<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st April 2026

સાચો ધર્મ વર્તમાન બતાવે, એકબીજાને કાપે તે ધર્મ ન કહેવાય - કૈલાસ ટેકરી પર પૂ. મોરારિબાપુની સચોટ ટકોર

સગાપરા ધાર પર 'માનસ શિવ સંકલ્પ' રામકથામાં ઉમટતી જનમેદની : જૈન મુનિઓ અને સંતોની ઉપસ્થિતિ વચ્ચે બાપુએ સત્ય, પ્રેમ અને કરુણાના ત્રિવેણી સંગમનું કર્યું નિરૂપણ

ઈશ્વરિયા: ગોહિલવાડની પવિત્ર ભૂમિ પર શ્રી કૈલાસ ટેકરી સગાપરા ધાર ખાતે પૂ. મોરારિબાપુના વ્યાસાસને ચાલી રહેલી 'માનસ શિવ સંકલ્પ' રામકથામાં શ્રદ્ધાનો મહાસાગર ઉમટ્યો છે. કથાના ચોથા દિવસે બાપુએ ધર્મની ગહન વ્યાખ્યા કરતાં ટકોર કરી હતી કે, "સાચો ધર્મ હંમેશા વર્તમાન બતાવે છે. જે ધર્મ એકબીજાને કાપે તે સાચો ધર્મ ન કહેવાય." તેમણે ઉમેર્યું કે ધર્મ એ જ વર્તમાન છે, જ્યારે સંપ્રદાય એ ભૂતકાળ છે, આથી વર્તમાનમાં જીવવું અત્યંત આવશ્યક છે.

શબ્દ સ્મરણ અને શિવ સંકલ્પનું નિરૂપણ:

શ્રી કૈલાસ ટેકરીના લાલગિરિબાપુ અને વિજયગિરિબાપુના સંકલ્પથી આયોજિત આ કથામાં પૂ. બાપુએ વચન, પ્રણ, વ્રત, આશીર્વાદ અને આશીર્વાદ જેવા વિષયોનું નિરૂપણ કર્યું હતું. તેમણે સમજાવ્યું કે શિવ એ કરુણા છે, કૃષ્ણ એ પ્રેમ છે અને રામ એ સત્ય સંકલ્પ છે. આ પ્રસંગે જૈનમુનિ હાર્દિક રત્નસૂરીશ્વરજી મહારાજ તથા અન્ય આચાર્ય ભગવંતોએ ઉપસ્થિત રહી વ્યાસપીઠને ગ્રંથોની ભેટ અર્પણ કરી હતી. પૂ. બાપુના આગ્રહથી જાણીતા ભજનિક મહાવીરદાસ અગ્રાવતે ભજનવાણી વહેતી મૂકી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા.

મોરારિબાપુના જીવનનો ૩૩ ટકા ભાગ રામકથાને અર્પણ:

કાર્યક્રમનું સંચાલન કરતાં દિલીપભાઈ રાજ્યગુરુએ એક નોંધપાત્ર વિગત શેર કરી હતી કે, મોરારિબાપુએ પોતાના જીવનના ૨૪ વર્ષ અને ૮ માસ જેટલો સમય, એટલે કે જીવનનો અંદાજે ૩૩ ટકા ભાગ રામકથા ગાન પાછળ વિતાવ્યો છે, જે સમગ્ર સમાજ માટે ગૌરવની વાત છે. ધોમધખતા તાપમાં પણ પાલિતાણા સહિતના સમગ્ર પંથકમાંથી ભાવિકો ઉમળકાભેર કથાશ્રવણનો લાભ લઈ રહ્યા છે.

પ્રસાદ ભોજનની સુંદર વ્યવસ્થા:

કથામાં આવતા ભાવિકો માટે ભોજન પ્રસાદની ભવ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રસાદના યજમાનોમાં સગાપરા ગામ સમસ્ત, શૈલેષભાઈ લુખી, રાજેશભાઈ દોશી પરિવાર, પુષ્પાબેન કતિરા, હર્ષિદાબેન કતિરા, હરિબેન રાણીંગા પરિવાર, કાશીબેન જોગરાણા પરિવાર તેમજ સવાણી, તેજાણી, વીડિયા અને સરવૈયા પરિવારોનો વિશેષ સહયોગ રહ્યો છે. આયોજકો અને સેવક સમુદાય દ્વારા કથાને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. (અહેવાલ - મુકેશ પંડિત)

(9:13 PM IST)