તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th July 2026
નવસારી જિલ્લાના સર્વાંગી વિકાસ માટે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલનો મેગા એક્શન પ્લાન: આગામી બે મહિનામાં નવસારીની કાયાપલટ કરવા તંત્ર સજ્જ
જિલ્લાને 'ODF પ્લસ' અને આદર્શ જિલ્લો બનાવવા માટે 350 ગામોના સરપંચો સાથે સીધો સંવાદ: કુપોષિત બાળકોનું સુપોષણ, વિધવા સહાયનું ત્વરિત નિરાકરણ અને જળ સંચય અભિયાન પર રહેશે વિશેષ ભાર

નવસારી:કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે નવસારી જિલ્લાને રાજ્યના સૌથી આદર્શ અને વિકસિત જિલ્લા તરીકે પ્રસ્થાપિત કરવા માટે એક મહત્વકાંક્ષી એક્શન પ્લાન જાહેર કર્યો છે. જિલ્લાને સંપૂર્ણપણે 'ODF પ્લસ' બનાવવા અને તમામ ગામડાઓને 'A' ગ્રેડમાં લાવવાના નિર્ધાર સાથે યોજાયેલી આ ઉચ્ચસ્તરીય બેઠકમાં મંત્રીએ તંત્રને સ્પષ્ટ દિશાનિર્દેશો આપ્યા છે. કલેક્ટર મનીષ ગુરુવાણી અને ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં મંત્રીએ જિલ્લાના 350 ગામોના સરપંચો સાથે સીધો સંવાદ સાધીને વિકાસના લક્ષ્યાંકો નિર્ધારિત કર્યા છે.
બે મહિનામાં બદલાશે જિલ્લાની તસવીર
કેન્દ્રીય મંત્રીએ આગામી બે મહિનામાં નવસારી જિલ્લાની કાયાપલટ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. આ અભિયાનના ભાગરૂપે ગામડાઓની સફાઈ માટે જેસીબી (JCB) મશીનો અને મજૂરોની વિશેષ ફાળવણી કરવામાં આવશે, જેથી 20 દિવસની અંદર તમામ 350 ગામો સંપૂર્ણપણે સ્વચ્છ બની શકે. ગામડાઓને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે પણ ખાસ આહવાન કરવામાં આવ્યું છે.
ખેડૂતો માટે જળ સંચયની વિશેષ પહેલ
જિલ્લાના 57 હજારથી વધુ ખેડૂતોને સીધો લાભ મળે તે માટે જળ સંચયના આયોજન પર ભાર મૂકવામાં આવ્યો છે. ખેતરોમાં 4x4 માપના વિશેષ જળ સંચય ખાડા બનાવવાની કામગીરી હાથ ધરાશે. આ ઉપરાંત, જે 29 ગામોમાં પીવાના પાણીની સમસ્યા છે અને પાણી ખારું છે, ત્યાં મીઠું પાણી પહોંચાડવાની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવશે.
સામાજિક કલ્યાણ અને આરોગ્ય પર વિશેષ ધ્યાન
વહીવટી પ્રક્રિયાઓને વધુ ઝડપી બનાવવા માટે મંત્રીએ આદેશ આપ્યો છે કે વિધવા બહેનોના પેન્શનની તમામ બાકી અરજીઓનું નિરાકરણ માત્ર 15 દિવસની અંદર કરી દેવામાં આવે. આ સાથે જ, કુપોષિત બાળકોના આરોગ્યને પ્રાથમિકતા આપી તેમને સુપોષિત બનાવવા માટે કલેક્ટરની ટીમને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના આ એક્શન પ્લાનથી નવસારી જિલ્લાના ગ્રામીણ વિકાસમાં નવી ગતિ આવશે તેવી આશા સેવાઈ રહી છે.
(9:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
