<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th August 2026

આણંદના ઉમેટા નજીક આવેલા રિસોર્ટમાં સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી બે માસૂમ બાળકોના કરૂણમોત

વડોદરાના તાદલજા વિસ્તારમાં રહેતો પરિવાર રજાઓની મજા માણવા માટે આણંદના ઉમેટા પાસેના એક રિસોર્ટ ખાતે પહોંચ્યો હતો પરંતુ ખુશીઓ ક્ષણભરમાં માતમમાં ફેરવાઈ ગઈ

આણંદ જિલ્લામાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને કાળજું કંપાવનારી દુર્ઘટના સામે આવી છે. આણંદના ઉમેટા નજીક આવેલા એક રિસોર્ટમાં શનિ-રવિની રજા માણવા ગયેલા વડોદરાના તાદલજા વિસ્તારના એક પરિવારની ખુશીઓ ક્ષણભરમાં માતમમાં ફેરવાઈ ગઈ હતી. રિસોર્ટના સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી બે માસૂમ બાળકોનાં કરુણ મોત નીપજ્યા છે, જેના કારણે સમગ્ર પરિવાર પર આભ ફાટી પડ્યું છે.

 

પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરાના તાદલજા વિસ્તારમાં રહેતો એક પરિવાર રજાઓની મજા માણવા માટે આણંદના ઉમેટા પાસેના એક રિસોર્ટ ખાતે પહોંચ્યો હતો. પરિવાર આનંદભેર સમય વિતાવી રહ્યો હતો તે દરમિયાન અચાનક બાળકો સ્વિમિંગ પૂલની આસપાસ રમતા રમતા પાણીમાં ડૂબી ગયા હતા. જ્યારે માતા-પિતાનું ધ્યાન ગયું ત્યારે બંને બાળકો પાણીમાં ડૂબી રહ્યા હતા. તાત્કાલિક માતા-પિતાએ દોડી આવીને ભારે જહેમત બાદ બંને બાળકોને પૂલમાંથી બહાર કાઢ્યા હતા.

 

 

બાળકોની ગંભીર સ્થિતિને જોતા તાત્કાલિક 112 જનરક્ષકની મદદ લેવામાં આવી હતી. 112 ની ટીમની મદદથી બંને માસૂમોને ત્વરિત સારવાર માટે આંકલાવ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ બંને બાળકોને મૃત જાહેર કર્યા હતા. એકસાથે ઘરના બે દીકરાઓના અચાનક મોતથી વડોદરાના તાદલજાનો પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે અને સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.

(7:54 PM IST)