<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th June 2026

ટ્વિન-પિટ શૌચાલય ટેક્નોલોજી અપનાવીને સમગ્ર દેશમાં રોલ મોડેલ બન્યો આદિવાસી વસ્તી ધરાવતો ગુજરાતનો ડાંગ જિલ્લો

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છ ભારત મિશનને સાકાર કરતા ડાંગ જિલ્લાના ૯૫ ટકા એટલે કે ૫૧,૬૧૩ પરિવારોએ ફિકલ સ્લજ મેનેજમેન્ટની અદભુત પદ્ધતિ સ્વીકારીને દેશને નવો રાહ ચિંધ્યો

ગાંધીનગર: ગુજરાતના ડાંગ જિલ્લાના આદિવાસીઓએ કદાચ સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત ટ્વિન-પિટ શૌચાલયોને લોકપ્રિય બનાવનાર અભિનેતા અક્ષય કુમાર અને અભિનેત્રી ભૂમિ પેડનેકરની જાહેર ખબર જોઇ નહીં હોય, પણ તેમણે આ ટેક્નોલોજીને એટલી અસરકારક રીતે પોતાના જીવનમાં અપનાવી છે કે આજે ડાંગ જિલ્લો ગ્રામ્ય સ્વચ્છતા અને ફિકલ સ્લજ મેનેજમેન્ટના ક્ષેત્રે સમગ્ર દેશ માટે એક મોડેલ તરીકે ઉભરી આવ્યો છે. ગાઢ જંગલો, હરિયાળા પહાડો અને ચોમાસાના આહલાદ્ક દૃશ્યો માટે જાણીતો ડાંગ જિલ્લો આજે દેશમાં ટકાઉ સ્વચ્છતાના આ અનોખા માળખા વ્યાપક સ્વીકાર માટે એક નવી અને મજબૂત ઓળખ મેળવી રહ્યો છે.

ડાંગ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA)ના કોઓર્ડિનેટર વિપુલ પરદેશીએ આ અંગે વિગતો આપતા જણાવ્યું છે કે ડાંગ જિલ્લામાં ત્રણ તાલુકાઓ અને ૩૧૦ ગામો આવેલા છે. ડાંગ જિલ્લાની અંદાજે ૨.૯૬ લાખની વસ્તીમાં કુલ ૫૮,૯૬૬ પરિવારો વસવાટ કરે છે. આ પરિવારોમાંથી ૫૧,૬૧૩ પરિવારો પોતાના ઘરે ટ્વિન-પિટ શૌચાલય અપનાવી ચૂક્યા છે, જે જિલ્લાના કુલ શૌચાલયોના લગભગ ૯૫ ટકા જેટલો મોટો આંકડો થાય છે. ફિકલ સ્લજ મેનેજમેન્ટ ક્ષેત્રે લોકભાગીદારીથી હાંસલ થયેલી આ નોંધપાત્ર સિદ્ધિ છે. આ યોજના હેઠળ સરકાર દરેક પરિવારે ટ્વિન-પિટ શૌચાલય બનાવવા માટે રૂપિયા ૧૨,૦૦૦ની આર્થિક સહાય પૂરી પાડે છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૧૪માં ખુલ્લામાં શૌચમુક્તિનો ધ્યેય હાંસલ કરવા તેમજ ગામડાઓમાં ઘન અને પ્રવાહી કચરા વ્યવસ્થાપનમાં સુધારો લાવવા માટે સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ)ની શરૂઆત કરી હતી. તેમના પ્રેરણાદાયી નેતૃત્વ હેઠળ આ પહેલ સ્વચ્છતા, મહિલાઓની સુરક્ષા અને સર્વાંગી ગ્રામિણ આરોગ્ય પર કેન્દ્રિત એક વ્યાપક જનજાગૃતિ અને વર્તન પરિવર્તનના અભિયાનમાં વિકસિત થઈ છે. આ જ દિશામાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે ગ્રામ્ય વિસ્તારના દરેક પરિવારોને શૌચાલય મળે તેવી ચુસ્ત વ્યવસ્થા ગોઠવી છે અને તેના પરિણામે જ ગુજરાત સ્વચ્છતા ક્ષેત્રે દેશભરમાં મોખરાનું સ્થાન મેળવી શક્યું છે.

