તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 7th November 2026
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ‘અટલ સ્વાન્તઃ સુખાય યોજના’ માં મોટો ફેરફાર, હવે પ્રોજેક્ટની નોંધણી અને નામાંકન માટે ઓનલાઈન પ્રક્રિયા ફરજિયાત
15 નવેમ્બર સુધી http://assy.gujarat.gov.in પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે : રાજ્ય સરકાર દ્વારા નવીન વિચારો અને લોકોપયોગી કામગીરીને પ્રોત્સાહન આપવા માટે અમલી બનાવાયેલી યોજનામાં વધુમાં વધુ અધિકારીઓ-કર્મચારીઓ જોડાય તે માટે સામાન્ય વહીવટ વિભાગની સૂચના

(અશ્વિન વ્યાસ દ્વારા)ગાંધીનગર તા.૭ : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારના અધિકારીઓ અને કર્મચારીઓની સર્જનાત્મકતા, નવીન વિચારો અને લોકોપયોગી કામગીરીને પ્રોત્સાહન આપવાના હેતુથી અમલી બનાવાયેલી ‘અટલ સ્વાન્તઃ સુખાય યોજના’ હેઠળ હવે પ્રોજેક્ટની નોંધણી અને નામાંકન માટે ઓનલાઈન પ્રક્રિયા ફરજિયાત કરવામાં આવી છે.
મુખ્યમંત્રીનાં સીધા નેતૃત્વ હેઠળ સામાન્ય વહીવટ વિભાગ (GAD) એ તમામ વિભાગોના સચિવોને ચાલુ વર્ષ માટે 15 નવેમ્બર, 2026 સુધીમાં યોજનાના પોર્ટલ *assy.gujarat.gov.in* પર પ્રોજેક્ટની નોંધણી અને નામાંકન કરાવવા જણાવવામાં આવ્યું છે. ખાસ કરીને અગાઉ લેખિત રીતે નોંધણી કરાવી ચૂકેલા અધિકારીઓ અને કર્મચારીઓએ પણ હવે સંબંધિત વેબસાઇટ પર ફરજિયાત ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે.
નોંધનીય છે કે ભૂતપૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતીની ઉજવણીના અવસરે સ્વાન્તઃ સુખાય યોજનાનો વ્યાપ વધારીને 17 ફેબ્રુઆરી, 2025ના રોજ ‘અટલ સ્વાન્તઃ સુખાય યોજના’ અમલમાં મૂકવામાં આવી હતી. ત્યાર બાદ 23 એપ્રિલ, 2026ના રોજ તેમાં સુધારા કરવામાં આવ્યા હતા. આ યોજના હેઠળ સરકારી કામગીરીમાં નવીન પદ્ધતિ અપનાવી ઓછા સમયમાં વધુ સારાં પરિણામો લાવનારા અને નાગરિકોની સુખાકારીમાં વધારો કરનારા પ્રોજેક્ટને પ્રોત્સાહિત કરવામાં આવે છે.
યોજનામાં રાજ્ય સરકારના વિભાગો, ખાતાના વડાઓ તેમજ બોર્ડ-નિગમોના વર્ગ-1થી વર્ગ-4ના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ ભાગ લઈ શકે છે. તેઓ વ્યક્તિગત રીતે અથવા જૂથમાં પ્રોજેક્ટ હાથ ધરી શકે છે. ગ્રામ્ય, તાલુકા, જિલ્લા, રાજ્ય અને સચિવાલય કક્ષાએ પ્રોજેક્ટ રજૂ કરવાની વ્યવસ્થા છે. બોર્ડ-નિગમો પણ પોતાની કામગીરીને અનુરૂપ યોજના અમલમાં મૂકી શકે છે.
યોજનાની જોગવાઈ મુજબ દર વર્ષે 31 ઓગસ્ટ સુધીમાં પૂર્ણ થયેલા પ્રોજેક્ટ જ પુરસ્કાર માટે પાત્ર ગણાશે. સામાન્ય વહીવટ વિભાગે તમામ વિભાગોને યોજનાનો વ્યાપક પ્રચાર કરવા, કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન આપવા અને વધુમાં વધુ અધિકારીઓ-કર્મચારીઓ ઉત્સાહપૂર્વક ભાગ લે તે માટે પ્રોત્સાહિત કરવા જણાવ્યું છે.
આ પહેલથી સરકારી કર્મચારીઓની નવીન કાર્યપદ્ધતિઓ અને લોકહિતલક્ષી પ્રયાસોને પ્રોત્સાહન મળવાની સાથે વહીવટી કાર્યક્ષમતા અને જાહેર સેવાઓની ગુણવત્તામાં સુધારો લાવવાની તક મળશે.
(3:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
