તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 14th April 2026
મહાનગરોની મહિલાઓ મતદાનમાં પાછળઃ ૨૦૨૧માં ૪૨.૬૦% જ મતદાન
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીમાં પ્રચારની શરૂઆત થઇ ગઇ છે પરંતુ રાજકીય પક્ષો અને તેના કાર્યકરોમાં જ ધમધમાટ હોય અને મતદારો સક્રિય ન હોય તેવી સ્થિતિ : મહાનગરોની સરખામણીમાં તાલુકા અને જિલ્લા પંચાયતોમાં સરેરાશ ૬૪ ટકાથી વધુ મતદાન કરતી જાગૃત મહિલા મતદારો

અમદાવાદ,તા.૧૪: રાજ્યમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીમાં પ્રચારની શરૂઆત થઇ ગઇ છે પરંતુ રાજકીય પક્ષો અને તેના કાર્યકરોમાં જ ધમધમાટ હોય અને મતદારો સક્રિય ન હોય તેવી સ્થિતિ છે. ખાસ કરીને મહાનગરોમાં મતદાન મહિલાઓનું મતદાન ખૂબ ઓછુ મતદાન રાજકીય પક્ષોમાં ચિતાનો વિષય બન્યો છે. મહાનગરોમાં વોર્ડ દીઠ ૫૦ ટકા બેઠકો મહિલાઓ માટે અનામત હોવા છતાં મહિલાઓ મતદાન કરવામાં ભારે ઉદાસીનતા દાખવે છે. તેની સામે જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણીમાં મહિલાઓ ભારે ઉત્સાહથી મતદાન કરે છે.
વર્ષ ૨૦૨૧માં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં છ મહાનગરોમાં મહિલાઓનું મતદાન સરેરાશ ૪૨.૬૦ ટકા હતું. જે જિલ્લા પંચાયતોમાં ૬૪.૨૬ ટકા અને તાલુકા પંચાયતોમાં ૬૪.૩૯ ટકા હતું. મહાનગરો કરતા જિલ્લા અને તાલુકા પંચાયતમાં ૨૧ ટકા જેટલું વધુ મતદાન થયું હતું.
મોટા શહેરોની મહિલાઓમાં જાગૃતિ વધુ હોવાનું કહેવાય છે અને ભણતરનું પ્રમાણ સરેરાશ વધુ હોય તેમ મનાય છે પરંતુ મતદાનની વાત આવે ત્યારે તે બાબત જણાતી નથી. શહેરોની મહિલાઓ મતદાન કેન્દ્ર નજીકમાં હોય તેમ છતાં મતદાન કરવા બહાર જવા તૈયાર થતી નથી તેનું આ આંકડા ઉદાહરણ છે.
જિલ્લા પંચાયતમાં આદિવાસી કે છેવાડાના જિલ્લામાં પણ વધુ મતદાન થતું હોય છે. નવાઇની વાત એ છે કે જે મહાનગરોમાં ચૂંટણી હોય તેની જિલ્લા પંચાયતમાં મહિલા મતદારો વધુ ઉત્સાહથી મતદાન કરે છે. મહિલાઓની મતદાનમાં ઘટતી ભાગીદારી અને કઇ ચૂંટણી છે તેની ઓછી જાગૃતિના કારણે અનેક કિસ્સામાં ચૂંટાયેલા પ્રતિનિધિ મહિલા હોય છતાં તેમના પતિ જ વહીવટ કરતા હોય તેવી સ્થિતિ સર્જાય છે. તાલુકા પંચાયતોમાં પણ મહિલાઓ ઉત્સાહપૂર્વક મોટાપાયે મતદાન કરતી હોય છે.
તાલુકા અને જિલ્લા પંચાયતોમાં મુખ્ય તાલુકા કે જિલ્લા મથકો આવતા હોય છે જેમાં સામાન્ય રીતે મહાનગરોની સરખામણીમાં રાજકીય જાગૃતિનું પ્રમાણ ઓછુ હોવાનું મનાય છે પરંતુ જે રીતે મતદાનનો ટ્રેન્ડ છે તે પ્રમાણે શહેરો કરતા તાલુકા-જિલ્લા પંચાયતની મહિલા મતદારો વધુ સમજદારી દાખવી રહી છે.
૨૦૨૧માં અમદાવાદ શહેરમાં કેટલાક વોર્ડમાં ૨૫ ટકા જેટલું પણ મતદાન નોંધાયું હતું. તે સંજોગોમાં મહિલા મતદારોએ તેમાંથી કેટલું મતદાન કર્યું હશે તે સવાલ છે. મહાનગરોમાં મહિલા મતદાનનું પ્રમાણ ઘટી રહ્યું છે તેની વચ્ચે મહિલાઓને હજુ વધુ રાજકીય પ્રતિનિધિત્વ આપવાની ચર્ચા શરૂ થઇ છે.
રાજકીય વર્તુળોમાં ચર્ચા મુજબ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મતદાર જાગૃતિ માટે હજુ પણ સતત અને મોટાપાયે વિશેષ ઝુંબેશ ચલાવવાની જરૂર છે. કેટલાક કિસ્સામાં કઇ ચૂંટણીનું મતદાન છે તેની જાણ પણ મતદારો સુધી પહોંચતી નથી. રાજકીય પક્ષો પણ શહેરોમાં મહિલાઓને વધુ મતદાન કરાવવા ઉણા ઉતરતા હોય તેવી સ્થિતિ છે.
૨૦૨૧માં જિ. પંચાયતમાં મતદાન
અમદાવાદ ૬૭.૦૯ ટકા
ભાવનગર ૬૬.૧૧ ટકા
જામનગર ૬૦.૫૭ ટકા
રાજકોટ ૫૮.૮૪ ટકા
સુરત ૬૭.૬૭ ટકા
વડોદરા ૭૦.૮૮ ટકા
નર્મદા ૭૭.૮૪ ટકા
નવસારી ૭૦.૭૫ ટકા
તાપી ૭૩.૫૬ ટકા
ડાંગ ૭૫.૧૬ ટકા
૨૦૨૧માં મહાનગરોમાં કંગાળ મહિલા મતદાન
અમદાવાદ ૩૮.૮૪ ટકા
ભાવનગર ૪૫.૮૭ ટકા
જામનગર ૪૯.૫૨ ટકા
રાજકોટ ૪૬.૬૦ ટકા
સુરત ૪૪.૧૩ ટકા
વડોદરા ૪૪.૬૩ ટકા
(10:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
