<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th November 2026

હિંમતનગર-અમદાવાદ નેશનલ હાઈવે પર ટાયર ફાટતાં ત્રિપલ ટ્રક અકસ્માત: આઇશર ચાલકનું કમકમાટીભર્યું મોત

અકસ્માતમાં ચાલક સ્ટીયરીંગ અને સીટ વચ્ચે ગંભીર રીતે દબાઈ ગયો:ગંભીર ઈજાઓ અને વધુ પડતા રક્તસ્ત્રાવના કારણે ચાલકનું કેબિનની અંદર જ પ્રાણપંખેરું ઊડી ગયું

હિંમતનગર નજીકથી પસાર થતા અમદાવાદ નેશનલ હાઈવે 48 પર એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. અમદાવાદથી હિંમતનગર તરફ આવી રહેલા માર્ગ પર આવેલા જીઆઈડીસી ઓવરબ્રિજ પર એક પછી એક ત્રણ ભારે વાહનો અથડાયા હતા. આ શ્રેણીબદ્ધ ટક્કરમાં આઈશર વાહનના ચાલકનું કેબિનમાં દબાઈ જવાથી ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

 

પ્રાપ્ત વિગતો અનુસાર, અમદાવાદ તરફથી હિંમતનગર તરફ પૂરપાટ ઝડપે આવી રહેલા આઈશર વાહનનું આગળનું ચાલક તરફનું ટાયર ઓવરબ્રિજ પર અચાનક ફાટ્યું હતું. ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવતાં વાહન રસ્તા વચ્ચે અટકી પડ્યું હતું. દરમિયાન, પાછળ આવી રહેલું એક મોટું ટ્રક કન્ટેનર તેની સાથે ધડાકાભેર અથડાયું હતું. આ કન્ટેનરની બરાબર પાછળ પૂરઝડપે આવી રહેલી અન્ય એક આઈશર પણ આગળના વાહનમાં ધડાકાભેર ઘૂસી ગઈ હતી.

 

 

 

 

અકસ્માત એટલો પ્રચંડ હતો કે છેલ્લી આઈશર વાહનના આગળના ભાગનો એટલે કે ચાલકની કેબિનનો કચ્ચરઘાણ વળી ગયો હતો. વાહનની ધાતુની બોડી સંપૂર્ણપણે ચપટી થઈ જતાં તેનો ચાલક સ્ટીયરીંગ અને સીટ વચ્ચે ગંભીર રીતે દબાઈ ગયો હતો. ગંભીર ઈજાઓ અને વધુ પડતા રક્તસ્ત્રાવના કારણે ચાલકનું કેબિનની અંદર જ તડપીને પ્રાણપંખેરું ઊડી ગયું હતું. વહેલી સવારે સર્જાયેલી આ ભયાનક દુર્ઘટનાને પગલે હાઈવે પર વાહનવ્યવહાર ખોરવાયો હતો અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.

 

 

ઘટનાની જાણ થતાં  હાઈવે ટ્રાફિક પોલીસ તેમજ હિંમતનગર ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો પરિસ્થિતિની ગંભીરતા જોતાં હિંમતનગર નગરપાલિકાની ફાયર બ્રિગેડ ટીમને બોલાવવામાં આવી હતી. ફાયર ફાઈટરોએ કટર અને અન્ય આધુનિક સાધનોની મદદથી ભારે જહેમત ઉઠાવી હતી. અંદાજે 2 કલાક સુધી ચાલેલા રેસ્ક્યુ ઓપરેશન બાદ પતરાં કાપીને ચાલકના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો.

 

 

પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને ક્રેનની મદદથી હટાવી હાઈવે પરનો ટ્રાફિક પુનઃ પૂર્વવત કરાવ્યો હતો. પોલીસે મૃતકના શબનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો. પોલીસે મૃતક ચાલકની ઓળખ મેળવવાની તજવીજ હાથ ધરી અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવી છે.

(1:14 PM IST)