તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 20th September 2026
વડોદરા શહેર અને જિલ્લામાં રૂ. ૧૨૯૭ કરોડના વિકાસ કામોની ભેટ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
મુખ્યમંત્રીના હસ્તે ગંભીરા બ્રિજ, ભારત રત્ન ડો. બાબા સાહેબ આંબેડકરના મેમોરિયલનું પણ લોકાર્પણ : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશમાં ખરા ખરા અર્થમાં સામાજિક સમરસતા સ્થપાઇ:સરકારી યોજનાઓનો લાભ વધુમાં વધુ લોકો સુધી પહોંચે તે માટે ‘સેચ્યુરેશન’ના અભિગમ સાથે આગળ વધવાની જરૂર: મુખ્યમંત્રી

( અશ્વિન વ્યાસ દ્વારા ) ગાંધીનગર : વડોદરા જિલ્લાના વરણામા સ્થિત ત્રિમંદિર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રૂ. ૧૨૯૭ કરોડના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ સગર્વ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશમાં ખરા ખરા અર્થમાં સામાજિક સમરસતા સ્થપાઇ છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાનના નેતૃત્વમાં સામાજિક સમરસતા અને ‘વસુધૈવ કુટુંબકમ્’ની ભાવનાને સતત પ્રોત્સાહન મળ્યું છે. વડોદરામાં અંદાજે રૂ. ૨૯ કરોડના ખર્ચે નિર્માણ પામેલા ડૉ. બાબાસાહેબ આંબેડકર સંકલ્પભૂમિ સ્મારકનું લોકાર્પણ આ દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. આ પવિત્ર ભૂમિ સાથે ડૉ. બાબાસાહેબ આંબેડકરની સ્મૃતિ જોડાયેલી છે, ત્યારે અહીં તેમની ૧૨ ફૂટ ઊંચી પ્રતિમા સાથે મ્યુઝિયમ, ડિજિટલ શો, લાઇબ્રેરી અને ઓડિટોરિયમનું નિર્માણ કરવામાં આવ્યું છે.
ભૂપેન્દ્રભાઈ પટેલે વડોદરા શહેર અને જિલ્લાના નાગરિકોને આપેલી રૂ. ૧૨૯૭ કરોડના વિકાસકામોની ભેટમાં ગંભીરા બ્રિજ, કલ્યાણનગર સ્થિત ડો. બાબા સાહેબ આંબેડકર મેમોરિયલનો પણ સમાવેશ થાય છે. ખાતમુહૂર્ત અને લોકાર્પણના આ ઉપક્રમમાં મંત્રી પદ્યુમ્નભાઇ વાજા અને ડો. મનિષાબેન વકીલ પણ જોડાયા હતા. તેમણે કાર્યક્રમ પૂર્વે ત્રિમંદિરના દર્શન પણ કર્યા હતા.
તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અવિરત જનસેવા અને રાષ્ટ્રસેવાના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે તેમની સેવા સાધનાને વધુ ગતિ આપવા ‘સેવા સંકલ્પ અભિયાન’નું આયોજન કરવામાં આવ્યું છે. દેશમાં સુશાસનનો અનુભવ જનજન સુધી પહોંચ્યો છે. ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ’ના મંત્રને સાકાર કરીને વિકાસની રાજનીતિને નવી દિશા આપવામાં આવી છે. સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત રાષ્ટ્રસેવા માટે વડાપ્રધાનએ આપેલા યોગદાન, ગરીબલક્ષી યોજનાઓ અને વિકાસલક્ષી કાર્યોને જનજન સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
