા ચોખંડી શાક માર્કેટ નજીક મુખ્ય માર્ગ પર પડેલા મોટા ભુવામાં વધુ એક માલવાહક ટ્રક ફસાઈ જવાની ઘટના સામે આવી છે.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભૂતકાળમાં કરાયેલા રસ્તાના નબળા કામકાજ અને યોગ્ય પુરાણ વિના કરવામાં આવેલા સમારકામને કારણે અવારનવાર રોડ બેસી જવાના બનાવો બને છે. ચોખંડી શાક માર્કેટ પાસે અચાનક ગાબડું પડતાં પસાર થઈ રહેલી ભારે ટ્રકનું પૈડું ભુવામાં ગરકાવ થઈ ગયું હતું, જેના કારણે ટ્રક રોડ પર જ અટવાઈ ગઈ હતી.
તંત્રના દાવા પોકળ, વેપારીઓ અને વાહનચાલકો પરેશાન:
સતત વાહનવ્યવહારથી ધમધમતા શાક માર્કેટ વિસ્તારમાં ટ્રક ફસાતા જ માર્ગ પર ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. સ્થાનિક વેપારીઓ અને રાહદારીઓનું કહેવું છે કે, કોર્પોરેશન દ્વારા પ્રી-મોન્સૂન કામગીરી અને રોડ રિપેરિંગના મોટા-મોટા દાવા કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતામાં હલકી કક્ષાના કામને કારણે પ્રજાએ હેરાન થવાનો વારો આવે છે.
ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને તંત્ર સામે ભારે રોષ ઠાલવ્યો હતો. વારંવાર બનતી આવી ઘટનાઓથી કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા પાલિકા તંત્ર યોગ્ય અને મજબૂત પુરાણ કામ કરે તેવી સખત માગ ઉઠી છે.
(11:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
