News of Saturday, 28th November 2026
વડોદરા એરફોર્સ સ્ટેશન પર હુમલાનું કાવતરું !:ATSએ AK-47 સાથે ઝડપેલા જૈશ-એ-મોહમ્મદના આતંકીના 14 દિવસના રિમાન્ડ મંજુર
મોહમ્મદ શાહરુખે પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલરના આદેશ પર વડોદરા એરફોર્સ સ્ટેશનની રેકી કરી હતી જે બાદ હથિયાર લેવા માટે દાહોદ ગયો હતો. તેની પાસેથી એકે 47 રાઈફલ અને 23 જીવતા કારતૂસ મળ્યા

ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)ની ટીમે રાજ્યમાં આતંકવાદી હુમલાનું કાવતરું ઘડી રહેલા એક શંકાસ્પદ આતંકવાદીની ધરપકડ કરી છે, જે વડોદરા સ્થિત એરફોર્સ સ્ટેશન પર આતંકી હુમલો કરવાના ઈરાદે આવ્યો હતો. તેના મોબાઈલમાંથી એરફોર્સ સ્ટેશનની રેકીના ફોટો અને વીડિયો પણ મળી આવ્યા છે. હાલ આરોપીને 14 દિવસના રિમાન્ડ પર સોંપવાનો હુકમ કરવામાં આવ્યો છે.
હકીકતમાં ગુજરાત ATSના DySpની ટીમને બાતમી મળી હતી કે, ગુજરાતમાં આતંકવાદી હુમલાના ઈરાદે એક શખ્સ ઘુસ્યો છે. જે બાદ ATSની અલગ-અલગ ટીમોએ સઘન શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન આરોપી વડોદરાના સયાજીગંજ સ્થિત રેલવે સ્ટેશન નજીકની હોટલમાં રોકાયો હોવાની બાતમી મળી હતી. જેથી ATSની ટીમે હોટલમાં છાપો માર્યો, પરંતુ આરોપી ચેકઆઉટ કર્યાં વિના જતો રહ્યો હતો.
હોટલમાં મળેલી માહિતીના આધારે સર્ચ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું હતુ. આ દરમિયાન બાતમી મળી હતી કે, આરોપી દાહોદથી વડોદરા આવી રહ્યો છે. આથી ATSની ટીમે હાલોલ-વડોદરા હાઈવે પર ગોલ્ડન ચોકડી નજીક વૉચ ગોઠવીને આરોપીને ઝડપી પાડ્યો હતો.
પોલીસ પૂછપરછમાં આરોપીની ઓળખ આસામના કરીમગંજ જિલ્લાના વતની મોહમ્મદ શાહરુખ ઈસ્લામ કબીરુદ્દીન તરીકે થઈ છે. જે આસામથી ટ્રેન મારફતે ભોપાલ આવ્યો હતો, જ્યાંથી બસમાં વડોદરા પહોંચ્યો હતો. મોહમ્મદ શાહરુખે પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલરના આદેશ પર વડોદરા એરફોર્સ સ્ટેશનની રેકી કરી હતી. જે બાદ હથિયાર લેવા માટે દાહોદ ગયો હતો. તેની પાસેથી એકે 47 રાઈફલ અને 23 જીવતા કારતૂસ મળી આવ્યા છે.
ATSની ટીમે આરોપીના મોબાઈલને ચેક કરતાં એરફોર્સ સ્ટેશનના ગેટની તસવીરો અને વીડિયો મળી આવ્યા છે. આ સાથે જ એકે-47 રાઈફલ ચલાવવાની તાલીમ આપતા વીડિયો પણ મળી આવ્યા છે.
આરોપી પાકિસ્તાનમાં રહેતા મુફ્તિ રફિક ઉર્ફે ઈબ્ન અબ્દુલ્લાના સંપર્કમાં હોવાના પુરાવા પણ મળી આવ્યા છે. પાકિસ્તાન સ્થિત હેન્ડલરે નવો મોબાઈલ ખરીદવા માટે તેને 50 હજાર રૂપિયા રોકડા આપ્યા હતા. આરોપી આતંકી હુમલા બાદ પાકિસ્તાન ભાગી જવા અને જૈશ-એ-મોહમ્મદના સંગઠનમાં સામેલ થવાનો હતો.
ગુજરાત ATSની ટીમે આરોપીને વાઘોડિયાની કોર્ટમાં રજૂ કરીને 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. કોર્ટમાં આરોપીનો કેસ લડવા માટે કોઈ વકીલ તૈયાર નહતો થયો, પરંતુ આખરે એક વકીલ તૈયાર થયા હતા. જે બાદ બન્ને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે આરોપીને 14 દિવસના રિમાન્ડ પર સોંપી દીધો છે.
હવે ATSની ટીમ દ્વારા વડોદરાની હોટલ ઉપરાંત આસામ સ્થિત તેના ઘરની પણ તપાસ કરવાની છે. તેમજ આ કાવતરામાં તેની સાથે અન્ય કોણ-કોણ સંડોવાયેલું છે, તે તો તપાસના અંતે જ સામે આવશે
(12:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
