<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th June 2026

ઉમરગામ ૪.૫ ઇંચ, ડાંગ ૩ ઇંચ : આજે સવારથી નર્મદા અને ડાંગ જીલ્લામાં અવિરત વરસાદ : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

આદ્રા નક્ષત્રમાં મેઘરાજા વરસવાના મૂડમાં ..... વરસે આદ્રા તો બારેમાસ પાધરા

(જીતેન્‍દ્ર રૂપારેલિયા) વાપી : આદ્રા નક્ષત્રમાં મેઘરાજા રાજ્‍યમાં વરસવા મૂડ બનાવી બેઠા હોય તેમ અનેક તાલુકાઓમાં હળવાથી ભારે વરસી રહ્યા છે.૨૨ મી જૂનના બપોરથી આદ્રા નક્ષત્રનો આરંભ થયો છે અને ગધેડાના વાહન સાથે આગમન થયું છે, કહેવાય છે કે વરસે આદ્રા તો બારેમાસ પાધરા...

ફ્‌લડ કન્‍ટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્‍યના વિવિધ તાલુકાઓમાં નોંધાયેલ વરસાદના આંકડા ને જોઈએ તો ઉમરગામમાં સૌથી વધુ ૧૧૦ મિ.મી. વરસાદ નોંધાયો હતો. ત્‍યારબાદ ડાંગ-આહવામાં ૭૮ મિ.મી., ગોંડલમાં ૫૪ મિ.મી., કપરાડામાં ૩૭ મિ.મી., વાપીમાં ૩૬ મિ.મી. અને ઉકાઈમાં ૨૮ મિ.મી. વરસાદ નોંધાયો હતો. કોટડા સાંગાણીમાં ૨૦ મિ.મી., સગબારામાં ૧૯ મિ.મી., જાંબુઘોડા અને કવાંટમાં ૧૩-૧૩ મિ.મી. વરસાદ નોંધાયો હતો.

આ ઉપરાંત રાણપુર અને માંડવીમાં ૮-૮ મિ.મી., સુબીરમાં ૭ મિ.મી., જ્‍યારે વલસાડ, અરેઠ, ચીખલી અને માંગરોળમાં ૬-૬ મિ.મી. વરસાદ નોંધાયો હતો. ઉમરપાડા, ગણદેવી અને સાવરકુંડલામાં ૫-૫ મિ.મી. વરસાદ પડ્‍યો હતો. સોનગઢ, પારડી, નવસારી અને નાનાપોંઢામાં ૩-૩ મિ.મી. વરસાદ નોંધાયો હતો ,  જલાલપોર અને બોટાદમાં ૨-૨ મિ.મી. જ્‍યારે ઉચ્‍છલ, જેતપુર પાવી અને જાફરાબાદમાં ૧-૧ મિ.મી. વરસાદ નોંધાયો હતો. આ રીતે છેલ્લા ૨૪ કલાક દરમિયાન દક્ષિણ ગુજરાત સહિત રાજ્‍યના વિવિધ વિસ્‍તારોમાં હળવાથી લઈને ભારે વરસાદ નોંધાયો હતો. જેમાં ઉમરગામ તાલુકામાં સૌથી વધુ ૧૧૦ મિ.મી. વરસાદ નોંધાયો હતો.

આજે સવારથી મેઘરાજા ડાંગ અને નર્મદા જિલ્લામાં વરસી રહ્યા હોવાની માહિતી મળી રહી છે. 

(2:24 PM IST)