<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th July 2026

છોટાઉદેપુરના કવાંટ પંથકમાં ઊંડા ખાડામાં બે માસૂમ બાળકીઓ ડૂબી જતા મોત: ન્યાય અને વળતરની માંગ

પાણી પુરવઠાની પાઈપલાઈનમાં લીકેજ થવાને કારણે સર્જાયેલા ઊંડા ખાડામાં પડી: મૃતક બાળકીઓના પિતાની કડક ચીમકી:સમગ્ર મામલે કડક તપાસ કરવામાં નહીં આવે અને સરકાર દ્વારા તેમને રૂપિયા 1 કરોડની આર્થિક સહાય (વળતર) નહીં ચૂકવાય, ત્યાં સુધી તેઓ મૃતદેહનો સ્વીકાર કરશે નહીં.

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં આવેલા મોટી ઝડુલી ગામમાંથી પસાર થતી પાણી પુરવઠાની પાઈપલાઈનમાં લીકેજ થવાને કારણે સર્જાયેલા ઊંડા ખાડામાં બે માસૂમ બાળકીઓ ડૂબી જતા તેમનું મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ સ્થાનિક તંત્રની ઘોર બેદરકારી સામે ગ્રામજનોમાં ભારે આક્રોશની લાગણી વ્યાપી ગઈ છે.

 

પ્રાપ્ત વિગતો અનુસાર, મોટી ઝડુલી ગામે પાઈપલાઈન લીકેજ હોવાથી લાંબા સમયથી સતત પાણી ભરાઈ રહેતું હતું. આ પાણી ભરાવાને કારણે જમીનમાં એક મોટો અને ઊંડો ખાડો બની ગયો હતો. રમતા-રમતા આ બાળકીઓ અચાનક પાણી ભરેલા ખાડામાં પડી અને ઊંડાણમાં ગરકાવ થઈ ગઈ હતી. આ બનાવમાં બંને બાળકીના મોત નીપજ્યા હતા.

 

આ ગંભીર દુર્ઘટના બાદ 3 કલાક વીતી જવા છતાં એક પણ જવાબદાર અધિકારી કે તંત્રના માણસો ઘટનાસ્થળે ન ડોકાતા ગ્રામજનોનો રોષ સાતમા આસમાને પહોંચ્યો હતો. પોતાના વહાલસોયા સંતાનો ગુમાવનાર પીડિત પરિવારજનોએ ભારે આક્રંદ સાથે ન્યાય અને વળતરની માંગ કરી છે.

મૃતક બાળકીઓના પિતાએ સ્પષ્ટ અને કડક શબ્દોમાં ચીમકી આપી છે કે, જ્યાં સુધી આ સમગ્ર મામલે કડક તપાસ કરવામાં નહીં આવે અને સરકાર દ્વારા તેમને રૂપિયા 1 કરોડની આર્થિક સહાય (વળતર) નહીં ચૂકવાય, ત્યાં સુધી તેઓ મૃતદેહનો સ્વીકાર કરશે નહીં.

 

આ ગંભીર દુર્ઘટનાની જાણ થતાં જ રાજ્યસભાના સાંસદ મુકેશ રાઠવા તાત્કાલિક મોટી ઝડુલી ગામે દોડી આવ્યા અને ઘટનાસ્થળની મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. સાંસદ રાઠવાએ તંત્રની લાપરવાહી પર લાલ આંખ કરતા જણાવ્યું કે, "પાણી પુરવઠા વિભાગના અધિકારીઓની બેદરકારી અને લીકેજ તરફના દુર્લક્ષને કારણે જ આ દુર્ઘટના સર્જાઈ છે." 

સાંસદ મુકેશ રાઠવાએ વધુમાં ઉમેર્યું હતું કે, આ અંગે પાણી પુરવઠા મંત્રી સાથે વાત કરવામાં આવી છે અને આ પ્રકરણમાં જવાબદાર તમામ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેવા તેમના પ્રયત્નો રહેશે.

આ હૃદયદ્રાવક ઘટનાથી સમગ્ર કવાંટ પંથક અને આસપાસના વિસ્તારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. હાલમાં ગ્રામજનો અને પરિવારજનો જવાબદાર તંત્ર સામે દાખલારૂપ પગલાં લેવાય અને તેમને યોગ્ય ન્યાય મળે તેની રાહ જોઈ રહ્યા છે.

(1:25 PM IST)