<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st May 2026

હાલોલના કંજરીમાં વીજ કરંટ લાગતા બે યુવકોના મોત

હાલોલ તાલુકામાંથી એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવીઃપ્રાથમિક તપાસ અને તારણો મુજબ, આ શ્રમિકો જે ઓરડીમાં રહેતા હતા તે લોખંડના પતરાવાળી હતી

પંચમહાલ : પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાંથી એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. હાલોલ નજીક કંજરી પાસે આવેલા પાટિયાના મુવાડા ગામે ભાડાની ઓરડીમાં રહેતા બે શ્રમિક યુવકોનું વીજ કરંટ લાગવાના કારણે કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. એક યુવકને કરંટ લાગ્યા બાદ તેને બચાવવા જતાં બીજા યુવકે પણ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે, જેને પગલે પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

ઘટનાની મળતી વિગતો અનુસાર, મૂળ છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના રહેવાસી વિજયભાઈ રાઠવા અને રાકેશભાઈ રાઠવા હાલોલની એક કંપનીમાં મજૂરી કામ કરતા હતા. તેઓ અહીં કંજરી મુવાડા ગામે એક ભાડાની ઓરડી રાખીને રહેતા હતા.

પ્રાથમિક તપાસ અને તારણો મુજબ, આ શ્રમિકો જે ઓરડીમાં રહેતા હતા તે લોખંડના પતરાવાળી હતી. મકાન પરથી પસાર થતો વીજ વાયર પતરા અથવા લોખંડના સળિયાના સંપર્કમાં આવી જતાં આખી ઓરડીમાં વીજ પ્રવાહ (કરંટ) ઉતરી આવ્યો હતો. ઓરડીમાં કામ કરતી વખતે અચાનક વિજયભાઈ રાઠવાને લોખંડના સળિયામાંથી જોરદાર કરંટ લાગ્યો હતો. પોતાની નજર સામે તરફડીયા મારતા વિજયને બચાવવા માટે રાકેશભાઈ રાઠવા દોડ્યા હતા, પરંતુ રાકેશ વિજયને બચાવે તે પહેલાં જ વીજ પ્રવાહે તેને પણ પોતાની લપેટમાં લઈ લીધો હતો.

ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ બંને યુવકોને તાત્કાલિક સારવાર અર્થે હાલોલની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જોકે, ત્યાં હાજર તબીબોએ પરીક્ષણ કર્યા બાદ બંને યુવાનોને મૃત જાહેર કર્યા હતા. આ મામલે સ્થાનિક પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

(9:54 PM IST)