તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 19th June 2026
કેન્દ્રીય મંત્રી ભૂપેંદર યાદવે ગાંધીનગરના 'વિદ્યા સમીક્ષા કેન્દ્ર'ની મુલાકાત લઈને કરી પ્રશંસા: શિક્ષણના ગુણાત્મક વિકાસ માટે સમગ્ર દેશને રોલ મોડેલ ગણાવ્યું, ભવિષ્યમાં આધુનિક શિક્ષણનું મુખ્ય કેન્દ્ર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો
ગાંધીનગર સ્થિત ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ફોર સ્કૂલ્સ - વિદ્યા સમીક્ષા કેન્દ્રનું જીવંત નિરીક્ષણ કર્યું; અત્યાધુનિક વીડિયો વોલ અને રીઅલ-ટાઇમ ડેટા મોનિટરિંગ સિસ્ટમ જોઈને કહ્યું - વિદ્યાર્થીઓ શાળા કેમ છોડે છે તેના કારણો શોધી નીતિ ઘડવામાં આ કેન્દ્ર મહત્વની ભૂમિકા ભજવશે

ગાંધીનગર તા.૧૯ : કેન્દ્રીય વન, પર્યાવરણ અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેંદર યાદવે આજે ગાંધીનગર ખાતે આવેલ “વિદ્યા સમીક્ષા કેન્દ્ર - ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ફોર સ્કૂલ્સ”ની સત્તાવાર મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે કેન્દ્રની ટેકનોલોજી અને શિક્ષણમાં થઈ રહેલા પરિવર્તનને બિરદાવ્યું.
મુલાકાત દરમિયાન કેન્દ્રીય મંત્રીશ્રીએ વિદ્યા સમીક્ષા કેન્દ્રની અત્યાધુનિક વીડિયો વોલના માધ્યમથી રાજ્યની હજારો સરકારી શાળાઓની કાર્યપદ્ધતિનું જીવંત નિરીક્ષણ કર્યું. શિક્ષણ વિભાગના અગ્ર સચિવ શ્રી મિલિંદ તોરવણેએ તેમને રીઅલ-ટાઇમ ડેટા મોનિટરિંગ સિસ્ટમ, વિદ્યાર્થીઓની ઓનલાઈન હાજરી અને શિક્ષકો દ્વારા અપાતા શિક્ષણની ગુણવત્તા ચકાસવાની પ્રક્રિયા વિશે વિગતવાર માહિતી આપી
મુલાકાત બાદ મંત્રીશ્રીએ જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો અભિગમ છે કે શિક્ષણ માત્ર અક્ષરજ્ઞાન પૂરતું ન રહે, પરંતુ આવનારા ભારતના ગુણાત્મક વિકાસનો આધાર બને. આ દિશામાં વિદ્યા સમીક્ષા કેન્દ્ર એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.
તેમણે કેન્દ્રના મોનિટરિંગ ડેશબોર્ડની ખાસ પ્રશંસા કરી અને કહ્યું, "આ મોડેલ સમગ્ર દેશ માટે પ્રેરણાદાયી છે. ભારતના અન્ય રાજ્યો પણ હવે ગુજરાતની આ સફળ પદ્ધતિ અપનાવી રહ્યા છે. ભવિષ્યમાં વિદ્યા સમીક્ષા કેન્દ્ર ભારતના આધુનિક શિક્ષણના મુખ્ય કેન્દ્ર તરીકે ઉભરી આવશે."
મંત્રી યાદવે ભારપૂર્વક કહ્યું કે આ કેન્દ્ર ડેટાના સચોટ વિશ્લેષણ દ્વારા "વિદ્યાર્થીઓ શાળા કેમ છોડી રહ્યા છે?" જેવા પ્રશ્નોના ચોક્કસ કારણો શોધી કાઢે છે. આ ડેટાના આધારે સરકાર નીતિ વિષયક નિર્ણયો લઈને ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા અને શિક્ષણની ગુણવત્તા સુધારવામાં મદ મળશે.
તેમણે ઉમેર્યું કે આ મુલાકાત તેમના માટે પણ ડેટા મેનેજમેન્ટ ક્ષેત્રે નવું જાણવા અને શીખવાની તક હતી.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીશ્રીએ શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે અટલ ટિંકરિંગ લેબ, STEM એજ્યુકેશન અને ગુણવત્તાયુક્ત લાઈબ્રેરી જેવા પ્રગતિશીલ વિષયો પર સકારાત્મક પરામર્શ કર્યો. તેમણે ભાર મૂક્યો કે વિદ્યાર્થીઓના વાંચન, સ્પષ્ટ ઉચ્ચારણ અને નવા વિષયોના જ્ઞાનમાં વૃદ્ધિ કેવી રીતે થાય છે તેનું વૈજ્ઞાનિક અને ટેકનોલોજીકલ ઢબે મૂલ્યાંકન થવું જોઈએ.
આ મુલાકાત વેળાએ રાજ્યસભાના સાંસદ રાજેશભાઈ શુક્લા, ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર મીરાબેન પટેલ, ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલ, અગ્રણી શ્રી આશિષભાઈ દવે સહિતના મહાનુભાવો તેમજ શિક્ષણ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ કેન્દ્ર દ્વારા સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓની હાજરી, શિક્ષકોની હાજરી, મિડ-ડે મીલ, શાળાના પરિણામ અને શિક્ષણની ગુણવત્તાનું 24x7 મોનિટરિંગ થાય છે. ડેટાના આધારે શાળા-વિષયવાર નબળાઈઓ શોધીને તાત્કાલિક સુધારાત્મક પગલાં લેવાય છે.
(4:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
