News of Tuesday, 10th November 2026
વડોદરામાં ટ્રાન્સપોર્ટ આલમમાં ગરમાવો: વાયરલ ઓડિયો ક્લિપના મુદ્દે શાસકો સામે થઈ ભયાનક વળતી ફરિયાદ
ટ્રાન્સપોર્ટના ગ્રુપમાં આક્ષેપોની રમઝટ બાદ મામલો પોલીસ સ્ટેશને પહોંચતાં આગેવાનોના છાતીના પાટિયા બેસી ગયા

વડોદરાઃ વડોદરા શહેરના ટ્રાન્સપોર્ટ વર્તુળોમાં છેલ્લા કેટલાક દિવસોથી સનસનાટી મચાવી રહેલી વાયરલ ઓડિયો ક્લિપનો મામલો હવે અત્યંત વિસ્ફોટક મોડ પર આવી પહોંચ્યો છે. ટ્રાન્સપોર્ટના સોશિયલ મીડિયા ગ્રુપમાં વાયરલ થયેલી વિવાદિત ઓડિયોના મુદ્દે એક જૂથ દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા બાદ, હવે સામા પક્ષે પણ ભયાનક આક્ષેપો સાથે વળતી ફરિયાદ નોંધાવતાં સમગ્ર વેપારી આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
આજવારોડ અમરદીપ રેસિડેન્સીમાં રહેતા અને હિન્દુસ્તાન રોડ લાઇન્સના નામે ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા સોનુ રણવીર સિંહે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, અમારા ટ્રાન્સપોર્ટના બે ગુ્રપ ચાલે છે. (૧) બરોડા ટ્રાન્સપોર્ટ સોલ્યુશન તથા (૨) વડોદરા ટ્રાન્સપોર્ટર્સ. ગત ૨૯ મી તારીખે બરોડા ટ્રાન્સપોર્ટ સોલ્યુશન ગુ્રપમાં અભિષેક તનવર ઉર્ફે અભી એ મારા નાના ભાઇ રાકેશકુમાર તથા ભાડૂત હિમાંશુ વચ્ચે ભાડા બાબતે થયેલી વાતચીતનો ઓડિયો મૂક્યો હતો. તે બાબતે ઝઘડો થતા અભિષેકે મને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અભિષેકે જણાવ્યું હતું કે, સુનીલ મોહરસિંગજી બિશુ (રહે. ઓમકારા હેરિટેજ, સયાજી ટાઉનશિપ રોડ) એ કોલ કરાવ્યોહતો. સુનીલને વીડિયો કોલ કરી આ અંગે પૂછતા તેણે બંદૂક બતાવી ધમકી આપી હતી કે, છ એ છ ગોળીઓ તારામાં ઉતારી દઇશ. બાપોદ પોલીસે ઉપરોક્ત ફરિયાદના આધારે અભિષેક અને સુનીલ સામે ગુનો દાખલ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, આ અંગે અગાઉ ટ્રાન્સપોર્ટર અભિષેકે સોનુ, મહેન્દ્ર ઝાંઝરીયા , રાજેશ તથા મહેન્દ્ર શર્મા સામે ફરિયાદ નોંધાવી હતી.
(5:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
