News of Thursday, 23rd July 2026
કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની નાગરિકોને આગામી ૧૦ થી ૧૨ કલાક ઘરમાં જ રહેવા અપીલ કરી: પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે
નવસારીમાં બચાવ કામગીરી માટે ૪ હેલિકોપ્ટર તૈયાર:ATCની મંજૂરી ન મળતાં ઉડાન શક્ય નથી

દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા અતિભારે વરસાદે જનજીવનને ભારે અસર પહોંચાડી છે. સુરત, નવસારી, વલસાડ અને આસપાસના વિસ્તારોમાં સતત વરસી રહેલા વરસાદને કારણે અનેક ગામો અને શહેરોમાં પાણી ભરાઈ ગયા છે. અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે, વીજ પુરવઠો ખોરવાયો છે અને લોકો પોતાના ઘરોમાં જ ફસાઈ ગયા છે. આવી ગંભીર પરિસ્થિતિ વચ્ચે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે લોકોને ઘરની બહાર ન નીકળવાની અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે આગામી 10થી 12 કલાક અને આગામી 2 દિવસ અત્યંત મહત્વના છે, કારણ કે પરિસ્થિતિ હજુ વધુ ગંભીર બની શકે છે.
કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે જણાવ્યું કે, હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત માટે પહેલેથી જ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. તેમ છતાં વરસાદનું પ્રમાણ અપેક્ષા કરતાં વધુ રહ્યું છે. સુરત, નવસારી, વલસાડ સહિતના વિસ્તારોમાં સતત વરસાદને કારણે નદીઓમાં પાણીની સપાટી વધી રહી છે અને અનેક નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. તેમણે કહ્યું કે રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ છે અને તમામ વિભાગો સતત કામગીરી કરી રહ્યા છે. છતાં કુદરતી પરિસ્થિતિ એટલી વિકટ છે કે દરેક સ્થળે સમયસર પહોંચી શકવું શક્ય બની રહ્યું નથી.
રાહત અને બચાવ કામગીરી અંગે માહિતી આપતાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે જણાવ્યું કે, નવસારીમાં 4 હેલિકોપ્ટર તૈયાર રાખવામાં આવ્યા છે, જેથી જ્યાં લોકો ફસાયેલા હોય ત્યાં હવાઈ માર્ગે પહોંચી શકાય. જોકે ખરાબ હવામાન અને ઓછી દૃશ્યતાને કારણે એર ટ્રાફિક કંટ્રોલ (ATC) તરફથી હેલિકોપ્ટરને ઉડાન ભરવાની મંજૂરી મળી રહી નથી. તેમણે જણાવ્યું કે ઘણા વિસ્તારોમાંથી સતત ફોન અને મદદ માટેના સંદેશા મળી રહ્યા છે. પરંતુ કેટલીક જગ્યાએ રસ્તા બંધ હોવાથી ન તો હોડી પહોંચી શકે છે અને ન તો હેલિકોપ્ટર. પરિણામે બચાવ ટીમો પણ મર્યાદિત રીતે જ કામગીરી કરી શકે છે.
ભારે વરસાદના કારણે ખાસ કરીને કાંઠાના વિસ્તારોમાં સ્થિતિ વધુ ગંભીર બની છે. ચિખલી, બિલિમોરા, ગણદેવી અને આસપાસના અનેક ગામોમાં ઘરોની અંદર સુધી પાણી ઘૂસી ગયું છે. ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો છે, જેના કારણે લોકોને પીવાનું પાણી, મોબાઇલ ચાર્જિંગ અને અન્ય મૂળભૂત સુવિધાઓ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. કેન્દ્રિય મંત્રીએ જણાવ્યું કે, જ્યાં સુધી વરસાદની તીવ્રતા ઓછી ન થાય ત્યાં સુધી બચાવ કામગીરી પણ પડકારજનક રહેશે. તેમણે લોકોને ધીરજ રાખવા અને તંત્ર પર વિશ્વાસ રાખવા અપીલ કરી છે.
કેન્દ્રીય મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે હાલમાં સૌથી મહત્વપૂર્ણ બાબત પોતાની સુરક્ષા છે. તેમણે લોકોને વિનંતી કરી કે કોઈપણ જરૂરી કામ હોય તો પણ શક્ય હોય ત્યાં સુધી ઘરની બહાર ન નીકળવું. તેમણે જણાવ્યું કે પાણી ભરાયેલા રસ્તાઓ પર ચાલવું અથવા વાહન લઈને પસાર થવું જોખમી બની શકે છે. ઘણા સ્થળોએ રસ્તા નીચે ધોવાઈ ગયા છે અથવા પાણીનો પ્રવાહ ખૂબ જ તેજ છે. આવી સ્થિતિમાં એક નાની બેદરકારી પણ મોટી દુર્ઘટનામાં ફેરવાઈ શકે છે. જે લોકો નીચાણવાળા વિસ્તારોમાં રહે છે તેમને શક્ય હોય તો ઊંચાણવાળા અને સુરક્ષિત સ્થળે જવાની પણ સલાહ આપવામાં આવી છે.
(10:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
