<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th October 2026

NEP-૨૦૨૦ અન્વયે શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા દ્વારા 'પરખ સેલ' અને ‘ડિજિલોકર’ સેવાઓનો શુભારંભ કરાયો

ધોરણ-૧૦ અને ૧૨ના ૧ કરોડ વિદ્યાર્થીઓની વર્ષ ૨૦૨૧ થી ૨૦૨૬ સુધીની માર્કશીટ હવે ડીજીલોકર પર ઉપલબ્ધ : ગોખણપટ્ટીથી મુક્ત ક્ષમતા-આધારિત શિક્ષણ તરફ વધવા મંત્રીનો વિશ્વાસ

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) ૨૦૨૦ના સફળ અમલીકરણના ભાગરૂપે આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર ખાતે શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાના હસ્તે 'પરખ સેલ' (PARAKH CELL) નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સાથે જ 'ડિજિટલ ઇન્ડિયા' પ્રોગ્રામને વધુ વેગ આપતાં, ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની જાહેર પરીક્ષાઓની માર્કશીટ 'ડીજીલોકર' (DigiLocker) પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરાવવાની મહત્વકાંક્ષી ડિજિટલ સેવાનો પણ પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ નવીન સુવિધાથી વિદ્યાર્થીઓ માટે માર્કશીટ ડાઉનલોડ કરવી તથા તેની ચકાસણી અને વેરિફિકેશન કરાવવાની કામગીરી અત્યંત સરળ અને ઝડપી બનશે.

આ પ્રસંગે શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ એ દેશના શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન લાવનારી નીતિ છે. રાજ્યના વિદ્યાર્થીઓને વૈશ્વિક કક્ષાનું ગુણવત્તાયુક્ત શિક્ષણ અને પારદર્શી મૂલ્યાંકન વ્યવસ્થા મળે તે માટે ગુજરાત સરકાર સતત કટિબદ્ધ છે. PARAKH CELL ના પ્રારંભથી આપણા વિદ્યાર્થીઓ ગોખણપટ્ટીથી મુક્ત થઈ ક્ષમતા-આધારિત શિક્ષણ તરફ આગળ વધશે.

વધુમાં મંત્રી પ્રદ્યુમન વાજાએ ઉમેર્યું હતું કે, બોર્ડ દ્વારા યોજાતી ધોરણ-૧૦ અને ૧૨ની જાહેર પરીક્ષાઓના પરિણામ જાહેર થયા બાદ તમામ માર્કશીટ હવેથી ડીજીલોકર પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સુવિધા હેઠળ વર્ષ ૨૦૨૧ થી ૨૦૨૬ સુધીના ધોરણ-૧૦ અને ૧૨ના આશરે ૧ કરોડ વિદ્યાર્થીઓની માર્કશીટ ડીજીલોકર પર અપલોડ કરી દેવામાં આવી છે. આનાથી દેશ-વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કે રોજગારી માટે માર્કશીટની વેરિફિકેશન પ્રક્રિયા અત્યંત સુલભ બનશે. આ સફળતા બદલ તેમણે શિક્ષણ વિભાગ તથા બોર્ડની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, NCERT હેઠળ રાષ્ટ્રીય મૂલ્યાંકન કેન્દ્ર તરીકે PARAKH (Performance Assessment, Review, and Analysis of Knowledge for Holistic Development) ની સ્થાપના કરવામાં આવી છે. તેના માર્ગદર્શન હેઠળ રાજ્ય કક્ષાએ કાર્યરત 'PARAKH CELL' ક્ષમતા-આધારિત પ્રશ્નબેંક અને મૂલ્યાંકન સાધનો તૈયાર કરશે. આ ઉપરાંત, ‘હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ’ (HPC) નું અમલીકરણ કરવામાં આવશે તથા શિક્ષકો અને પ્રશ્નપત્ર નિર્માતાઓને આધુનિક મૂલ્યાંકન પદ્ધતિઓ માટે તાલીમ અપાશે. સાથે જ, PARAKH ITMS જેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને સમગ્ર મૂલ્યાંકન પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવામાં આવશે.

આ શુભારંભ પ્રસંગે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) ના ચેરમેન એમ. એ. પંડ્યા, ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળના અધ્યક્ષ મનુભાઈ પાવરા, GSEB ના નાયબ અધ્યક્ષ એ. બી. રાદડિયા, સંયુક્ત નિયામક બી. એન. રાજગોર, બોર્ડના સચિવ આર. આર. વ્યાસ સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(4:00 PM IST)