તા. ૨૯ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૩ મંગળવાર
News of Monday, 9th November 2026
અમદાવાદમાં એસજી હાઈવે પર નવનિર્મિત બ્રિજનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે કર્યુ લોકાર્પણ :ગૃહમંત્રી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે અમદાવાદને ₹1500 કરોડના વિકાસકાર્યોની ભેટ આપી
એસ. જી. હાઈવે પર ₹450 કરોડના ખર્ચે બનેલા 4 કિમી લાંબા 6-લેન એલિવેટેડ બ્રિજ અને નર્મદા કેનાલ બ્રિજનું લોકાર્પણ કરાયું:. સાથે જ 7 હજાર પરિવારોને નવા આવાસની ચાવીઓ સોંપાઈ

અમદાવાદ :શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને જનકલ્યાણ ક્ષેત્રે એક ઐતિહાસિક સીમાચિહ્ન અંકિત થયું છે. ગુજરાત પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહના હસ્તે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં અમદાવાદ મહાનગરપાલિકા તેમજ રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે અંદાજે ₹1500 કરોડના વિવિધ જનહિતલક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ વિકાસકાર્યોમાં શહેરની ટ્રાફિક વ્યવસ્થાને સુધારતા એલિવેટેડ બ્રિજ તેમજ ગરીબ-મધ્યમવર્ગીય પરિવારો માટે પાયાના આવાસનો સમાવેશ થાય છે.
અમદાવાદના સૌથી મહત્વના માર્ગ ગણાતા સરખેજ-ગાંધીનગર હાઈવે એટલે કે એસ. જી. હાઈવે પર ઇસ્કોન ચાર રસ્તાથી સાણંદ ચોકડી સુધી ₹450 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા 4 કિલોમીટર લાંબા 6-લેન એલિવેટેડ બ્રિજનું આજે વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું છે.
આ એલિવેટેડ કોરિડોર કાર્યરત થવાથી એસ. જી. હાઈવે પર રોજિંદા પીક અવર્સમાં સર્જાતી ટ્રાફિકની ભીડનો કાયમી અંત આવ્યો છે. વાહનચાલકોને હવે કોઈપણ લાલબત્તી વગર સિગ્નલ ફ્રી મુસાફરીનો સીધો લાભ મળશે, જેનાથી સમય અને કિંમતી ઇંધણની મોટી બચત થશે. આ આધુનિક બ્રિજના કારણે ગાંધીનગર, અમદાવાદ અને બાવળા-બગોદરા થઈને સૌરાષ્ટ્ર તરફ દોડતા વાહનોની સ્પીડ અને કનેક્ટિવિટીમાં મોટો વધારો થયો છે.
આ પ્રોજેક્ટની સાથોસાથ એસ. જી. હાઈવે પર કર્ણાવતી ક્લબ પાસેના ઓવરબ્રિજ અને આગળ જતાં નર્મદા કેનાલ પર તૈયાર કરાયેલા નવા વિશાળ બ્રિજનું પણ લોકાર્પણ કરી દેવાયું છે. નર્મદા કેનાલ પાસે સાંકડા રસ્તાને લીધે લાંબા સમયથી જે બોટલનેક ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી, તેમાંથી વાહનચાલકોને કાયમી મુક્તિ મળી છે. આ સમગ્ર એલિવેટેડ કોરિડોરના અદભુત ડ્રોન વીડિયો સામે આવ્યા છે, જે શહેરના આધુનિક માર્ગ નેટવર્કની ભવ્યતા દર્શાવે છે.
ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે-સાથે કેન્દ્રીય ગૃહમંત્રીએ નવા વર્ષ અને દીવાળી પર્વે હજારો પરિવારોને પોતાના પાકા મકાનની ચાવી અર્પણ કરી મોટી ભેટ આપી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈતિહાસમાં પ્રથમવાર એક જ દિવસે એકસાથે 7 હજાર આવાસો માટે કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો યોજાયો હતો. આર્થિક રીતે નબળા વર્ગના (EWS) આવાસ માટે તંત્રને રેકોર્ડબ્રેક 97 હજાર જેટલી અરજીઓ મળી હતી. આ યોજના હેઠળ શહેરના નરોડા, નિકોલ, ઓઢવ સહિત કુલ 11 અલગ-અલગ વિસ્તારોમાં આધુનિક સુવિધાસભર બહુમાળી આવાસોનું નિર્માણ કરાયું છે.
(1:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
