News of Wednesday, 6th May 2026
વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની સઘન તપાસમાં શહેરની પ્રખ્યાત મીઠાઈ-ફરસાણ દુકાનોના ખાદ્ય પદાર્થોના નમૂના ગુણવત્તાના ધોરણોમાં નિષ્ફળ : લોકોના જાહેર આરોગ્ય સાથે ગંભીર બેદરકારીનો પર્દાફાશ
ચકલી સર્કલ સ્થિત હનુરામ ફૂડ્સની દાલ કચોરી, રાવપુરાના દુલીરામ પેંડા વાલા અને છાણી રોડના જગદીશ ફરસાણ સહિત 31 નમૂના સબ-સ્ટાન્ડર્ડ જાહેર, 8 ખાદ્ય નમૂના માનવ સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમકારક હોવાનો લેબોરેટરી રિપોર્ટમાં ખુલાસો

વડોદરા, તા. 6 : વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં હાથ ધરાયેલી આકસ્મિક તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. શહેરની જાણીતી અને પ્રતિષ્ઠિત મીઠાઈ-ફરસાણની દુકાનોના ખાદ્ય પદાર્થોના નમૂના ફૂડ સેફ્ટીના ધોરણ મુજબના ન નીકળતા લોકોના આરોગ્ય સાથે ગંભીર બેદરકારી અને ચેડા થતાં હોવાનો સનસનીખેજ ઘટસ્ફોટ થયો છે.
ફૂડ વિભાગની ટીમો દ્વારા રાવપુરા, ન્યુ સમા રોડ, વાસણા ભાયલી રોડ, પ્રતાપનગર, આજવા રોડ, ચકલી સર્કલ, છાણી, વાઘોડીયા રોડ, માંજલપુર, મકરપુરા, રેસકોર્સ, અકોટા, ગોરવા, મદનઝાંપા રોડ, કોઠી અને નિઝામપુરા સહિતના શહેરના 16 મુખ્ય વિસ્તારોમાંથી મીઠાઈ, ફરસાણ અને નમકીનના કુલ 31 ખાદ્ય નમૂનાઓ એકત્ર કરવામાં આવ્યા હતા. આ તમામ નમૂનાઓને ફતેહગંજ સ્થિત પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં વૈજ્ઞાનિક પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા.
ફૂડ એનાલિસ્ટ દ્વારા જારી કરાયેલા અંતિમ રિપોર્ટ મુજબ, અત્યંત ચોંકાવનારી રીતે પરીક્ષણ માટે મોકલવામાં આવેલા બધા જ 31 ખાદ્ય નમૂનાઓ “સબ-સ્ટાન્ડર્ડ” એટલે કે હલકી ગુણવત્તાવાળા જાહેર કરવામાં આવ્યા છે. આમાંથી 8 નમૂના તો માનવ સ્વાસ્થ્ય માટે સીધી રીતે જોખમકારક અને હાનિકારક હોવાનું સામે આવ્યું છે.
આ તપાસ ઝુંબેશમાં શહેરની જાણીતી અને દાયકાઓ જૂની મીઠાઈ-ફરસાણની દુકાનોના નમૂના પણ ગુણવત્તાના ધોરણ મુજબ ન નીકળ્યા. જેમાં રાવપુરા વિસ્તારની પ્રખ્યાત પેન્ડાવાલા દુલીરામ રતનલાલ શર્માની દુકાન, ચકલી સર્કલ સ્થિત હનુરામ ફૂડ્સ અને છાણી રોડ પર આવેલી જગદીશ ફરસાણ જેવી પ્રતિષ્ઠિત પેઢીઓના નમૂનાઓનો સમાવેશ થાય છે. હનુરામ ફૂડ્સની અત્યંત લોકપ્રિય દાલ કચોરીનો નમૂનો પણ ખાદ્ય સુરક્ષાના માપદંડોમાં નિષ્ફળ ગયો છે.
ફૂડ સેફ્ટી વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે સબ-સ્ટાન્ડર્ડ અને સ્વાસ્થ્ય માટે જોખમી જાહેર થયેલા નમૂનાઓના સંબંધિત વેપારીઓ અને ઉત્પાદકો સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ તાત્કાલિક કાયદેસરની દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આગામી તહેવારોની સિઝન પહેલા થયેલી આ કડક કાર્યવાહીથી શહેરના ખાદ્ય વેપારીઓ અને ઉત્પાદકોમાં ભારે ફફડાટ ફેલાયો છે.
મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે નાગરિકોને પણ જાહેર અપીલ કરી છે કે ખાદ્ય પદાર્થોની ખરીદી કરતી વખતે ઉત્પાદન તારીખ, ગુણવત્તા અને સ્વચ્છતા અંગે ખાસ ચકાસણી કરે અને કોઈ પણ પ્રકારની શંકા કે ફરિયાદ જણાય તો તુરંત ફૂડ વિભાગના હેલ્પલાઈન નંબર પર જાણ કરે.
(4:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
