News of Friday, 10th July 2026
ગુજરાત સરકારના પંચાયત વિભાગ દ્વારા વર્ગ-૨ના તાલુકા વિકાસ અધિકારીઓની સાગમટે બદલી : બનાસકાંઠાના વિસ્તરણ અધિકારી ભરતસિંહ રાજપુતની બઢતીનો હુકમ મૂળ અસરથી રદ્દ કરી કરાઈ નવી નિયુક્તિ
સચિવાલયથી નાયબ સચિવ અચલ સોનીએ જાહેર હિતાર્થે 8 ટીડીઓ સ્તરના અધિકારીઓની બદલી અને નિમણૂંક અંગે સત્તાવાર અધિસૂચના બહાર પાડી : તમામ બદલી પામેલા અધિકારીઓને તાત્કાલિક ફરજમુક્ત થવા આદેશ

ગાંધીનગર: ગુજરાત સરકારના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા રાજ્યમાં વહીવટી પ્રક્રિયાને વધુ વેગવંતી બનાવવા માટે વર્ગ-૨ ના તાલુકા વિકાસ અધિકારી (ટીડીઓ) સંવર્ગના અધિકારીઓની તાત્કાલિક અસરથી જાહેર હિતાર્થે સાગમટે બદલીઓ અને નવી નિયુક્તિના આદેશો જારી કરવામાં આવ્યા છે. સરકારના નાયબ સચિવ અચલ સોનીની સહીથી તા. ૧૦/૦૭/૨૦૨૬ના રોજ બહાર પાડવામાં આવેલી સત્તાવાર અધિસૂચના ક્રમાંક PRHRDD/ZRT/e-file/14/2026/2253/Section - Z અનુસાર, એક અધિકારીની અગાઉની બઢતીનો હુકમ રદ્દ કરીને નવી જગ્યાએ મૂકવામાં આવ્યા છે, જ્યારે અન્ય ૮ અધિકારીઓની પરસ્પર બદલીઓ કરવામાં આવી છે.
ભરતસિંહ રાજપુતનો બઢતી હુકમ રદ્દ, નવી નિયુક્તિ કરાઈ:
સરકારી અધિસૂચનાના ભાગ-(૧) અને (૨) માં જણાવ્યા અનુસાર, પંચાયત વિભાગ દ્વારા ગત તા. ૦૮/૦૭/૨૦૨૬ ના રોજ બહાર પાડેલી અધિસૂચનાથી વર્ગ-૩ ના કર્મચારીઓને બઢતી આપી ગુજરાત વિકાસ સેવા વર્ગ-૨ ના તાલુકા વિકાસ અધિકારી તરીકે નિમણૂંક આપવામાં આવી હતી. તે પૈકી બનાસકાંઠા જિલ્લા પંચાયત કચેરીના વિસ્તરણ અધિકારી (ખેતી) ભરતસિંહ દુદાજી રાજપુતને ચીટનીશ કમ તાલુકા વિકાસ અધિકારી (જ.દ.), જિલ્લા પંચાયત કચેરી, બનાસકાંઠા તરીકે બઢતી આપવામાં આવી હતી. આ બઢતીનો હુકમ સરકાર દ્વારા મૂળ અસરથી (ab initio) રદ્દ કરવામાં આવ્યો છે. આ હુકમ રદ્દ થતાં જ હવે ભરતસિંહ દુદાજી રાજપુતને મદદનીશ પ્રાયોજના અધિકારી (યોજના), જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, બનાસકાંઠાની જગ્યા પર નિયુક્તિ આપવામાં આવી છે.
કયા અધિકારીને કઈ જગ્યાએથી કઈ જગ્યાએ મૂકાયા?
અધિસૂચનાના ભાગ-(૩) હેઠળ ગુજરાત વિકાસ સેવા, વર્ગ-૨ ના તાલુકા વિકાસ અધિકારી સંવર્ગના નીચે મુજબના અધિકારીઓની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે:
એચ. આર. વાઘેલા: તાલુકા વિકાસ અધિકારી, જસદણ, જિ.રાજકોટની જગ્યા પરથી બદલી કરીને મદદનીશ પ્રાયોજના અધિકારી (વહીવટ), જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, જિ.અરવલ્લી ખાતે મૂકવામાં આવ્યા છે.
