તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd July 2026
ઉપરવાસના વરસાદે મચાવી તબાહી: ભરૂચ - નર્મદા બોર્ડર પર આવેલ મોહન નદી ગાંડીતૂર, અનેક માર્ગો બંધ
મોહન નદીમાં પ્રથમ પૂરનો કહેર: નર્મદાના ગારદા–મોટા જાંબુડા માર્ગ પાણીમાં ગરકાવ:મોહન નદી ગાંડીતૂર બનતા અવરજવર ઠપ્પ, લોકો ભારે હાલાકીમાં: વિદ્યાર્થીઓ અને નોકરિયાતો અટવાયા

( ભરત શાહ દ્વારા ) નર્મદા:ઉપરવાસ વિસ્તારમાં સતત વરસી રહેલા ભારે વરસાદના પગલે આ સીઝનમાં પ્રથમ વખત મોહન નદી ગાંડીતૂર બની છે. નદીમાં આવેલા ભારે પૂરના કારણે ગારદા અને મોટા જાંબુડાને જોડતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેના પરિણામે વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે.
મોહન નદી પર બનાવવામાં આવેલા મોટા બ્રિજ ઉપર પણ પૂરના પાણી ફરી વળતાં બ્રિજ સંપૂર્ણપણે જળમગ્ન બની ગયો છે. સુરક્ષાના કારણોસર વાહનવ્યવહાર બંધ કરવો પડ્યો છે, જેના કારણે ભરૂચ–નર્મદા બોર્ડર વિસ્તારનો સંપર્ક ગંભીર રીતે પ્રભાવિત થયો છે.
ગારદાથી મંડાળા ગામને જોડતા માર્ગ પર પણ પાણી ફરી વળતાં જનજીવન પર સીધી અસર જોવા મળી રહી છે. ખાસ કરીને હનુમાનજીના મંદિર પાસે આવેલા નાળા પર પાણીનો પ્રવાહ અત્યંત વધી જતાં રસ્તો જીવલેણ બની ગયો છે. સ્થાનિકોએ પોતાની સુરક્ષાને ધ્યાનમાં રાખી અવરજવર બંધ કરી દીધી છે.
આ પરિસ્થિતિના કારણે શાળા-કોલેજમાં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓ તેમજ નોકરિયાતો રસ્તામાં જ અટવાઈ ગયા હતા. અનેક લોકોને કલાકો સુધી રસ્તો ખુલવાની રાહ જોવી પડી હતી, જેના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
સ્થાનિકોએ તંત્રને પાણી ઉતરે ત્યાં સુધી તમામ જોખમી સ્થળોએ બેરિકેડિંગ, પોલીસ બંદોબસ્ત અને સતત દેખરેખ ગોઠવવાની માંગ કરી છે. સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવા તથા પૂરનાં પાણીમાંથી પસાર થવાનો કોઈપણ પ્રકારનો પ્રયાસ ન કરવા અપીલ કરવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હોવાથી આગામી કલાકોમાં નદીનું જળસ્તર વધુ વધે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તંત્ર દ્વારા લોકોને અત્યંત સાવચેતી રાખવા અને બિનજરૂરી મુસાફરી ટાળવા સૂચના આપવામાં આવી છે
(11:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
