<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 31st May 2026

વડોદરા સાંસદ હેમાંગ જોશીએ પીએમ મોદીની અપીલને કરી સાર્થક :ભાવનગરથી અમદાવાદ એસટી બસમાં કરી મુસાફરી

વડાપ્રધાન મોદીની ફ્યુઅલ બચતની અપીલને સ્વીકારીને ભાવનગરથી અમદાવાદ સુધી એસ.ટી. બસમાં મુસાફરી કરી ઇંધણ બચાવવાનો પ્રેરણાદાયી સંદેશ આપ્યો

વડાપ્રધાન મોદી દ્વારા દેશમાં પેટ્રોલ અને ડીઝલ જેવા કિંમતી ઇંધણની બચત કરવા માટે વારંવાર અપીલ કરવામાં આવે છે. વડાપ્રધાન મોદીની આ વાતને ખરા અર્થમાં સાર્થક કરી બતાવી છે, વડોદરાના સાંસદ અને યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ હેમાંગ જોશીએ. ભાવનગરના પ્રવાસે આવેલા યુવા સાંસદે સામાન્ય નાગરિકની જેમ એસ.ટી. બસમાં મુસાફરી કરીને સમાજ સામે એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

ઘટનાની મળતી માહિતી અનુસાર, વડોદરાના સાંસદ અને યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ હેમાંગ જોશી બે દિવસના ભાવનગર પ્રવાસે આવ્યા હતા. પ્રવાસ પૂર્ણ થયા બાદ તેમણે અમદાવાદ જવા માટે પોતાની ખાનગી લક્ઝુરિયસ કાર કે સરકારી ગાડીનો ઉપયોગ કરવાને બદલે ગુજરાત એસટી (GSRTC)ની બસ પસંદ કરી હતી. તેઓ ભાવનગર એસટી સ્ટેન્ડ પહોંચ્યા હતા અને ત્યાંથી અમદાવાદ જતી બસમાં બેસીને મુસાફરી કરી હતી.

એસટી સ્ટેન્ડ પર અને બસની અંદર મુસાફરી દરમિયાન સાંસદ હેમાંગ જોશીએ સામાન્ય મુસાફરો સાથે સીધો સંવાદ સાધ્યો હતો. તેમણે મુસાફરોના પ્રશ્નો સાંભળ્યા હતા અને સરકારની સુવિધાઓ અંગે પ્રતિભાવો મેળવ્યા હતા. એક સાંસદને પોતાની વચ્ચે બસમાં મુસાફરી કરતા જોઈને અન્ય મુસાફરો પણ આશ્ચર્યચકિત અને ખુશ જણાતા હતા.

પોતાના બે દિવસના ભાવનગર પ્રવાસ દરમિયાન પણ હેમાંગ જોશીએ વીઆઈપી કલ્ચરથી દૂર રહીને મોટી ગાડીઓના કાફલાને ટાળ્યો હતો. તેમણે કાફલાના બદલે એક જ ગાડીમાં મુસાફરી કરી કાર શેરિંગનો સંદેશ આપ્યો હતો. પીએમ મોદીની અપીલને માન આપીને દેશના હિતમાં ઇંધણ બચાવવા માટે વીઆઈપી ગણાતા નેતાઓની આવી પહેલ ખરેખર આવકારદાયક અને અનુકરણીય છે.

(8:57 PM IST)