News of Saturday, 19th September 2026
વડનગરથી વારાણસી 'સેવા સંકલ્પ યાત્રા' બાઈક રેલી પંચમહાલ પહોંચી: ઢોલ-નગારા, આદિવાસી લોકનૃત્ય અને પુષ્પવર્ષાથી ભવ્ય સ્વાગત!
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જાતે બાઈક હંકારીને સેવાયાત્રીઓ સાથે રેલીમાં જોડાયા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૨૫ વર્ષના સમર્પિત સેવાકાર્યને બિરદાવી નાગરિકોને રોજ ૨૫ મિનિટ સેવા આપવા આહવાન

ગોધરા : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનના શુભ અવસરે તેમની જન્મભૂમિ વડનગરથી કર્મભૂમિ વારાણસી સુધી આયોજિત ભવ્ય 'સેવા સંકલ્પ યાત્રા' મોટરસાઈકલ રેલી પંચમહાલ જિલ્લામાં આવી પહોંચતા સમગ્ર વાતાવરણ ઉત્સવમય બની ગયું હતું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પોતે બાઈક ચલાવીને સેવાયાત્રીઓ સાથે પંચમહાલમાં પ્રવેશ્યા હતા. હાલોલ સ્થિત ચંદ્રપુરા ચોકડી ખાતે પરંપરાગત આદિવાસી લોકનૃત્ય, 'વિકસિત ભારત' થીમ પરના સાંસ્કૃતિક પ્રસ્તુતિકરણ અને ગ્રામજનો દ્વારા કરવામાં આવેલી પુષ્પવર્ષાથી રેલીનું ઉષ્માભર્યું અને ભવ્ય અભિવાદન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વાતચીત કરતાં હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાતના ૫૦૦થી વધુ ઉત્સાહી યુવાનો અલગ-અલગ ૧૦ રૂટ પર મોટરસાઈકલના માધ્યમથી ૨૨ દિવસ સુધી ગામેગામ ફરીને સ્વચ્છતા અભિયાન, ગૌસેવા, વડીલોની સંભાળ અને પ્રધાનમંત્રી આવાસ, આયુષ્યમાન ભારત તથા કિસાન સન્માન નિધિ જેવી વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે લોકજાગૃતિ ફેલાવવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે. તેમણે વડાપ્રધાન મોદીના ૨૫ વર્ષના સતત અને એક પણ દિવસની રજા લીધા વગરના પ્રજાકલ્યાણકારી સમર્પણને બિરદાવ્યું હતું.
દરેક નાગરિક પોતાના ગામ અને દેશ માટે ૨૫ મિનિટ ફાળવે
હર્ષ સંઘવીએ નાગરિકોને ખાસ અપીલ કરતા કહ્યું હતું કે, આ 'સેવા પખવાડિયા' અને સેવા સંકલ્પ માસ દરમિયાન દરેક નાગરિક પોતાના ગામ, સમાજ અને રાષ્ટ્રના નિર્માણ માટે દૈનિક માત્ર ૨૫ મિનિટનો સમય ફાળવીને સ્વચ્છતા કે આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓમાં પોતાનું યોગદાન આપે. આ યાત્રા જ્યારે વડોદરાથી પંચમહાલમાં પ્રવેશી ત્યારે જિલ્લા પ્રભારી મંત્રી રમેશ કટારા, જિલ્લા પંચાયત પ્રમુખ, હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર અને મોટી સંખ્યામાં સ્થાનિક અગ્રણીઓ તથા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
(7:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
