News of Saturday, 5th September 2026
મહીસાગર જિલ્લાના કોઠંબા પોલીસ સ્ટેશનના વરધરી આઉટ પોસ્ટના બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેસરસિંહ રતુજી ચાવડા રૂ. ૧,૦૦,૦૦૦ ની લાંચ લેતા દાહોદ એ.સી.બી. પી.આઈ. એસ.એમ.પઠાણના સફળ છટકામાં ઝડપાયા
અકસ્માત કેસના આરોપીને જામીન આપવા અને માર ન મારવા બદલ રૂ. ૨ લાખની માગણી કરી રૂ. ૧ લાખની લાંચ સ્વીકારતા વરધરી આઉટ પોસ્ટ ખાતેથી રંગેહાથ પકડાયા : એ.સી.બી. દ્વારા રૂ. ૧,૦૦,૦૦૦ ની રકમ રિકવર કરાઈ

મહીસાગર: એન્ટી કરપ્શન બ્યુરો (એ.સી.બી.) દ્વારા લાંચરુશવત વિરોધી ઝુંબેશ અંતર્ગત વધુ એક સફળ ટ્રેપ યોજીને મહીસાગર જિલ્લાના કોઠંબા પોલીસ સ્ટેશન હેઠળના વરધરી આઉટ પોસ્ટના બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર (વર્ગ-૩) કેસરસિંહ રતુજી ચાવડાને રૂ. ૧,૦૦,૦૦૦ ની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. મૂળ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના નાનુ રાજ પડુસ્મા ગામના દરબાર ફળીયાના વતની કેસરસિંહ ચાવડા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અકસ્માતના કેસમાં જામીન આપવા અને માર ન મારવા માંગી હતી લાંચ:
આ કેસની પ્રાપ્ત વિગતો અનુસાર, ફરિયાદી જાગૃત નાગરિકની ગાડીના ડ્રાઇવર દ્વારા ફેટલ અકસ્માત થયો હતો. આ ગુનાના કામે આરોપી ડ્રાઇવરને જામીન આપવા તેમજ તેને માર ન મારવા માટે પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેસરસિંહ રતુજી ચાવડા દ્વારા રૂ. ૨,૦૦,૦૦૦ ની લાંચની માંગણી કરવામાં આવી હતી. ફરિયાદી આ લાંચની રકમ આપવા માગતા ન હોવાથી તેમણે દાહોદ એ.સી.બી. પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી સમગ્ર વિગત જણાવી ફરિયાદ નોંધાવી હતી.
વરધરી આઉટ પોસ્ટ ખાતે દરોડો પાડી રૂ. ૧ લાખની રકમ રિકવર કરાઈ:
ફરિયાદીની કમ્પ્લેન આધાર તા. ૦૫/૦૯/૨૦૨૬ ના રોજ દાહોદ એ.સી.બી. પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ.પઠાણ તથા એ.સી.બી. સ્ટાફ દ્વારા વરધરી આઉટ પોસ્ટ ખાતે લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. આ ટ્રેપ દરમિયાન પીએસઆઈ કેસરસિંહ ચાવડાએ ફરિયાદી પાસેથી રૂ. ૧,૦૦,૦૦૦ ની લાંચની રકમ સ્વીકારતા જ એ.સી.બી.ની ટીમે તેમને સ્થળ પર જ દબોચી લીધા હતા. એ.સી.બી. દ્વારા લાંચના સ્વીકારેલા રૂ. ૧,૦૦,૦૦૦ પંચોની સમક્ષ રિકવર કરીને આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ શરૂ કરવામાં આવી છે.
(7:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
