<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd June 2026

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના 'નો વોન્ટેડ ઇન ક્રાઇમ' અભિયાન હેઠળ મોટી સફળતા : ફાયરિંગ કેસમાં ૩ વર્ષથી નાસતો રાજસ્થાનનો પૂર્વ કોન્સ્ટેબલ આરોપી સુરેશ છાબા ઓડિશાથી પકડાયો

એડિશનલ પોલીસ કમિશનર કરણરાજ વાઘેલા અને ડીસીપી ભાવેશ રોજિયાની ટીમ સાથે એસીપી કિરણ મોદીના સંકલનમાં પીઆઈ જે. જી. પટેલ અને સ્ટાફે ભુવનેશ્વરથી દબોચેલા આરોપીને સારોલી પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી

રાજકોટ:સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા શરીર સંબંધી ગંભીર ગુનાઓ આચરીને લાંબા સમયથી નાસતા-ફરતા વોન્ટેડ ગુનેગારોને પકડી પાડવા માટે ખાસ 'નો વોન્ટેડ ઇન સુરત ક્રાઇમ' અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ ઝુંબેશ ગુજરાત પોલીસના ઇતિહાસના પાના ઉપર એક નવો જ વિક્રમ સ્થાપવા તરફ દોટ મૂકી રહી છે. આ સૂચનાના અનુસંધાને એડિશનલ પોલીસ કમિશનર (ક્રાઇમ) કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ કમિશનર (ક્રાઇમ) ભાવેશ રોજિયાની ટીમ તેમજ મદદનીશ પોલીસ કમિશનર (ક્રાઇમ) કિરણ મોદીના સીધા સંકલનમાં સુરત શહેર ક્રાઈમ બ્રાંચના પોલીસ ઇન્સ્પેક્ટર જે. જી. પટેલ અને સ્ટાફની અલગ-અલગ ટીમો કાર્યરત હતી. આ દરમિયાન ક્રાઈમ બ્રાંચની જનરલ સ્કોડના પોલીસ જવાનોને ચોક્કસ ટેકનિકલ સોર્સીસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે એક અત્યંત મોટી અને ઐતિહાસિક સફળતા હાથ લાગી છે. સુરતના સારોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ ૨૦૨૪ માં બનેલા ચકચારી ફાયરિંગ અને હત્યાની કોશિશના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતો-ફરતો મૂળ રાજસ્થાનનો આરોપી સુરેશ હરીરામ છાબા ઓડિશાના ભુવનેશ્વર ખાતેથી ઝડપાઈ ગયો છે.

