તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Sunday, 21st June 2026
સંઘપ્રદેશ દમણમાં દરિયામાં નાહવાના પ્રતિબંધ છતાં નાહવા પડેલા બે કિશોરો ઊંડા પાણીમાં ખેંચાઈ જતાં ડૂબવા લાગ્યા
ત્યાં હાજર વાપી ટાઉન પોલીસના જવાન શિવ કુમાર ચૌધરી અને સ્થાનિક યુવક અર્જુન સોનવનેએ જીવના જોખમે દરિયામાં કૂદીને બંને કિશોરોને ભારે જહેમત બાદ સુરક્ષિત બચાવી લીધા

સંઘપ્રદેશ દમણના દરિયા કિનારેથી એક હૃદયકંપાવનારી પરંતુ બહાદુરીની મોટી ઘટના સામે આવી છે. અહીંના પ્રખ્યાત દરિયા કિનારે નાહવા પડેલા બે કિશોરો અચાનક દરિયાના પ્રચંડ મોજાં અને ઊંડા પાણીમાં ખેંચાઈ જતાં ડૂબવા લાગ્યા હતા. કિશોરોએ જીવ બચાવવા માટે દરિયાની વચ્ચે બૂમાબૂમ કરી મૂકી હતી.
ઉલ્લેખનીય છે કે, ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને દમણ પ્રશાસન દ્વારા જૂનથી ઓગસ્ટ મહિના સુધી દરિયામાં નાહવા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આમ છતાં, સરકારી આદેશોનો અનાદર કરીને લોકો પોતાના જીવને જોખમમાં મૂકી દરિયામાં મસ્તી કરવા ઉતરી પડતા હોય છે, જે આવી ગંભીર દુર્ઘટનાઓ નોતરે છે.
બંને કિશોરોને દરિયામાં ડૂબતા જોઈને કિનારે હાજર લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. પરંતુ તે જ સમયે ત્યાં હાજર વાપી ટાઉન પોલીસ જવાન શિવ કુમાર ચૌધરી અને એક સ્થાનિક બહાદુર યુવક અર્જુન સોનવને કોઈપણ ક્ષણનો વિલંબ કર્યા વિના દરિયાના તોફાની મોજાંઓ વચ્ચે કૂદી પડ્યા હતા. પોતાની જાનની પરવા કર્યા વગર આ બંને વીરોએ ડૂબી રહેલા કિશોરો તરફ ઝડપથી તરવાનું શરૂ કર્યું હતું. દરિયામાં ભારે કરંટ હોવા છતાં, અદભુત સાહસ અને સુઝબુઝના કારણે તેઓ બંને કિશોરો સુધી પહોંચવામાં સફળ રહ્યા હતા.
દરિયાના મોજાંઓ સામે ભારે જહેમત અને સંઘર્ષ કર્યા બાદ, પોલીસ જવાન શિવ કુમાર અને સ્થાનિક અર્જુન સોનવને બંને કિશોરોને સુરક્ષિત રીતે પકડી રાખ્યા હતા અને સહીસલામત દરિયા કિનારે બહાર ખેંચી લાવ્યા હતા. કિનારે લાવ્યા બાદ બંને બાળકોને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને તેમનો જીવ બચી જતાં વાલીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.
આ ઘટનાને નજરે જોનારા પ્રવાસીઓ અને સ્થાનિક લોકોએ બંને બચાવકર્તાઓને સાચા અર્થમાં 'દેવદૂત' ગણાવ્યા હતા અને તેમની બહાદુરીને બિરદાવી હતી. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
(9:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
