તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 13th September 2026
વડોદરા ક્રાઇમ બ્રાન્ચનું દિલ્હીના ચાંદની ચોકમાં મોટું ઓપરેશન : રોહિત ગોદારા ગેંગના સક્રિય સાગરીત કુલદીપ સ્વામીની ધરપકડ
આરોપીએ વેપારી પાસે રૂ.10 કરોડની ખંડણી માંગી અને રૂ.10 લાખ હવાલા મારફતે લેવાના હતા: આરોપી પાસેથી અંદાજે રૂ.4 કરોડની આંતરરાષ્ટ્રીય કિંમત ધરાવતું 2 કિલો હેરોઈન નામનું માદક દ્રવ્ય મળી આવ્યું

વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે એક સનસનાટીભર્યા ઓપરેશનમાં કુખ્યાત 'રોહિત ગોદારા ગેંગ'ના સક્રિય સાગરીત કુલદીપ સ્વામીની ધરપકડ કરી છે. મૂળ રાજસ્થાનના રહેવાસી કુલદીપ સ્વામીએ વડોદરાના એક અગ્રણી વેપારી પાસે રૂ.10 કરોડની અતિભારે ખંડણીની માંગણી કરી હતી. મોટો વિવાદ અને ધમકીઓ બાદ આખરે રૂ.10 લાખ હવાલા મારફતે ચૂકવવાનું નક્કી થયું હતું અને વેપારીને નાણાં આપવા માટે દિલ્હીના ચાંદની ચોક વિસ્તારમાં બોલાવવામાં આવ્યો હતો.
વેપારીની ફરિયાદ બાદ વડોદરા ક્રાઇમ બ્રાન્ચ તાત્કાલિક એક્શનમાં આવી હતી અને એક વિશેષ ટીમ દિલ્હી મોકલવામાં આવી હતી. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલની મદદ લઈને ચાંદની ચોક વિસ્તારમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચે વ્યૂહાત્મક છટકું ગોઠવ્યું હતું. હવાલાની રકમ લેવા માટે આવેલા આરોપી કુલદીપ સ્વામીને ટીમે કોર્ડન કરીને સ્થળ પરથી જ દબોચી લીધો હતો.
આરોપી કુલદીપ સ્વામીની ધરપકડ બાદ તેની તલાશી લેતાં ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા સાંપડી હતી. આરોપી પાસેથી અંદાજે રૂ.4 કરોડની આંતરરાષ્ટ્રીય કિંમત ધરાવતું 2 કિલો હેરોઈન નામનું માદક દ્રવ્ય મળી આવ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચે ખંડણી અને નાર્કોટિક્સ સહિતના ગંભીર ગુના હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને આરોપીને રિમાન્ડ પર લેવા અને ગેંગના અન્ય સાગરીતો સુધી પહોંચવા માટે વધુ તપાસ તેજ કરી છે.
(11:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
