<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th July 2026

રાજપીપળા નગરપાલિકામાં ભૂગર્ભ ગટરલાઇન સફાઈ અભિયાન ના ૬૦ ટકા કામગીરી પૂર્ણ

અમદાવાદ GUDC દ્વારા એક જમ્બો સુપર સક્શન મશીન મંગાવાયું છે જે છેલ્લા એક મહિનાથી સતત કામગીરી કરી રહ્યું છે : શિવાની મહેતા(પ્રમુખ)

(ભરત શાહ દ્વારા )નર્મદા:રાજપીપળા નગરપાલિકા વિસ્તારમાં અંદાજિત ₹24 કરોડના ખર્ચે નંખાયેલી ભૂગર્ભ ગટરલાઇનની ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી વ્યાપક સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે. વરસાદી સિઝનમાં ગટરલાઇનમાં માટી, કાદવ, કચરો અને મળ ભરાઈ જતાં ગટરના પાણીના નિકાલમાં કોઈ મુશ્કેલી ન સર્જાય તે માટે પાલિકા દ્વારા વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
રાજપીપળા શહેરમાં મુખ્ય ભૂગર્ભ ગટરલાઇન સાથે અંદાજિત 2,100 જેટલી કુંડીઓ જોડાયેલી છે. આ સમગ્ર નેટવર્કની અસરકારક સફાઈ માટે અમદાવાદ GUDC દ્વારા એક જમ્બો સુપર સક્શન મશીન મંગાવવામાં આવ્યું છે, જે છેલ્લા એક મહિનાથી સતત કામગીરી કરી રહ્યું છે.
અત્યાર સુધીમાં શહેરની ભૂગર્ભ ગટરલાઇનની અંદાજે 60 ટકા સફાઈ પૂર્ણ થઈ ગઈ છે. સુપર સક્શન મશીન એક સાથે 7,000 લિટર સુધી કચરો ઉપાડવાની ક્ષમતા ધરાવે છે. છેલ્લા 30 દિવસ દરમિયાન અંદાજે 70થી 80 હજાર લિટર જેટલો કાદવ, કચરો, મળ અને ગંદા પાણીનો નિકાલ ભૂગર્ભ ગટરલાઇનમાંથી કાઢવામાં આવ્યો છે.
નગરપાલિકાના પ્રમુખ શિવાનીબેન મહેતાએ જણાવ્યું હતું કે સુપર સક્શન મશીનના ઉપયોગથી સફાઈ કામગીરી ખૂબ જ ઝડપથી થઈ રહી છે. આગામી સમયમાં દર છ મહિને આ મશીન દ્વારા નિયમિત સફાઈ કરવામાં આવશે. ઉપરાંત, શહેરમાંથી ખુલ્લી ગટરો દૂર કરી સંપૂર્ણ ભૂગર્ભ ગટર વ્યવસ્થા વિકસાવવાનું પણ આયોજન છે. જ્યાં હજુ ગટરલાઇનનું કામ બાકી છે ત્યાં પણ ટૂંક સમયમાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે

(11:23 PM IST)