<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th April 2026

નવસારીના ચીખલીમાં ઊંચા વ્યાજની વસૂલાત અને દાગીના હડપ કરી જનારા એક વ્યાજખોરની ધરપકડ

મહિલા દ્વારા વ્યાજ સહિતની તમામ રકમ ચૂકવી દેવા છતાં આરોપીએ દાગીના પરત ન કરી વિશ્વાસઘાત કર્યો :પોલીસે પંથકમાં વ્યાજખોરો સામે લાલ આંખ કરી

નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાંથી વ્યાજખોરીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં પોલીસે ઊંચા વ્યાજની વસૂલાત અને દાગીના હડપ કરી જનારા એક શખ્સની ધરપકડ કરી છે. મહિલા દ્વારા વ્યાજ સહિતની તમામ રકમ ચૂકવી દેવા છતાં આરોપીએ દાગીના પરત ન કરી વિશ્વાસઘાત કર્યો હતો. આ ઘટનાએ પંથકમાં વ્યાજખોરો સામે લાલ આંખ કરી છે.

 

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના બારોલિયા ગામની એક મહિલા જ્યારે આર્થિક મુશ્કેલીમાં હતી, ત્યારે તેણે સ્થાનિક શખ્સ પાસેથી નાણાં ઉછીના લીધા હતા. પરંતુ આ મદદ મહિલા માટે મુસીબત બની ગઈ હતી. બારોલિયા ગામની રહેવાસી પુનીતા પટેલે પોતાની જરૂરિયાત સંતોષવા માટે ચર્ચિલ ઉર્ફે દિવ્યેશ ગાંધી નામના શખ્સ પાસેથી અલગ-અલગ સમયે કુલ 6,65,407 રૂપિયા વ્યાજે લીધા હતા. આ રકમના બદલામાં અને લોનની સુરક્ષા (સિક્યુરિટી) પેટે મહિલાએ પોતાના આશરે 179.98 ગ્રામ સોનાના દાગીના ચર્ચિલ ગાંધીને ત્યાં ગીરો મૂક્યા હતા.

 

સમય જતાં મહિલાએ પોતાની પ્રામાણિકતા દાખવી વ્યાજ સહિતની પૂરેપૂરી રકમ આરોપીને ચૂકવી દીધી હતી. નિયમ મુજબ રકમ ચૂકવાઈ ગયા બાદ ગીરો મૂકેલા દાગીના પરત મળવા જોઈએ, પરંતુ અહીંથી જ વ્યાજખોરની અસલી દાનત સામે આવી હતી. પુનીતા પટેલે જ્યારે પોતાના કિંમતી દાગીના પરત માંગ્યા ત્યારે ચર્ચિલ ગાંધીએ દાગીના આપવાને બદલે ગલ્લા-તલ્લા શરૂ કરી દીધા હતા. વારંવારની માંગણી છતાં આરોપી દાગીના પરત કરતો નહોતો અને મહિલાને ધક્કા ખવડાવતો હતો.

 

આખરે કંટાળીને અને પોતાના હકનું સોનું પાછું મેળવવા માટે મહિલાએ કાયદાનો સહારો લીધો હતો. પુનીતા પટેલે આ મામલે ચીખલી પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મામલાની ગંભીરતા સમજી ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી અને વ્યાજખોર ચર્ચિલ ઉર્ફે દિવ્યેશ ગાંધીની ધરપકડ કરી લીધી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમ અને ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આ કાર્યવાહીથી પંથકમાં ગેરકાયદેસર રીતે વ્યાજ વસૂલતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.  આરોપીએ અન્ય કોઈ વ્યક્તિઓ સાથે પણ આ પ્રકારે છેતરપિંડી કરી છે કે કેમ તે દીશામાં પોલીસ હવે તપાસ કરી રહી છે.

(10:39 PM IST)