તા. ૧૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૫ શુક્રવાર
News of Sunday, 9th August 2026
દક્ષિણ ગુજરાતમાં ફરી ધરા ધ્રૂજી: સાપુતારા અને વાંસદા પંથકમાં ભૂકંપનો આંચકો
રિક્ટર સ્કેલ પર ૩.૬ની તીવ્રતા નોંધાઈ: રાત્રિના સમયે અચાનક ધરતી ધ્રૂજતા લોકો ઘરોમાંથી બહાર દોડી આવ્યા, જાનહાનિ ટળતાં હાશકારો

ડાંગ:દક્ષિણ ગુજરાતના સરહદી વિસ્તારોમાં ફરી એકવાર ભૂકંપની હલચલ જોવા મળી છે. રાજ્યના એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા (ડાંગ) તેમજ નવસારી જિલ્લાના વાંસદા અને આસપાસના સીમાડા વિસ્તારમાં અચાનક ભૂકંપનો આંચકો અનુભવાતાં સ્થાનિક રહીશો તેમજ પ્રવાસીઓમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો. ભૂકંપની ધ્રુજારીના કારણે લોકો ભયના માર્યા ઘરો અને હોટેલોમાંથી ખુલ્લા મેદાનમાં દોડી આવ્યા હતા.
સાપુતારાથી ૧૪ કિમી દૂર કેન્દ્રબિંદુ
સિઝમોલોજી વિભાગ અને ભૂકંપશાસ્ત્ર કેન્દ્રના જણાવ્યા અનુસાર, રિક્ટર સ્કેલ પર આ આંચકાની તીવ્રતા ૩.૬ માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ (Epicenter) સાપુતારાથી આશરે ૧૪ કિલોમીટર દૂર મહારાષ્ટ્રની સરહદી વિસ્તારમાં પૃથ્વીના પેટાળમાં ૫.૬ કિમીની ઊંડાઈએ નોંધાયું હતું.
ઘરની દીવાલો અને બારીઓ ધણધણી ઉઠી
રાત્રિના સમયે જ્યારે લોકો પોતાના ઘરોમાં આરામ કરી રહ્યા હતા, ત્યારે અચાનક ધરતીમાં કંપન થતાં બારી-બારણાં અને દીવાલો ધણધણી ઉઠ્યા હતા. આહવા, વાંસદા અને સાપુતારાના ગ્રામ્ય વિસ્તારોમાં ભૂકંપનો અનુભવ થતાં જ લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
જાનમાલનું કોઈ નુકસાન નહીં, તંત્ર એલર્ટ
સદનસીબે આ મધ્યમ તીવ્રતાના ભૂકંપના કારણે કોઈ મોટી જાનહાનિ કે માલસામાનના નુકસાનના સમાચાર સામે આવ્યા નથી. પરિસ્થિતિ પર તંત્ર દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે. વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને ભયભીત ન થવા અને ભૂકંપ અંગેની કોઈ પણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપવા માટે અપીલ કરવામાં આવી છે.
(1:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
