તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 26th April 2026
રામ, ભરત અને હનુમાનજીની જીવન યાત્રાનો મર્મ સમજાય તો જ રામાયણનો વાસ્તવિક સાર પ્રાપ્ત થાય - પૂ. મોરારિબાપુ
શ્રી કૈલાસ ટેકરી સગાપરા ધાર ક્ષેત્રમાં 'માનસ શિવ સંકલ્પ' રામકથાની ભાવભેર પૂર્ણાહુતિ : ગોહિલવાડના આંગણે નવ દિવસ વહેલી જ્ઞાનગંગામાં હજારો ભાવિકો ભાવવિભોર : લાલગિરિબાપુએ વ્યક્ત કર્યો અહોભાવ

ઈશ્વરિયા : ભાવનગર જિલ્લાના ગોહિલવાડ પંથકમાં પવિત્ર શત્રુંજય તીર્થ સ્થાન પાસે આવેલ શ્રી કૈલાસ ટેકરી સગાપરા ધાર ક્ષેત્રમાં પૂ. મોરારિબાપુના વ્યાસાસને યોજાયેલ નવ દિવસીય રામકથા 'માનસ શિવ સંકલ્પ'ની આજે રવિવારે શ્રદ્ધા અને ભક્તિસભર માહોલમાં પૂર્ણાહુતિ થઈ હતી. ગાદીપતિ લાલગિરિબાપુ ગુરુ વિજયગિરિબાપુના સંકલ્પ અને સમસ્ત સેવક સમુદાયના સહયોગથી આયોજિત આ જ્ઞાનયજ્ઞમાં છેલ્લા દિવસે પૂ. મોરારિબાપુએ રામાયણના ગૂઢ રહસ્યો પર પ્રકાશ પાડી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા.
રામાયણના સારની ગૂઢ વ્યાખ્યા:
કથાના વિરામ દિવસે પૂ. મોરારિબાપુએ વિશેષ સમજૂતી આપતા જણાવ્યું કે, જો કોઈને રામ, ભરત અને હનુમાનજીની યાત્રાનો મર્મ સમજાય જાય, તો તેને સમગ્ર રામાયણનો સાર પ્રાપ્ત થઈ જાય છે. અયોધ્યાથી જનકપુર સુધીની ભગવાન રામજીની યાત્રા, અયોધ્યાથી ચિત્રકૂટ સુધીની ભરતજીની વેદનાસભર યાત્રા અને સંપાતિગુરુ આશ્રમથી અશોકવાટિકા સુધીની હનુમાનજીની ભક્તિમય યાત્રામાં અનેક વિઘ્નો આવ્યા હતા. આ વિઘ્નો સામેની લડત અને ત્યારબાદ મળેલી સફળતા એ જ જીવનનો સાચો બોધ છે. આ અવસરે બાપુએ ટકોર કરતા જણાવ્યું હતું કે, આજના સમયમાં દુષ્ટોને એક થતા વાર લાગતી નથી, પરંતુ સજ્જનો એક થઈ શકતા નથી તે એક મોટું દુર્ભાગ્ય છે.
'માનસ શિવ સંકલ્પ'નું રસપાન:
રામચરિત માનસના બાલકાંડની 'સિવ સંકલ્પુ કીન્હ મન માહીં' જેવી ચોપાઈઓને કેન્દ્ર સ્થાને રાખીને પૂ. મોરારિબાપુએ શિવના સંકલ્પ અને રામનામની મહિમા સમજાવી હતી. અરણ્યકાંડ, કિષ્કિંધાકાંડ, સુંદરકાંડ અને લંકાકાંડના પ્રસંગોનું નિરુપણ કરતા બાપુએ સાંપ્રત સમયમાં રામચરિત માનસની પ્રસ્તુતતા અંગે વિવિધ દ્રષ્ટાંતો આપ્યા હતા. ભક્તિસંગીત અને સંકીર્તન રચનાઓ વચ્ચે કથાના સમાપન સમયે બાપુએ આયોજન અને સેવકોની નિષ્ઠા પ્રત્યે રાજીપો વ્યક્ત કર્યો હતો.
સન્માન અને આભારની સરવાણી:
પૂર્ણાહુતિ પ્રસંગે લાલગિરિબાપુએ ગુરુ સ્મરણ સાથે પૂ. મોરારિબાપુ અને તમામ સહયોગીઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. દિનેશભાઈ પટેલ તથા લાલજીભાઈ જોગરાણાએ પ્રાસંગિક પ્રવચનમાં સૌનો આભાર માન્યો હતો. તા. 18 થી તા. 26 એપ્રિલ સુધી ચાલેલા આ આયોજનમાં પ્રારંભિક સંચાલન ઉદ્ઘોષક દિલીપભાઈ રાજ્યગુરુએ કર્યું હતું. સમગ્ર વ્યવસ્થાનું સંકલન મૂકેશગિરિ મહારાજ સાથે સુરેશભાઈ ગોટી, દિનેશભાઈ પટેલ, હર્ષરાજસિંહ સરવૈયા, ભરતભાઈ રાણીંગા, નરેન્દ્રભાઈ ત્રિવેદી અને લાલજીભાઈ જોગરાણા જેવા અગ્રણીઓએ સંભાળ્યું હતું.
ભોજન પ્રસાદના દાતાઓ:
નવ દિવસીય કથા દરમિયાન દરરોજ હજારો શ્રદ્ધાળુઓએ પ્રસાદનો લાભ લીધો હતો. જેમાં સગાપરા ગામ સમસ્ત, રામભરોસે શૈલેષભાઈ લુખી, રાજેશભાઈ દોશી પરિવાર, પુષ્પાબેન કતિરા તથા હર્ષિદાબેન કતિરા (શૈલેષભાઈ કતિરા), સ્વ. હરિબેન રાણીંગા (ભરતભાઈ રાણીંગા), કાશીબેન જોગરાણા (લાલજીભાઈ જોગરાણા), પુતળીબા સાસપરા તથા માવજીભાઈ સવાણી, અનુભાઈ તેજાણી તથા જસમતભાઈ વીડિયા તેમજ મહેન્દ્રસિંહ સરવૈયા, અશ્વિનસિંહ સરવૈયા, કિરીટસિંહ સરવૈયા, રાજેન્દ્રસિંહ સરવૈયા અને વિરેન્દ્રસિંહ સરવૈયા પરિવારે યજમાન પદ શોભાવી સેવા પૂરી પાડી હતી. આ આયોજનથી સમગ્ર પંથકમાં ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું હતું. (અહેવાલ - મૂકેશ પંડિત)
(5:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
