<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th November 2026

સુરતના બારડોલીના ઉવા નજીક શ્રમજીવી પરિવારની સામૂહિક હત્યાના કેસમાં બે શંકાસ્પદ આરોપીની અટકાયત

મહારાષ્ટ્રથી એક શંકાસ્પદને ઝડપી લેવાયો:ત્રણ મૃતદેહ મળ્યા જ્યારે બે બાળકો હજુ લાપતા:13 વર્ષીય કિશોર પાઈપ પકડી નહેરમાંથી બહાર નીકળતાં બચ્યો હતો. પોલીસ તપાસ ચાલુ

સુરત જિલ્લાના બારડોલી પંથકના ઉવા નજીક શ્રમજીવી પરિવાર પર થયેલા સામૂહિક હુમલા અને હત્યાના મામલે જિલ્લા પોલીસને મોટી સફળતા મળી છે. આ ચકચારી ઘટનામાં પોલીસે બે શંકાસ્પદ આરોપીઓની અટકાયત કરી છે. જેમાં એક શંકાસ્પદ આરોપીને મહારાષ્ટ્ર ખાતેથી ઝડપી લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. જોકે, આ ઘટનામાં સંડોવાયેલા અન્ય શખ્સો હજુ પણ પોલીસ પકડથી દૂર છે. બીજી તરફ, હત્યા પાછળનું ચોક્કસ કારણ શું હતું તે હજુ સુધી સામે આવ્યું નથી.

 

મળતી માહિતી મુજબ, જલગાંવથી સુરત તરફ આવી રહેલા એક શ્રમજીવી પરિવારને રસ્તામાં રોકવામાં આવ્યો હતો. આ દરમિયાન ચાર શખ્સોએ પરિવાર પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે. ત્યારબાદ પરિવારના સભ્યોને ઉવા નહેરમાં ફેંકી દેવામાં આવ્યા હોવાની વિગતો સામે આવી હતી. આ ઘટનાએ સમગ્ર સુરત જિલ્લામાં ભારે ચકચાર જગાવી હતી.

 

 

ઘટના બાદ મહુવાના ડુંગરી નજીક આવેલી નહેરમાંથી ત્રણ મૃતદેહ મળી આવ્યા હતા. જેમાં નીતિન ઉર્ફે ભુરિયા અને કવિતા પાટીલની ઓળખ થઈ હતી. આ ઉપરાંત પરિવારના બે બાળકો લાપતા હોવાની માહિતી સામે આવતા પોલીસ દ્વારા તેમની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. સામૂહિક હત્યાની આશંકાને પગલે સુરત જિલ્લા પોલીસ દ્વારા તપાસ તેજ કરવામાં આવી હતી.

 

 

આ સમગ્ર ઘટનામાં પરિવારના 13 વર્ષીય કિશોરનો આબાદ બચાવ થયો હતો. હુમલા બાદ તેને નહેરમાં ફેંકી દેવામાં આવ્યો હતો, પરંતુ કિશોરે હિંમત બતાવી નહેરમાં રહેલો પાઈપ પકડી લીધો હતો અને બહાર નીકળવામાં સફળ રહ્યો હતો. ત્યારબાદ તે નજીકમાં આવેલી એક હોટલ સુધી પહોંચ્યો હતો અને ત્યાંથી પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. કિશોરે આપેલી માહિતીના આધારે પોલીસને ઘટનાક્રમ સમજવામાં મદદ મળી હતી.

 

સામૂહિક હત્યાના આ કેસમાં સુરત જિલ્લા પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે બે શંકાસ્પદ આરોપીઓની અટકાયત કરી છે. જેમાં મહારાષ્ટ્ર ખાતેથી એક શંકાસ્પદને ઝડપી લેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. જોકે, અન્ય શખ્સો હજુ પોલીસની પકડથી દૂર છે. હત્યા પાછળનું કારણ જાણવા માટે પોલીસ વધુ તપાસ કરી રહી છે.

(9:26 PM IST)