તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 16th September 2026
બિહારમાં નોન ઈન્ટરલોકિંગ અને પ્રી-નોન ઈન્ટરલોકિંગ કામગીરીના કારણે રાજકોટ ડિવિઝનની બે મહત્વપૂર્ણ ટ્રેનોના માર્ગમાં મોટો ફેરફાર : ઓખા-ગુવાહાટી અને ગાંધીધામ-કામાખ્યા એક્સપ્રેસ પરિવર્તિત માર્ગે દોડશે
દાનાપુર અને સોનપુર ડિવિઝન હેઠળના વિવિધ સ્ટેશનો પર ચાલી રહેલી કામગીરીને પગલે ૨૫ સપ્ટેમ્બરથી ૨ ઓક્ટોબર દરમિયાન વારાણસી - છપરા - બરોની માર્ગે દોડનારી ટ્રેનોના પટના, બક્સર અને મોકામા સહિતના વિવિધ મુખ્ય સ્ટેશનો પરના સ્ટોપેજ રદ કરાયા

રાજકોટ: પૂર્વ મધ્ય રેલવેના દાનપુર અને સોનપુર ડિવિઝન હેઠળ આવેલા રાજેન્દ્ર પુલ, હાથીદહ જંકશન અપર, ટાલ, રામપુર ડુમરા તેમજ દિનકર ગ્રામ સિમરિયા સ્ટેશનો પર પ્રી-નોન ઈન્ટરલોકિંગ અને નોન ઈન્ટરલોકિંગ કામગીરી હાથ ધરવામાં આવી છે. આ રેલવે કામગીરીના કારણે કેટલીક ટ્રેનોના પરિચાલન માર્ગમાં ફેરફાર કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીના દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આ કામગીરીના પગલે રાજકોટ ડિવિઝન સાથે સંકળાયેલી બે મુખ્ય ટ્રેનો નિર્ધારિત તારીખો પર પોતાના નિયમિત માર્ગના બદલે પરિવર્તિત માર્ગ પરથી દોડાવવામાં આવશે.
પરિવર્તિત માર્ગ પરથી દોડનારી ટ્રેનો અને રદ કરાયેલા સ્ટોપેજની વિગત:
* ટ્રેન નંબર ૧૫૬૩૫ (ઓખા – ગુવાહાટી એક્સપ્રેસ):
તારીખ ૨૫ સપ્ટેમ્બર અને ૨ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ ઓખાથી ઉપડનારી ટ્રેન નંબર ૧૫૬૩૫ ઓખા-ગુવાહાટી એક્સપ્રેસ પોતાના નિયમિત રૂટના બદલે વારાણસી જંકશન – છપરા – શાહપુર પટોરી – બરોની થઈને પરિવર્તિત માર્ગે ચાલશે. માર્ગમાં ફેરફાર થવાને કારણે આ ટ્રેન દીનદયાલ ઉપાધ્યાય જંકશન, બક્સર, પટના જંકશન, બખ્તિયારપુર જંકશન અને મોકામા જંકશન સ્ટેશનો પર ઊભી રહેશે નહીં.
* ટ્રેન નંબર ૧૫૬૬૭ (ગાંધીધામ – કામાખ્યા એક્સપ્રેસ):
તારીખ ૧૯ સપ્ટેમ્બર અને ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ ગાંધીધામથી ઉપડનારી ટ્રેન નંબર ૧૫૬૬૭ ગાંધીધામ-કામાખ્યા એક્સપ્રેસનું પરિચાલન પણ પરિવર્તિત માર્ગ વારાણસી જંકશન – છપરા – શાહપુર પટોરી – બરોની થઈને કરવામાં આવશે. આ માર્ગ પરિવર્તનના કારણે આ ટ્રેન પટના જંકશન સ્ટેશન પર ઊભી રહેશે નહીં.
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના જાહેર સંપર્ક કાર્યાલય દ્વારા તમામ રેલ મુસાફરોને ખાસ વિનંતી કરવામાં આવી છે કે તેઓ પોતાની મુસાફરી શરૂ કરતા પહેલા ટ્રેનના પરિચાલન, પરિવર્તિત માર્ગ અને સ્ટોપેજ અંગેની તાજી તથા અદ્યતન માહિતી નેશનલ ટ્રેન એનક્વાયરી સિસ્ટમ (NTES) પર અવશ્ય ચકાસી લે.
(7:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
