News of Tuesday, 5th May 2026
વડોદરા પાસેના કોટના બીચ પર નહાવા પડેલા નવ મિત્રો પૈકી બે યુવકોના મહીસાગર નદીમાં ડૂબી જવાથી કરુણ મોત
નહાતી વખતે પાંચ મિત્રો તણાવા લાગ્યા જેમાંથી ત્રણને સ્થાનિક તરવૈયાઓએ બચાવી લીધા :દુર્ઘટનાએ પિકનિકનો ઉત્સાહને શોકમાં ફેરવી નાખ્યો અને સ્થાનિકોમાં ગમગીની છવાઈ

વડોદરા:રજાના દિવસે મિત્રો સાથે પિકનિક મનાવવા ગયેલા યુવકો માટે મહીસાગર નદીનો કિનારો કાળ સાબિત થયો છે. વડોદરા નજીક આવેલા જાણીતા પ્રવાસન સ્થળ કોટના બીચ પર નહાવા પડેલા નવ મિત્રો પૈકી બે યુવકોના ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, રજાનો દિવસ હોવાથી નવ મિત્રોનું એક જૂથ વડોદરા પાસે મહીસાગર નદીના કિનારે આવેલા કોટના બીચ પર ફરવા માટે ગયું હતું. ગરમીથી રાહત મેળવવા અને રજાનો આનંદ માણવા માટે આ યુવકો નદીના પાણીમાં નહાવા માટે પડ્યા હતા. પ્રારંભમાં વાતાવરણ ખુશનુમા હતું, પરંતુ અચાનક નદીના પ્રવાહમાં પાંચ મિત્રો તણાવા લાગ્યા હતા.
નદીમાં નહાતી વખતે પાણીના વહેણનો અંદાજ ન આવતા પાંચ યુવકો ઉંડા પાણીમાં ગરકાવ થવા લાગ્યા હતા. પોતાના મિત્રોને ડૂબતા જોઈ અન્ય મિત્રોએ બૂમાબૂમ કરી મૂકતા કિનારે હાજર લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. પ્રવાહ એટલો તેજ હતો કે યુવકો પોતાનો બચાવ કરી શક્યા નહોતા.
ઘટના સ્થળે હાજર સ્થાનિક તરવૈયાઓ એ તાત્કાલિક નદીમાં ઝંપલાવ્યું હતું. ભારે જહેમત બાદ તરવૈયાઓએ ડૂબી રહેલા પાંચ પૈકી ત્રણ યુવકોને સલામત રીતે બહાર કાઢી બચાવી લીધા હતા. જોકે, અન્ય બે યુવકો ઉંડા પાણીમાં લાપતા થઈ ગયા હતા.
લાંબી શોધખોળ બાદ ડૂબી ગયેલા બંને યુવકોના મૃતદેહ મળી આવ્યા હતા. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. હસતા-રમતા મિત્રોના જૂથમાં બે સભ્યોના મોતથી પરિવારજનો પર આભ ફાટી પડ્યું છે. વહીવટી તંત્ર દ્વારા નદી કિનારે નહાવા પડતા પ્રવાસીઓને સાવચેત રહેવા ફરી એકવાર અપીલ કરવામાં આવી છે
(2:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