પોલીસ કચેરીમાંથી પ્રાપ્ત થતી સત્તાવાર વિગતો અનુસાર, આ ચકચારી કેસની વિગત એવી છે કે સને ૨૦૨૪ ની સાલમાં આરોપી દેવાંશુસિંહ ઉર્ફે દેવ શ્યામસિંહ સોલંકી, જોગારામ ઉર્ફે જોગા મદનલાલ ગર્ગ અને સુરેશ હરીરામ છાબાને ફરિયાદી સાથે તેની એક મહિલા મિત્ર સાથે ફોન પર વાતચીત કરવા બાબતે તીવ્ર ઝગડો અને તકરાર થઈ હતી. આ તકરારની અદાવત રાખીને તમામ આરોપીઓએ ભેગા મળીને એક ગુનાહિત કાવતરું રચ્યું હતું. તેઓએ ફરિયાદીને રસ્તામાં આંતરીને લાકડાના ધોકા વડે બેરહેમીથી માર માર્યો હતો અને ત્યારબાદ સહ-આરોપીએ પોતાની પાસે રહેલા દેશી તમંચા જેવા ઘાતક હથિયારમાંથી ફરિયાદી પર એક રાઉન્ડ ફાયરીંગ કરી જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી. આ ચકચારી બનાવ અંગે સારોલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ નામદાર કોર્ટ દ્વારા આરોપી સુરેશ છાબા વિરૂદ્ધ Cr.P.C. કલમ ૭૦ મુજબ ફરારી વોરંટ જાહેર કરવામાં આવ્યું હતું.
સુરત ક્રાઈમ બ્રાંચના પીઆઈ જે. જી. પટેલ અને તેમની ટીમને ટેકનિકલ બાતમી મળી હતી કે કાયદાના સકંજાથી બચવા માટે આરોપી સુરેશ હરીરામ છાબા ઓડિશામાં પોતાનું નામ અને ઓળખ બદલીને છુપાઈને રહી રહ્યો છે. આ સચોટ માહિતી મળતા જ ડીસીપી ભાવેશ રોજિયાની સૂચનાથી ક્રાઈમ બ્રાંચની એક ખાસ ટીમ તાત્કાલિક ઓડિશા જવા રવાના થઈ હતી. ત્યાં સ્થાનિક કમિશનરેટ પોલીસ, ભુવનેશ્વર-કટક હેઠળના સહીદ નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટેકનિકલ વર્ક આઉટ અને હ્યુમન સોર્સીસનો સંયુક્ત ઉપયોગ કરીને ઘેરાબંધી કરવામાં આવી હતી. અંતે સુરત પોલીસની ટીમે સફળતાપૂર્વક ૩૭ વર્ષીય આરોપી સુરેશ હરીરામ છાબાને ભુવનેશ્વર શહેરના શહીદ નગર, બી.એમ.સી. હોલની સામે, સી/૪૧ ખાતેથી દબોચી લીધો હતો.
પકડાયેલા આરોપીની પ્રાથમિક પૂછપરછમાં પોલીસને ચોંકાવનારી વિગતો જાણવા મળી છે. પકડાયેલો આરોપી સુરેશ હરીરામ છાબા અગાઉ સને ૨૦૦૮ ની સાલમાં રાજસ્થાન પોલીસમાં પોલીસ ਕੋન્સ્ટેબલ તરીકે સત્તાવાર રીતે ભરતી થયો હતો. જો કે, પોલીસની નોકરીમાં આવ્યા બાદ તેની ગુનાહિત માનસિકતા અને ફરજ પ્રત્યે ઘોર બેદરકારી દાખવવાના કારણે તેમજ લાંબા સમય સુધી વગર મંજૂરીએ ગેરહાજર રહેવાના કારણે સને ૨૦૨૦ માં તેને રાજસ્થાન પોલીસ વિભાગમાંથી કાયમી ધોરણે બરતરફ (રિમુવ ફ્રોમ સર્વિસ) કરી દેવામાં આવ્યો હતો. પોલીસની નોકરીમાંથી હાંકી કઢાયા બાદ તે કાયદો હાથમાં લઈને સંપૂર્ણ ગુનાખોરીના રસ્તે ચડી ગયો હતો.
પકડાયેલા આરોપી સુરેશ હરીરામ છાબા (ઉંમર વર્ષ ૩૭) નું મૂળ વતન જાટ કોલોની, નાગોર પોલીસ લાઈનની પાછળ, સદર થાના-નાગોર શહેર, જીલ્લો નાગોર (રાજસ્થાન) છે. તેની સામે સુરતના સારોલી પોલીસ સ્ટેશનમાં ઇ.પી.કો. કલમ ૩૦૭, ૩૨૩, ૩૨૪, ૧૨૦(બી) તથા આર્મ્સ એક્ટની કલમ ૨૫(૧-બી)(એ), ૨૭(૧) તેમજ જી.પી.એક્ટની કલમ ૧૩૫ મુજબ એફઆઈઆર નંબર ૧૩૨/૨૦૨૪ થી ગુનો નોંધાયેલો છે. સુરત ક્રાઈમ બ્રાંચના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ આ આખું ઓપરેશન ઓડિશા સ્ટેટમાં સફળતાપૂર્વક પાર પાડીને આરોપીનો કાયદેસરનો કબજો આગળની સઘન તપાસ અને કાનૂની કાર્યવાહી માટે સારોલી પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

(6:19 PM IST)