News of Tuesday, 26th May 2026
ખેડબ્રહ્મા રોડ પર અકસ્માતમાં બે યુવાનો ઈજાગ્રસ્ત: સિવિલ હોસ્પિટલમાં એક્સ-રે રૂમ બંધ હોવાથી પરિવારનો હોબાળો
સિવિલ હોસ્પિટલમાં રૂ.83 લાખનું એક્સ-રે મશીન હોવા છતાં રૂમ બંધ મળતાં પરિવારજનો રોષે ભરાયા

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માથી લક્ષ્મીપુરા રોડ પર આવેલી કોલેજ આગળ આજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. એક પૂરપાટ ઝડપે જઈ રહેલી ઈક્કો કાર અને અન્ય વાહન વચ્ચે સર્જાયેલી આ ટક્કરમાં બે યુવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માતને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે 108 એમ્બ્યુલન્સ સેવાને જાણ કરી હતી. 108ની ટીમ દ્વારા બંને લોહીલુહાણ યુવાનોને તાત્કાલિક સારવાર માટે ખેડબ્રહ્માની સરકારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
ઈજાગ્રસ્ત યુવાનોને જ્યારે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા, ત્યારે હોસ્પિટલના વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી હતી. યુવાનોની ગંભીર ઈજાઓ તપાસવા માટે એક્સ-રે કરવો અનિવાર્ય હતો. તાજેતરમાં જ હોસ્પિટલને રૂ.83 લાખના ખર્ચે નવું એક્સ-રે મશીન દાનમાં મળ્યું હોવા છતાં, કટોકટીના સમયે એક્સ-રે રૂમને તાળાં લટકેલા જોવા મળ્યા હતા. લાચાર બનેલા પરિવારજનો દર્દીને સ્ટ્રેચર પર સુવડાવીને એક્સ-રે કરાવવા માટે સિવિલની બહાર બાજુમાં આંટા મારવા મજબૂર બન્યા હતા, જેને પગલે રોષે ભરાયેલા સગા-સંબંધીઓએ હોસ્પિટલ પરિસરમાં ભારે હોબાળો મચાવ્યો હતો.
(9:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
