News of Thursday, 3rd September 2026
દીકરીઓનો અંગ્રેજી ભાષાનો ડર દૂર કરવા વર્ગખંડમાં એઆઈ (AI) નો અનોખો પ્રયોગ કરનાર ભરૂચના શિક્ષિકા હેતલબેન રાણાની ‘શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક – ૨૦૨૬’ માટે પસંદગી
મનુબર પ્રાથમિક કન્યા શાળામાં ગ્રીન સ્ક્રીન, ગેમિફિકેશન અને ડિજિટલ ટેકનોલોજીથી શિક્ષણને બનવાયું રસપ્રદ : ૫ સપ્ટેમ્બરે શિક્ષક દિને રાજ્ય સરકાર દ્વારા બહુમાન કરાશે

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર : ગુજરાતની સરકારી શાળાઓમાં શિક્ષણને આધુનિક અને ટેકનોલોજીસભર બનાવવાના પ્રયાસો વચ્ચે ભરૂચ જિલ્લાની મનુબર પ્રાથમિક કન્યા શાળાના ભાષા-શિક્ષિકા હેતલબેન રાણાએ એક વિશિષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગ્રીન સ્ક્રીન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને વીડિયો એડિટિંગ એપ્લિકેશન્સનો ઉપયોગ કરીને દીકરીઓમાં અંગ્રેજી ભાષાનો સંકોચ દૂર કરી આત્મવિશ્વાસ વધારવાની તેમની કામગીરી મૂલ્યાંકનપાત્ર બની છે. આ ઉત્કૃષ્ટ શૈક્ષણિક પહેલ અને બે દાયકાની સમર્પિત સેવાઓને ધ્યાને રાખીને ગુજરાત સરકાર દ્વારા તેમની ‘શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક – ૨૦૨૬’ માટે સત્તાવાર પસંદગી કરવામાં આવી છે, જે અંતર્ગત ૫ સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિને તેમને રાજ્ય કક્ષાનું સન્માન એનાયત કરવામાં આવશે.
વર્ગખંડ બન્યો ડિજિટલ સ્ટુડિયો: ગ્રીન સ્ક્રીન અને AI નો સમન્વય
મનુબર પ્રાથમિક કન્યા શાળામાં વર્ષ ૨૦૨૨-૨૩ થી હેતલબેન રાણાએ એક અનોખો પ્રયોગ શરૂ કર્યો હતો. દીકરીઓ અંગ્રેજી બોલતાં અચકાય નહીં તે માટે તેમણે વર્ગખંડના એક ભાગને નાના ફિલ્મ સ્ટુડિયોમાં ફેરવી નાખ્યો હતો. અહીં ગ્રીન સ્ક્રીનની સામે દીકરીઓ અંગ્રેજીમાં સંવાદો અને અભિનય રજૂ કરે છે. ત્યારબાદ Plotagon, Arloopa અને AI જેવા ડિજિટલ ટૂલ્સની મદદથી ગ્રીન બેકગ્રાઉન્ડ હટાવીને કાર્ટૂન પાત્રો કે આકર્ષક દ્રશ્યો ઉમેરવામાં આવે છે. આ પદ્ધતિથી વિદ્યાર્થીનીઓ માટે અંગ્રેજી બોલવું એ પ્રશ્નનો જવાબ આપવાને બદલે એક રસપ્રદ અભિનયનો ભાગ બની ગયું છે.
FLN ડિજિટલ ગેમ્સ અને શૈક્ષણિક સાહિત્યમાં પ્રદાન:
શિક્ષણમાં ટેકનોલોજીનો વ્યાપ વધારતા તેમણે Wordwall અને AI ની મદદથી વિષય આધારિત શૈક્ષણિક રમતો તૈયાર કરી છે. આ રમતોની ઝોન કક્ષાએ પસંદગી થઈ છે અને રાજ્યની વિવિધ શાળાઓ તેનો ઉપયોગ કરી રહી છે. વાંચન-લેખનમાં મુશ્કેલી ધરાવતા બાળકો માટે તેમણે ‘ક’ થી ‘જ્ઞ’ સુધીના મૂળાક્ષરો આધારિત 'FLN ડિજિટલ ગેમ્સ' પણ બનાવી છે, જેમાં 'લીડર બોર્ડ' ની સુવિધાથી બાળકો વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા પ્રોત્સાહિત થઈ રહી છે. આ ઉપરાંત GCERT ના સામયિક “જીવન શિક્ષણ” માં તેમના ૩ લેખો પ્રકાશિત થયા છે, NCERT મોડ્યુલ “MOTHERS OF DEMOCRACY” ના ૪ પુસ્તકોના ભાવાનુવાદમાં યોગદાન આપ્યું છે, તેમજ દીક્ષા (DIKSHA) એપ પર ભરૂચ જિલ્લાની સ્થાનિક લોકબોલી આધારિત કોર્સ તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
બે દાયકાની શિક્ષણયાત્રા અને શાળાનો સર્વાંગી વિકાસ:
પોતાના માતૃશ્રી પણ શિક્ષિકા હોવાથી તેમનાથી પ્રેરિત થઈને હેતલબેન રાણાએ શિક્ષણ ક્ષેત્રે આવવાનું સપનું સેવ્યું હતું. વર્ષ ૨૦૦૭ માં નેત્રંગ તાલુકાની કન્યા શાળામાં વિદ્યાસહાયક તરીકે કારકિર્દી શરૂ કર્યા બાદ, નોકરીની સાથે અભ્યાસ ચાલુ રાખીને અંગ્રેજી વિષયમાં અનુસ્નાતકની પદવી મેળવી હતી. વર્ષ ૨૦૧૩ થી તેઓ મનુબર પ્રાથમિક કન્યા શાળામાં સેવા આપી રહ્યા છે. વર્ગખંડ શિક્ષણ ઉપરાંત તેમણે લોકસહભાગીદારી અને ગ્રામજનોના સહયોગથી શાળામાં વોટર ફિલ્ટર પ્લાન્ટ, શેડ, બ્લોક નિર્માણ અને ફળાઉ વૃક્ષોના વાવેતર જેવા પર્યાવરણીય કાર્યો કરાવ્યા છે. હેતલબેન રાણાના મતે AI એ શિક્ષકનો વિકલ્પ નથી, પરંતુ તે કલાકોનું કામ મિનિટોમાં પૂરું કરી શિક્ષણને સરળ અને આકર્ષક બનાવવાનું એક સક્ષમ માધ્યમ છે.
(4:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