તપન હસમુખ ત્રિવેદી: ચીટનીશ કમ તાલુકા વિકાસ અધિકારી (જ.દ.), જિલ્લા પંચાયત કચેરી, છોટાઉદેપુરની જગ્યા પરથી બદલી કરીને તાલુકા વિકાસ અધિકારી, વાઘોડીયા, જિ.વડોદરા તરીકે નિયુક્તિ અપાઈ છે.
દિપેક્ષકુમાર ડાહ્યાભાઇ પટેલ: તાલુકા વિકાસ અધિકારી, વાઘોડીયા, જિ.વડોદરાની જગ્યા પરથી બદલી કરીને તાલુકા વિકાસ અધિકારી, જસદણ, જિ.રાજકોટ તરીકે મૂકાયા છે.
મૌસમસિંહ બી. રાવ: તાલુકા વિકાસ અધિકારી, શિહોર, જિ.ભાવનગરની જગ્યા પરથી બદલી કરીને મદદનીશ પ્રાયોજના અધિકારી (વહીવટ), જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, જિ.અમરેલી ખાતે નવી નિમણૂંક અપાઈ છે.
પિયુષકુમાર કાનજીભાઇ રાવત: તાલુકા વિકાસ અધિકારી, લખતર, જિ.સુરેન્દ્રનગરની જગ્યા પરથી બદલી કરીને તાલુકા વિકાસ અધિકારી, ગરૂડેશ્વર, જિ.નર્મદા તરીકે બદલી કરાઈ છે.
અમરદાસભાઇ આઇ.રાઠવા: તાલુકા વિકાસ અધિકારી, વાલોડ, જિ.તાપીની જગ્યા પરથી બદલી કરીને મદદનીશ પ્રાયોજના અધિકારી (વહીવટ), જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, જિ.દાહોદ ખાતે મૂકવામાં આવ્યા છે.
સુનિલકુમાર L. ચૌધરી: તાલુકા વિકાસ અધિકારી, અબડાસા, જિ.કચ્છની જગ્યા પરથી બદલી કરીને મદદનીશ પ્રાયોજના અધિકારી (વહીવટ), જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, જિ.ગીરસોમનાથ ખાતે નિયુક્તિ કરાઈ છે.
સર્ફરાજભાઇ સિરાજભાઇ વહોરા: મદદનીશ પ્રાયોજના અધિકારી (વહીવટ), જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, જિ.ખેડાની જગ્યા પરથી બદલી કરીને તાલુકા વિકાસ અધિકારી, વાલોડ, જિ.તાપી તરીકે મૂકવામાં આવ્યા છે.
તાત્કાલિક ફરજમુક્ત કરવા કલેક્ટર-ડીડીઓને આદેશ
પંચાયત વિભાગની આ અધિસૂચનામાં સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે કે, બદલી હેઠળના તમામ અધિકારીઓને તેમના સંબંધિત નિયંત્રણ અધિકારીઓએ તાત્કાલિક અસરથી ફરજમુક્ત કરવાના રહેશે. તેમજ તેઓને બદલીથી નિયુક્તિ પામેલી નવી જગ્યાએ સત્વરે હાજર કરવાની જરૂરી વહીવટી કાર્યવાહી પૂરી કરવાની રહેશે. આ અંગેની નકલ મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ, પંચાયત અને ગ્રામ વિકાસ મંત્રીના અંગત સચિવ, વિકાસ કમિશનર, સંબંધિત જિલ્લા વિકાસ અધિકારીઓ (DDO) અને જિલ્લા તિજોરી અધિકારીઓને જાણ તથા જરૂરી પ્રક્રિયા કરવા માટે રવાના કરી દેવામાં આવી છે. આ હુકમથી પંચાયત વિભાગના સેક્શન અધિકારી ગોકુલ જી. ચૌધરી પણ સંકળાયેલા છે.
(9:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
