તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 28th May 2026
સુરત ભાજપમાં પેચ ફસાતાં સોશિયલ મીડિયામાં ટ્રોલિંગ
પેપર લીક થાય પણ મેયરના નામ નહીં:ભાજપ સંગઠન દ્વારા જાળવવામાં આવેલી આ ચુસ્ત ગુપ્તતાની વચ્ચે સોશિયલ મીડિયા પર જનતાએ આકરા વ્યંગ અને કટાક્ષ શરૃ કર્યા છે

સુરત : સુરત મહાનગરપાલિકાના નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિના (સ્ટેન્ડિંગ કમિટી) અધ્યક્ષની નિમણૂકને લઈને સ્થાનિક રાજકારણમાં ભારે ઉત્સુકતા અને ઉચાટનો માહોલ જોવા મળ્યો છે. પ્રદેશ ભાજપ નેતાગીરી તરફથી મોકલાવવામાં આવનાર મેન્ડેટમાં કયા નામો હશે, તેની જાહેરાત અંતિમ ક્ષણ સુધી ન થતાં દાવેદારો અને તેમના સમર્થકો આખો દિવસ ફોન અને મેસેજીસ પર નજર રાખીને બેઠા રહ્યા હતા. જોકે, ભાજપ સંગઠન દ્વારા જાળવવામાં આવેલી આ ચુસ્ત ગુપ્તતાની વચ્ચે સોશિયલ મીડિયા પર જનતાએ આકરા વ્યંગ અને કટાક્ષ શરૃ કર્યા છે.
શહેર ભાજપના નેતાઓમાં કોના ભાગ્યે કયો હોદ્દો આવશે તેની અટકળો ચાલી રહી હતી, ત્યારે બીજી તરફ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર યુઝર્સે ભાજપની આ આંતરિક ગુપ્તતાની સરખામણી NEET પરીક્ષાના પેપર લીક કાંડ સાથે કરીને તીખી ટિપ્પણીઓ કરી છે. પેપર લીક થાય, નામ નહીં: લોકોમાં એવી જોરદાર ચર્ચા ચાલી રહી છે કે, ભાજપના શાસનમાં હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલી NEET પરીક્ષાનું પેપર તો લીક થઈ જાય છે, પરંતુ પક્ષના પદાધિકારીઓના નામ ક્યારેય લીક થતા નથી!
ચુસ્ત સુરક્ષાની માગઃ કેટલાક નેટીઝન્સે કટાક્ષ કરતાં લખ્યું કે, જો NEET પરીક્ષાના પેપરને પણ ભાજપના મેન્ડેટ જેટલી જ કડક સુરક્ષા અને પ્રાઇવસી સાથે સાચવવામાં આવ્યું હોત, તો આજે દેશના લાખો હોનહાર વિદ્યાર્થીઓની મહેનત પાણીમાં ન ગઈ હોત.
રાજકીય હોદ્દાઓ અને નામો છતા ન થાય તે માટે ભાજપ સંગઠન જે પ્રકારની સતર્કતા અને ઓપરેશનલ ગંભીરતા દાખવે છે, તેવી જ ગંભીરતા દેશની શિક્ષણ વ્યવસ્થા અને પરીક્ષાઓની પવિત્રતા જાળવવામાં કેમ દાખવવામાં આવતી નથી, તેવો આક્રોશ વાલીઓ અને વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયાના માધ્યમથી ઠાલવી રહ્યા છે. હાલ તો ડિજિટલ પ્લેટફોર્મ્સ પર ભાજપની આ ગુપ્તતા સકારાત્મક કે નકારાત્મક- બંને રીતે ભારે ટ્રેન્ડિંગમાં છે. એક તરફ રાજકીય સસ્પેન્સનો ક્લાઇમેક્સ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ જનતાનો આક્રોશ વ્યંગાત્મક રૃપે બહાર આવી રહ્યો છે.
(10:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