ડાંગ જિલ્લાની આ અદભુત સફળતાએ રાષ્ટ્રીય સ્તરે પણ કેન્દ્ર સરકારનું ધ્યાન આકર્ષિત કર્યું છે. જાન્યુઆરી ૨૦૨૬માં કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલયે સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત અમલમાં મુકાયેલા વિવિધ ફિકલ સ્લજ મેનેજમેન્ટ મોડેલોની સમીક્ષા માટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના જિલ્લાઓ સાથે એક મહત્વપૂર્ણ વર્ચ્યુઅલ સંવાદ યોજ્યો હતો. આ ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલે કરી હતી. આ બેઠક દરમિયાન વિવિધ રાજ્યોએ નવીન અને વ્યાપક સ્તરે અમલમાં મૂકી શકાય એવા સ્વચ્છતા મોડેલો રજૂ કર્યા હતા, જેમાં દૂરના આદિવાસી વિસ્તારોમાં ટ્વિન-પિટ શૌચાલયોના મોટા પાયે સફળ ઉપયોગ માટે ગુજરાતના ડાંગ જિલ્લાને વિશેષ અને અનુકરણીય ઉદાહરણ તરીકે રજૂ કરવામાં આવ્યો હતો.

આ પરિસંવાદમાં સી.આર. પાટીલે ભાગ લેનારા રાજ્યોની મુક્તકંઠે પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે આવા અદભુત સ્વચ્છતા મોડેલો માત્ર સ્વચ્છ ભારતના વિઝનને સાકાર કરવામાં જ મદદરૂપ નથી બનતા, પરંતુ ટકાઉ કચરા વ્યવસ્થાપન દ્વારા ગ્રામીણ સ્તરે રોજગારીની નવી તકો પણ ઊભી કરે છે. ટ્વિન-પિટ શૌચાલયની ખાસિયત એ છે કે તે માનવ મળને સુરક્ષિત રીતે વિઘટિત કરીને પોષક તત્વોથી ભરપૂર સજીવ ખાતરમાં પરિવર્તિત કરી નાખે છે. ગ્રામ્ય સ્વચ્છતા માળખાને મજબૂત બનાવવાની સાથે આ અદભુત ટેક્નોલોજી ભૂગર્ભ જળ પ્રદૂષણ અને અસુરક્ષિત કચરા નિકાલના જોખમને સંપૂર્ણપણે ઘટાડીને જાહેર આરોગ્ય તેમજ પર્યાવરણનું પણ રક્ષણ કરે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા પણ આ ટેક્નોલોજીને એક અત્યંત અસરકારક અને ટકાઉ સ્વચ્છતા ઉકેલ તરીકે વૈશ્વિક સ્તરે સત્તાવાર માન્યતા આપવામાં આવી છે.

ગટર વ્યવસ્થા અને સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સાથે જોડાયેલા પરંપરાગત મોંઘા શૌચાલયોની સરખામણીમાં ટ્વિન-પિટ શૌચાલય ઘરના સ્તરે જ શૂન્ય ખર્ચે કચરાનું વ્યવસ્થાપન કરે છે. આ પ્રણાલીમાં સામાન્ય રીતે લગભગ ત્રણ ફૂટ ઊંડાઈ ધરાવતા બે ગોળાકાર ખાડાઓ બાજુબાજુમાં બનાવવામાં આવે છે, જેની દિવાલો મધપૂડાના આકારની (હનીકોમ્બ પેટર્ન) હોય છે જેથી પ્રવાહી આસપાસની જમીનમાં સરળતાથી શોષાઈ જાય. માનવ મળ પ્રથમ ખાડામાં જાય છે, જ્યાં તેનું કુદરતી રીતે વિઘટન થાય છે અને તે ભરાઈ ગયા બાદ પ્રવાહ બીજા ખાડામાં ફેરવવામાં આવે છે. ત્યાં સુધીમાં પ્રથમ ખાડામાં રહેલો કચરો સંપૂર્ણપણે વિઘટિત થઈ સુરક્ષિત અને પોષક તત્વોથી ભરપૂર ખાતરમાં પરિવર્તિત થઈ જાય છે, જેને સરળતાથી બહાર કાઢી ખેતીમાં ઉપયોગમાં લઈ શકાય છે. આ સસ્તી અને ટકાઉ ટેક્નોલોજી મોંઘી ગટર વ્યવસ્થાની જરૂરિયાતને દૂર કરે છે અને પરંપરાગત ફ્લશ શૌચાલયોની સરખામણીમાં ખૂબ ઓછા પાણીની જરૂર પડતી હોવાથી તે ગ્રામ્ય વિસ્તારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.

(4:14 PM IST)