ભુપેન્દ્રભાઈ પટેલે ઉમેર્યું કે, ડૉ. બાબાસાહેબ આંબેડકરે સમાજમાંથી કુરિવાજો અને અસમાનતા દૂર કરી સામાજિક સમરસતા સ્થાપિત કરવા માટે દૃઢ સંકલ્પ સાથે કાર્ય કર્યું હતું. સંકલ્પભૂમિ સ્મારક આવનારી પેઢીઓ માટે સામાજિક સમાનતા, એકતા અને સમરસતાની પ્રેરણાભૂમિ બનશે. વિપરીત પરિસ્થિતિઓ વચ્ચે પણ સમાજના ઉત્થાન માટે દૃઢ સંકલ્પ કરવામાં આવે તો પરિવર્તન ચોક્કસપણે લાવી શકાય છે, તે સંદેશ આ સ્મારક દ્વારા જનમાનસ સુધી પહોંચશે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રીએ દેશના દરેક નાગરિકને પોતાના પરિવારનો હિસ્સો માનીને અંતિમ પંક્તિના માનવી સુધી વિકાસના લાભ પહોંચાડવાનો અભિગમ અપનાવ્યો છે. સંત શિરોમણી સંત રવિદાસજીની ૬૫૦મી જન્મજયંતીની ઉજવણીને સામાજિક એકતા અને સમરસતાના મહોત્સવ તરીકે ઉજવવામાં આવી રહી છે. ગુજરાતમાં પણ આ અંતર્ગત રૂ. ૨૩૧ કરોડના વિવિધ પ્રકલ્પો હાથ ધરવામાં આવી રહ્યા છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, સેવા સંકલ્પ અભિયાનનો મૂળ હેતુ સત્તાને સેવાનું માધ્યમ બનાવી જનજનની સેવા કરવાનો છે. ગરીબ અને વંચિત વર્ગના જીવનમાં પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, હર ઘર જલ અને આયુષ્માન ભારત જેવી વિવિધ યોજનાઓ દ્વારા નાગરિકોના જીવનને વધુ સુગમ બનાવવામાં આવ્યું છે. તેમણે આ યોજનાઓના લાભથી વંચિત રહેલા નાગરિકોને લાભ અપાવવા માટે સૌને સહભાગી બનવા આહ્વાન કર્યું હતું.
તેમણે જણાવ્યું કે, સરકારી યોજનાઓનો લાભ વધુમાં વધુ લોકો સુધી પહોંચે તે માટે ‘સેચ્યુરેશન’ના અભિગમ સાથે આગળ વધવાની જરૂર છે. સેવા સંકલ્પ અભિયાન દરમિયાન દરેક વ્યક્તિ પોતાની ક્ષમતા મુજબ સમાજસેવામાં યોગદાન આપે તેવો સંકલ્પ કરવો જોઈએ. વૃક્ષારોપણ, સ્વચ્છતા, પાણી બચાવવું, વીજળીની બચત અને જળસંચય જેવા કાર્યો દ્વારા પણ જનસેવામાં સહભાગી બની શકાય છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વિકાસની પ્રક્રિયામાં દરેક ગામ, દરેક પરિવાર અને દરેક નાગરિકને મુખ્ય પ્રવાહ સાથે જોડવાનો સરકારનો સતત પ્રયાસ છે. વડોદરા જિલ્લામાં પણ ગંભીરા બ્રિજ સહિત આવાસ, રસ્તા, ડ્રેનેજ અને પાણી પુરવઠા સહિતના વિવિધ વિકાસ કામો હાથ ધરવામાં આવી રહ્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ૫૯૩ આવાસો સહિતના વિવિધ પ્રકલ્પો દ્વારા નાગરિકોની સુખાકારીમાં વધારો કરવાનો સરકારનો સંકલ્પ છે.
મુખ્યમંત્રીએ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે વિકસિત ગુજરાતના નિર્માણમાં સૌની સહભાગિતાને મહત્વપૂર્ણ ગણાવી હતી. તેમણે જણાવ્યું કે, વિકાસનો લાભ સમાજના દરેક વર્ગ સુધી પહોંચે અને કોઈપણ વ્યક્તિ વિકાસની પ્રક્રિયાથી વંચિત ન રહે તે માટે સરકાર સતત કાર્યરત છે. વડાપ્રધાનશ્રીના ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ’ના મંત્રને જનભાગીદારી દ્વારા વધુ મજબૂત બનાવવાનો તેમણે અનુરોધ કર્યો હતો.
અંતમાં મુખ્યમંત્રીએ ત્રિમંદિર ખાતે સમરસતા અને એકતાના સંદેશને આત્મસાત કરીને સૌને સાથે મળીને આગળ વધવા આહ્વાન કર્યું હતું. દરેક માનવીમાં એક જ પરમાત્માનો અંશ છે તેવી ભાવનાને જીવનમાં ઉતારી સામાજિક એકતા અને ભાઈચારાને વધુ મજબૂત બનાવવાની અપીલ કરતાં તેમણે વિકસિત ગુજરાત અને વિકસિત ભારતના નિર્માણમાં સૌને સહભાગી બનવા અનુરોધ કર્યો હતો.
સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી પ્રદ્યુમ્નભાઈ વાજાએ ડૉ. બાબાસાહેબ આંબેડકરને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં જણાવ્યું હતું કે, બાબાસાહેબે સામાજિક ન્યાય અને સમાજના ઉત્થાન માટે આપેલા અમૂલ્ય યોગદાનને હંમેશાં સ્મરણમાં રાખવું જોઈએ. વડોદરાની પાવન ભૂમિ પર આજે રૂ. ૧,૨૭૩ કરોડના વિકાસકાર્યોની ભેટ મળી છે, જેમાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગને પણ આશરે રૂ. ૭૫ કરોડના વિકાસકાર્યો પ્રાપ્ત થયા છે. આ બદલ તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા સમગ્ર રાજ્ય સરકારનો જનતા વતી આભાર વ્યક્ત કર્યો હતો.
તેમણે ઉમેર્યું કે, ડૉ. બાબાસાહેબ આંબેડકરના મતે સમાજની પ્રગતિનું સાચું માપદંડ છેવાડાના વ્યક્તિ અને મહિલાના વિકાસમાં રહેલું છે અને આ વિચારધારાને રાજ્ય સરકાર વિકાસના કેન્દ્રમાં રાખી રહી છે.
મંત્રીએ જણાવ્યું હતું કે, વડોદરાની ભૂમિ ડૉ. બાબાસાહેબ આંબેડકરના જીવન સાથે ઐતિહાસિક રીતે જોડાયેલી છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડે બાબાસાહેબને શિષ્યવૃત્તિ આપી ઉચ્ચ અભ્યાસ માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેમજ વડોદરામાં આવેલા સંઘર્ષના સમયમાં સયાજીબાગના વૃક્ષ નીચે તેમણે સમાજના વંચિત અને પીડિત વર્ગને મુખ્ય ધારામાં લાવવાનો સંકલ્પ કર્યો હતો. બાબા સાહેબે ઘડેલા બંધારણ દ્વારા દેશના નાગરિકોને પ્રાપ્ત થયેલા અધિકારો અને સમાનતાના મૂલ્યોને કારણે આજે સમાજના અનેક વર્ગોને વિકાસની તકો પ્રાપ્ત થઈ છે.
તેમણે જણાવ્યું હતું કે, સરકારની નીતિ અને નિયત સાથે બંધારણીય મૂલ્યોનું અસરકારક અમલીકરણ થાય ત્યારે જ સામાજિક ન્યાયના સંકલ્પને સાકાર કરી શકાય છે.
મંત્રીએ સંત શિરોમણી રવિદાસજીની ૬૫૦મી જન્મજયંતિ નિમિત્તે રાજ્ય સરકારે રૂ. ૨૩૧ કરોડના બજેટની જોગવાઈ કરી હોવાનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
રાજ્ય મંત્રી ડો. મનિષાબેન વકીલે કહ્યું કે, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ગંભીરા પુલના પુનઃનિર્માણને અગ્રતા આપીને કામ સમયસર પૂર્ણ કરાવ્યું છે. નવો બ્રિજ બનતા હવે વડોદરાથી સૌરાષ્ટ્ર વચ્ચેની વેપારની પ્રવૃત્તિને આસાની થશે. આ ઉપરાંત વડોદરામાં ભારત રત્ન ડો. બાબા સાહેબનું મેમોરિયલ બનવાથી તે લોકોને પ્રેરણા આપતું રહેશે.
આ વેળાએ રાજ્ય મંત્રી દર્શનાબેન વાઘેલા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી જ્યોત્સનાબેન રબારી, મેયર શ્રીમતી ગીતાબેન મકવાણા, ધારાસભ્ય શંભુપ્રસાદ ટુંડિયા, શૈલેષભાઇ મહેતા, કેતનભાઇ ઇનામદાર, કેયુરભાઇ રોકડિયા,ચૈતન્યસિંહ ઝાલા, અગ્રણી ડો. બી. જે. બ્રહ્મભટ્ટ, જયપ્રકાશભાઇ સોની,રસિકભાઇ પ્રજાપતિ, સચિવ હર્ષદ પટેલ, કમિશનર અરુણ મહેશ બાબુ, નિયામક રચિત રાજ, જિલ્લા વિકાસ અધિકારી આનંદ પાટીલ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(6:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
