તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 11th October 2026
સુરતથી મધુબની વચ્ચે દોડશે બે અમૃત ભારત સ્પેશિયલ ટ્રેન: 8 સ્લીપર અને 11 જનરલ કોચ સાથે મોટો નિર્ણય
તહેવારોની સિઝનમાં બિહાર જતાં મુસાફરો માટે રેલવેની મોટી રાહત, સંપૂર્ણ અનરિઝર્વ્ડ ટ્રેનોના રૂટ અને સમયપત્રકની જાહેરાત

સુરત: દુર્ગા પૂજા, દિવાળી અને છઠ પૂજા જેવા મુખ્ય તહેવારો દરમિયાન વતન તરફ પ્રયાણ કરતા બિહારના મુસાફરોની સુવિધા માટે ભારતીય રેલવે દ્વારા સુરત ક્ષેત્રના ઉધના અને મધુબની જિલ્લાના જયનગર વચ્ચે બે ખાસ અમૃત ભારત સ્પેશિયલ ટ્રેનો ચલાવવાની જાહેરાત કરવામાં આવી છે. અન્ય રાજ્યોમાં કામ કરતા શ્રમિકો અને નાગરિકો તહેવારોમાં આરામદાયક મુસાફરી કરી શકે તે હેતુથી શરૂ કરાયેલી આ ટ્રેનોથી સુરત અને દક્ષિણ ગુજરાતમાં વસતા લાખો મુસાફરોને સીધો લાભ મળશે.
ઉત્તર મધ્ય રેલ્વે અનુસાર, આ બંને અમૃત ભારત સ્પેશિયલ ટ્રેનો સંપૂર્ણપણે અનરિઝર્વ્ડ રહેશે, જેમાં કોઈ એડવાન્સ રિઝર્વેશનની જરૂર રહેશે નહીં. બંને ટ્રેનોમાં 22 કોચનું રેક હશે, જેમાં 8 સ્લીપર, 11 જનરલ, 1 SLRD અને 1 પેન્ટ્રી કારનો સમાવેશ થાય છે. ઉધનાથી જયનગર જતી ટ્રેનો રવિવાર, 18 અને 25 ઓક્ટોબરે દોડશે, જ્યારે જયનગરથી ઉધના જતી ટ્રેનો મંગળવાર, 20 અને 27 ઓક્ટોબરે ચલાવવામાં આવશે, જે વડોદરા, રતલામ, ઉજ્જૈન, બીના, ઝાંસી, કાનપુર (ગોવિંદપુરી), પ્રયાગરાજ (સુબેદારગંજ), પંડિત દીન દયાળ ઉપાધ્યાય જંકશન, પટના (દાનાપુર/પાટલીપુત્ર), મુઝફ્ફરપુર, સમસ્તીપુર અને દરભંગા થઈને મધુબની પહોંચશે.
સમયપત્રક મુજબ, પ્રથમ ટ્રેન (નંબર 09073) રવિવારે સવારે 09:50 વાગ્યે ઉધનાથી ઉપડી મંગળવારે સવારે 05:30 વાગ્યે જયનગર પહોંચશે, જ્યારે પરત ફરતી ટ્રેન (નંબર 09074) મંગળવારે સવારે 09:00 વાગ્યે જયનગરથી ઉપડી ગુરુવારે સવારે 07:30 વાગ્યે ઉધના આવશે. બીજી ટ્રેન (નંબર 09071) રવિવારે બપોરે 15:45 વાગ્યે ઉધનાથી ઉપડી મંગળવારે સવારે 11:30 વાગ્યે જયનગર પહોંચશે, જ્યારે પરત ફરતી ટ્રેન (નંબર 09072) મંગળવારે બપોરે 13:30 વાગ્યે જયનગરથી ઉપડી ગુરુવારે સવારે 08:30 વાગ્યે ઉધના પહોંચશે.
તહેવારો ટાણે નિયમિત ટ્રેનોમાં લાંબી પ્રતીક્ષા યાદી (વેઇટિંગ લિસ્ટ) ને ધ્યાનમાં રાખીને રેલવે પ્રશાસને આ વધારાની સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો પશ્ચિમ અને ઉત્તર મધ્ય રેલવે દ્વારા મહત્વનો નિર્ણય લીધો છે. મુસાફરોને રેલવે સ્ટેશનો પર ભીડભાડ વગર સરળતાથી પ્રવેશ મળે તે માટે ઉધના અને જયનગર સ્ટેશનો પર વધારાના સુરક્ષા દળો અને ટિકિટ કાઉન્ટરોની કામગીરી પણ સુનિશ્ચિત કરવામાં આવી છે.
(1:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
