<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd April 2026

ચારધામની યાત્રામાં વડોદરાના ભાવિકનું હૃદયરોગના હુમલાથી કરૂણમોત : પુત્રએ લગાવ્યા વહીવટી તંત્ર પર ગંભીર આરોપ

મુખ્યમંત્રી માટે હેલિકોપ્ટર મળે, તો મૃત શ્રદ્ધાળુઓ માટે કેમ નહીં ? 100 નંબર પર ફોન કરીને મદદ માંગી,5 થી 10 મિનિટમાં પહોંચી જવાનું આશ્વસન આપ્યું પણ દોઢ કલાક સુધી કોઈ ફરક્યું નહીં: અંતે કોઈ વિકલ્પ ન બચતા,પિતાને પીઠ્ઠુપર મૂકીને હોસ્પિટલ દોડ્યો, પણ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું

વડોદરાના એક પરિવાર માટે ઉત્તરાખંડમાં ચારધામની યાત્રા દુઃખદ સાબિત થઈ છે, જયાં કેદારનાથમાં મંદિરના કપાટ ખુલ્યાના પહેલા જ દિવસે વહીવટી તંત્રની કથિત બેદરકારીને કારણે એક પુત્રએ પોતાના પિતા ગુમાવ્યા હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે.

વડોદરાના ગોરવા વિસ્તારમાં રહેતા અને 'ત્રિમૂર્તિ ટૂર્સ એન્ડ એડવેન્ચર્સ'ના સંચાલક તેમના માતા-પિતા સાથે દર્શન કરવા ગયા હતા. યાત્રા દરમિયાન તેમના પિતા દિલીપભાઈ માળી (56)ની તબિયત અચાનક લથડી હતી અને સારવારના અભાવે તેમનું નિધન થયું હતું. મૃતકના પુત્રએ પ્રશાસન અને મેડિકલ ટીમની કામગીરી સામે રોષ ઠાલવ્યો છે.

આ અંગે પુત્રએ સ્થાનિક પ્રશાસન પર રોષ ઠાલવતા જણાવ્યું કે, મારા પપ્પાને અચાનક હાર્ટ એટેક આવતા તેઓ ઢળી પડ્યા હતા. આ સમયે મેં તાત્કાલિક 100 નંબર પર ફોન કરીને મદદ માંગી હતી. મેડિકલ ટીમે મને આશ્વાસન આપ્યું હતું કે, તેઓ 5 થી 10 મિનિટમાં પહોંચી જશે, પરંતુ દોઢ કલાક સુધી કોઈ ફરક્યું નહીં. અંતે કોઈ વિકલ્પ ન બચતા, હું પિતાને પીઠ્ઠુપર મૂકીને હોસ્પિટલ દોડ્યો, પણ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.

વધુમાં મૃતકના પુત્રએ જણાવ્યું કે, મારા પિતાનો પાર્થિવ દેહ બે કલાક સુધી હેલિપેડ પર કાળઝાળ તડકામાં પડી રહ્યો. પ્રશાસન અમને સલાહ આપી રહ્યું છે કે, મૃતદેહને પગપાળા નીચે લઈ જાઓ. જો અમે પગપાળા જઈએ તો 5-6 કલાકનો સમય લાગે. જો મુખ્યમંત્રીને જવા-આવવા માટે હેલિકૉપ્ટરની વ્યવસ્થા કરવામાં આવે, તો એક મૃત શ્રદ્ધાળુના મૃતદેહને નીચે પહોંચાડવા માટે હેલિકૉપ્ટર કેમ ના મળે?

આગામી 6 મહિના માટે કેદાર બાબાના દ્વાર ખોલવામાં આવ્યા છે. હવે સામાન્ય ભક્તો કેદારપુરી સ્થિત બાબાના ધામમાં દર્શન કરી શકશે. આ પવિત્ર અવસરે રાજ્યના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે બાબા કેદારનાથના દર્શન કરી રાજ્ય તેમજ દેશની સુખ, સમૃદ્ધિ અને શાંતિ માટે કામના કરી હતી. શીખ રેજિમેન્ટના બેન્ડની ભક્તિમય સુરાવલીઓ વચ્ચે કપાટ ઉદઘાટનની આ દિવ્ય ક્ષણ વધુ અલૌકિક બની ગઈ હતી.

મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ તમામ દેશવાસીઓને શુભકામનાઓ પાઠવતા કહ્યું કે, કેદારનાથ ધામ માત્ર સનાતન ધર્મમાં માનનારાઓની આસ્થાનું મુખ્ય કેન્દ્ર જ નથી, પરંતુ તે ભારતની સમૃદ્ધ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વિરાસતનું પણ પ્રતીક છે. ચારધામ યાત્રા દર વર્ષે નવા કીર્તિમાન સ્થાપિત કરી રહી છે અને આ વર્ષે પણ બાબા કેદારના આશીર્વાદથી યાત્રા ઐતિહાસિક રહેશે.

રાજ્ય સરકાર દ્વારા ચારધામ યાત્રાને સુરક્ષિત, સુવ્યવસ્થિત અને સુગમ બનાવવા માટે વ્યાપક વ્યવસ્થાઓ કરવામાં આવી છે. તેમણે તમામ ઉત્તરાખંડવાસીઓને દેશ-વિદેશથી આવતા શ્રદ્ધાળુઓ પ્રત્યે સેવા અને આતિથ્ય ભાવ જાળવી રાખવા આહ્વાન કર્યું હતું.

(8:09 PM IST)