<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th July 2026

ગુજરાત યુનિવર્સિટી પરિસરમાં સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં છેલ્લા 15 કલાકથી કમર સુધી પાણી:અંદાજે 1000 જેટલી વિદ્યાર્થીનીઓ ભારે મુશ્કેલીમાં મુકાઈ

પાણી ભરાયા બાદ પણ પીવાનું પાણી, ભોજન અને અન્ય મૂળભૂત સુવિધાઓ માટે વિદ્યાર્થિનીઓને ભારે હાલાકી:વિદ્યાર્થીનીઓનો આક્ષેપ છે કે ગંભીર પરિસ્થિતિ હોવા છતાં તંત્ર તરફથી સમયસર મદદ કે પાણીના નિકાલની યોગ્ય કામગીરી કરાઈ નથી

અમદાવાદમાં સતત વરસી રહેલા ભારે વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. શહેરના ગુજરાત યુનિવર્સિટી પરિસરમાં આવેલી સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં વરસાદી પાણી ભરાતા અંદાજે 1000 જેટલી વિદ્યાર્થીનીઓ ગંભીર મુશ્કેલીમાં મુકાઈ છે. છેલ્લા 15 કલાકથી હોસ્ટેલ પરિસરમાં કમર સુધી પાણી ભરાયેલું હોવાના કારણે વિદ્યાર્થિનીઓ રૂમમાંથી બહાર નીકળવા માટે પણ મુશ્કેલીનો સામનો કરી રહી છે. સૌથી ગંભીર બાબત એ છે કે પાણી ભરાયા બાદ પણ પીવાનું પાણી, ભોજન અને અન્ય મૂળભૂત સુવિધાઓ માટે વિદ્યાર્થિનીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. વિદ્યાર્થીનીઓનો આક્ષેપ છે કે આટલી ગંભીર પરિસ્થિતિ હોવા છતાં તંત્ર તરફથી સમયસર મદદ કે પાણીના નિકાલની યોગ્ય કામગીરી કરવામાં આવી નથી.

 

ગુરુવારની રાત્રે વિદ્યાર્થિનીઓ મેસમાં ભોજન કરી રહી હતી ત્યારે અચાનક વરસાદી પાણી મેસની અંદર ઘૂસી આવ્યું હતું. થોડા જ સમયમાં મેસમાં પાણી ભરાતા ભોજન બનાવવાની અને પીરસવાની સમગ્ર વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. પાણીના કારણે રસોડું અને મેસનો વિસ્તાર ઉપયોગમાં લેવા યોગ્ય રહ્યો નહોતો. જેના કારણે વિદ્યાર્થિનીઓને સમયસર ભોજન મળશે કે નહીં તે અંગે ચિંતા ઊભી થઈ છે. એક તરફ હોસ્ટેલની બહાર કમર સુધી પાણી ભરાયું છે અને બીજી તરફ મેસની વ્યવસ્થા પણ ઠપ થઈ ગઈ છે. પરિણામે મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ માટે ખોરાકની વ્યવસ્થા કરવી પણ મોટો પડકાર બની ગયો છે. હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીઓએ જણાવ્યું હતું કે ભારે વરસાદ વચ્ચે તેઓ લાંબા સમયથી મુશ્કેલીમાં છે, પરંતુ તેમની મદદ માટે કોઈ અસરકારક વ્યવસ્થા જોવા મળી નથી.

પાણી ભરાવાને કારણે હોસ્ટેલની દૈનિક જીવન વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. વિદ્યાર્થિનીઓના જણાવ્યા મુજબ સવારથી ન્હાવા માટે પાણી ઉપલબ્ધ નથી. આ ઉપરાંત સૌથી મોટી સમસ્યા પીવાના શુદ્ધ પાણીની સર્જાઈ છે. પાણી ભરાયેલા પરિસરમાંથી પસાર થઈને વિદ્યાર્થિનીઓને કેન અને બોટલ ભરવા માટે બીજી બિલ્ડિંગ સુધી જવું પડી રહ્યું છે. ઘણી વિદ્યાર્થીનીઓએ જોખમ લઈને પાણી ભરવા માટે લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડ્યું હતું. કમર સુધી પાણી ભરાયેલા હોવાના કારણે બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે અને પાણીમાં કોઈ જોખમજનક વસ્તુ કે વીજળી સંબંધિત ખતરો હોવાની પણ ચિંતા છે. હોસ્ટેલ જેવી જગ્યાએ મોટી સંખ્યામાં વિદ્યાર્થિનીઓ રહેતી હોવા છતાં પીવાના પાણી જેવી મૂળભૂત સુવિધા માટે તેમને આ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડે તે તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કરે છે.

 

વિદ્યાર્થિનીઓનો આક્ષેપ છે કે સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં દર વર્ષે ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. વરસાદ વધુ પડે ત્યારે પરિસરમાં કમર સુધી પાણી ભરાઈ જાય છે અને હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીઓને દિવસો સુધી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેમ છતાં અત્યાર સુધી આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. વિદ્યાર્થીનીઓનું કહેવું છે કે દર વર્ષે વરસાદી સિઝનમાં તંત્રને આ સમસ્યાની જાણ હોવા છતાં પાણીના નિકાલ માટે પૂરતી અને કાયમી વ્યવસ્થા કરવામાં આવી નથી. આ વખતે પણ 15 કલાકથી પાણી ભરાયેલું હોવા છતાં પાણીના નિકાલની કામગીરીમાં વિલંબથી વિદ્યાર્થિનીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. તેમનો સવાલ છે કે જો આ સમસ્યા દર વર્ષે સર્જાય છે તો અગાઉથી ડ્રેનેજ, પંપિંગ અને ઇમરજન્સી વ્યવસ્થાની તૈયારી કેમ કરવામાં આવી નથી?

 

હોસ્ટેલમાં અંદાજે 1,000 વિદ્યાર્થીનીઓ પાણી વચ્ચે ફસાયેલી હોવાના કારણે હવે સૌથી મોટો પ્રશ્ન તેમની સુરક્ષાને લઈને ઊભો થયો છે. જો કોઈ વિદ્યાર્થિનીની તબિયત અચાનક લથડે અથવા મેડિકલ ઇમરજન્સી સર્જાય તો તેને હોસ્પિટલ સુધી કેવી રીતે પહોંચાડવામાં આવશે તે અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ચારે તરફ પાણી ભરાયેલું હોવાથી સામાન્ય વાહનો અને એમ્બ્યુલન્સની અવરજવર પણ મુશ્કેલ બની શકે છે. વિદ્યાર્થિનીઓનું કહેવું છે કે ગુરુવારની રાત્રે મેસમાં પાણી ઘૂસ્યા બાદથી તેઓ સતત મુશ્કેલીમાં છે. સવારથી ન્હાવા માટે પાણી નથી અને પીવાના પાણી માટે પણ મુશ્કેલી પડી રહી છે. 15 કલાકથી કમર સુધીના પાણી વચ્ચે હોવા છતાં તેમની મદદ માટે કોઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી. વિદ્યાર્થીનીઓએ તાત્કાલિક પાણીનો નિકાલ કરવા, પીવાનું પાણી અને ભોજન ઉપલબ્ધ કરાવવા તેમજ મેડિકલ ઇમરજન્સી માટે ખાસ વ્યવસ્થા કરવાની માગ કરી છે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર ક્યારે જાગે છે અને અમદાવાદની આ હોસ્ટેલમાં ફસાયેલી 1000 જેટલી વિદ્યાર્થીનીઓને ક્યારે રાહત મળે છે

(8:46 PM IST)