<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th September 2026

રાજ્યમાં પીવાના અને સિંચાઈના પાણીના યોગ્ય વ્યવસ્થાપન માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિડિયો કોન્ફરન્સથી જોડાયા

ખરીફ ઋતુ માટે નર્મદા યોજનામાંથી વધારાનું પાણી ફાળવવા ૩ મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા : અલ નીનોની સ્થિતિ વચ્ચે ઉત્તર ગુજરાત, કમાન્ડ વિસ્તાર અને સૌરાષ્ટ્રના પાકને બચાવવા રાજ્ય સરકારનો ખેડૂતહિતકારી નિર્ણય

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: રાજ્યમાં પીવાના અને સિંચાઈના પાણીના યોગ્ય વ્યવસ્થાપન અર્થે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ મહત્વપૂર્ણ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા. સુજલામ-સુફલામ યોજના અને નર્મદા કેનાલ નેટવર્કના માધ્યમથી ચાલુ ખરીફ ઋતુમાં ખેડૂતોને પૂરતું પાણી મળી રહે તે માટે આ બેઠકમાં ત્રણ મોટા અને મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.

સિંચાઈ માટે નર્મદાનું પાણી આપવા કરાયેલા ૩ મુખ્ય નિર્ણયો:
બેઠકમાં લેવાયેલા નિર્ણયો અનુસાર, મહી કમાન્ડ વિસ્તારમાં ખેતીના સિંચાઈ અર્થે નર્મદા યોજનામાંથી ૨૦ દિવસ માટે ૫૦૦૦ ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય કરાયો છે. આ ઉપરાંત સૌની યોજનાની લિંક-૧ મારફતે સૌથી ઓછા વરસાદ ધરાવતા દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં ૧૯ ઓગસ્ટ ૨૦૨૬થી નર્મદાનું પાણી આપવામાં આવી રહ્યું છે, જેને ઉભા પાકને બચાવી લેવાના હેતુથી વધુ ૧૦ દિવસ માટે લંબાવવામાં આવ્યું છે. સાથે જ ઉત્તર ગુજરાત વિસ્તારમાં સુજલામ સુફલામ પાઇપલાઇન યોજના મારફતે ૧૯ ઓગસ્ટ ૨૦૨૬થી અપાતા ૨૦૦૦ ક્યુસેક પાણીના પુરવઠાને વધુ ૧૫ દિવસ માટે ચાલુ રાખવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે.

અલ નીનોની અસર અને પીવાના પાણીને પ્રાથમિકતા આપવા સૂચના:
રાજ્યમાં પ્રવર્તમાન અલ નીનો (El Niño) પરિસ્થિતિના કારણે વરસાદ અને પાણીની ઉપલબ્ધતા પર પડનારી સંભવિત અસરો અંગે બેઠકમાં વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. જો આગામી સમયમાં પર્યાપ્ત વરસાદ ન થાય અને જળાશયોમાં પાણીની આવક ન વધે, તો પીવાના પાણીની જરૂરિયાતને પ્રથમ પ્રાથમિકતા આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્પષ્ટ દિશા-નિર્દેશો આપ્યા હતા. શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં, ખાસ કરીને પાણીની અછતવાળા અને સંવેદનશીલ વિસ્તારોમાં પીવાના પાણીનો પુરવઠો સુચારુ અને અવિરત રહે તે માટે જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા જણાવાયું છે.

સંબંધિત વિભાગો અને જિલ્લા કક્ષાના અધિકારીઓને જળ સંસાધનોની સ્થિતિ પર સતત નજર રાખવા, ઉપલબ્ધ પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા અને યોગ્ય જળ વ્યવસ્થાપન કરવા તાકીદ કરાઈ છે. રાજ્ય સરકાર વરસાદ અને જળાશયોની નીર-સપાટી પર સતત મોનિટરિંગ કરી રહી છે અને પરિસ્થિતિ મુજબ પ્રજાહિતમાં નિર્ણય લેશે. અંતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તમામ નાગરિકો અને ખેડૂતોને જળ સંરક્ષણમાં સહયોગ આપવા અપીલ કરી છે.

(7:06 PM IST)