તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 23rd September 2026
ઇનામી જમીનો રીગ્રાન્ટ કરવાને પાત્ર, પરંતુ ન થયેલી જમીનમાં અનધિકૃત કબ્જા નિયમબદ્ધ થશે
મહેસૂલના ૨૦૨૩ના ૩ ઠરાવોમાં ફેરફાર સાથે એક વર્ષમાં નવો સુધારો કરવો પડ્યો સુધારાથી અનેક જમીનના અટકી ગયેલા વ્યવહારો માટે માર્ગ મોકળો થશે

અમદાવાદ તા.૨૩: રાજ્યમાં વિવિધ ઇનામી જમીનોના અનધિકૃત કબજા હક નિયમબધ્ધ કરવામાં આવતી અડચણો દૂર કરવા માટે રાજ્ય સરકારને એક જ વર્ષમાં ફરી એક વખત સુધારો કરવાની ફરજ પડી છે. મહેસુલ વિભાગે નવેસરથી ઠરાવ બહાર પાડીને રીગ્રાન્ટ કરવાને પાત્ર હોય પરંતુ કોઈ કારણસર રીગ્રાન્ટ થઈ શકી નથી તેવી જમીનમાં પણ પ્રવર્તમાન જંત્રીની કિમતના ૨૦ ટકા કબજા હકની રકમ વસૂલીને આવા અનઅધિકૃત કબજા નિયમબધ્ધ કરી આપવાના રહેશે. મહેસૂલ વિભાગે ઓગસ્ટ-૨૦૨૩ના વર્ષના ત્રણ ઠરાવો બહાર પાડયા હતા. જેમાં ધી મુંબઇ (સૌરાષ્ટ્ર એરિયા) અઘાટ ટેન્યોર અને ઈજારા એબોલીશન એક્ટ-૧૯૫૬ અધિનિયમ હેઠળની જમીનોના અનધિકૃત કબજા હેઠળની જમીન નિયમબધ્ધ કરવા બાબત, ધી મુંબઈ કનિષ્ઠ ગામ વતન (ગામ નોકર સરકાર ઉપયોગી) નાબૂદી એક્ટ-૧૯૫૮ અધિનિયમ હેઠળની જમીનોના અનધિકૃત કબજા નિયમબધ્ધ કરવા બાબત અને ગુજરાત પટેલ વતન નાબૂદી ધારો-૧૯૬૧ અધિનિયમ હેઠળની જમીનોના અનધિકૃત કબજા નિયમબધ્ધ કરવા બાબત એમ ત્રણેમાં રહેલી ટેકનિકલ ગૂંચમાં સુધારો કર્યો છે.
૧૯ સપ્ટેમ્બર-૨૦૨૬એ બહાર પાડેલા ઠરાવ મુજબ રિગ્રાન્ટ કરેલી પરંતુ કબજા કિમત ભરપાઈ ન કરેલી હોય તેવી જમીનના કબજેદાર અથવા રીગ્રાન્ટ કરવાને પાત્ર હોય પરંતુ કોઈ કારણોસર રીગ્રાન્ટ થઈ શકી નથી તેવી જમીનના કબજેદાર અથવા તેમના વારસદારો જો આવી જમીનના અનધિકૃત ધારણ કરનારા હોય, અથવા આવી જમીનોની તબદિલીઓ થઈ ગઈ હોય અને હાલ આવી જમીનો અન્ય ઇસમના કબજામાં હોય તેવા હાલના કબજેદારો પાસેથી પ્રવર્તમાન જંત્રી કિમતની ૨૦ ટકા કબજા હકની રકમ વસૂલી આવા અનધિકૃત કબજા નિયમબધ્ધ કરી આપવાના રહેશે.
સરકારે ફેબ્રુઆરી-૨૦૨૬માં પણ સુધારો બહાર પાડયો હતો પરંતુ ૨૦૨૩ના ઠરાવમાં રીગ્રાન્ટ કરવાને પાત્ર હોય પરંતુ કોઇ કારણસર રીગ્રાન્ટ થઈ શકે તેવી જમીન સંદર્ભે સ્પષ્ટતા ન હોવાથી રાજ્યમાં અમદાવાદ શહેરના કેટલાક વિસ્તાર સહિત આવી જમીનના ગેરકાયદે કબજા અનધિકૃત ગણાતા હતા તેથી તેમની પાસેની જમીનના વ્યવહારો અટકી પડયા હતા. આ સુધારાના કારણે હવેથી તેમના કબજા નિયમબધ્ધ ગણાશે. તે સાથે આવી જમીન માટે અન્ય હેતુનો માર્ગ પણ મોકળો થઈ શકશે
ઇનામી જમીન એટલે શું
ઇનામી જમીન એટલે અંગ્રેજોના સમયમાં કે રજવાડાના શાસન દરમિયાન કોઈ વ્યક્તિ કે સંસ્થાને તેમની ખાસ સેવા, ધાર્મિક કાર્ય કે લશ્કરને કરેલી મદદના બદલામાં ભેટ કે ઇનામ તરીકે આપી હોય તેવી જમીન ઇનામી ગણાતી હતી. આવી જમીનો ખેતી વિષયક, બિન ખેતી અને ધાર્મિક-સામાજિક કામો માટે અપાતી હતી. આઝાદી પછી આવી જમીનો સરકાર હસ્તક થઇ ગઇ. તે પછી આ જમીનો મૂળ માલિકો કે કબજેદારોને જે હેતુ હોય તે માટે શરતી રી ગ્રાન્ટ (પુનઃ મંજૂર) કરાઇ હતી. તે પછી તેમાં ખેતીની જમીન હોય તો બિનખેતી ઉપયોગ માટે નિયમાનુસાર મંજૂરી અપાઇ હતી.
(4:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
