<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th July 2026

'ઓપરેશન ડેલ્ટા હન્ટ' હેઠળ ફેસબુકની પ્રેમકથાનો કરુણ અંજામ: ૧૨ વર્ષના સુખી સંસાર અને બે માસૂમ બાળકોને છોડી 'કાજલ' બાંગ્લાદેશ ડિપોર્ટ, હસતો-ખેલતો પરિવાર પત્તાના મહેલની જેમ વિખેરાયો!

માંદી માતાને કરેલો એક ફોન કાળ સાબિત થયો અને પોલીસ રડારમાં આવી ગઈ; વડોદરા એરપોર્ટ પર પત્નીની વિદાય વેળાએ પતિ બાળકની જેમ ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યો

આણંદ : સરહદો કદાચ પ્રેમને રોકી શકતી નથી, પરંતુ કાયદાની કડક સીમાઓ આગળ ક્યારેક હસતા-ખેલતા પરિવારો પણ જીવતેજીવ વેરવિખેર થઈ જાય છે. આવી જ એક કાળજું કંપાવી દેનારી અને આંખો ભીની કરી દે તેવી ઘટના આણંદના લાંભવેલ ગામમાંથી સામે આવી છે. ભારત સરકારના ‘ઓપરેશન ડેલ્ટા હન્ટ’ અંતર્ગત ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓને શોધીને હાંકી કાઢવાની ઝુંબેશ હેઠળ, આણંદના એક યુવકની પત્ની અને બે માસૂમ બાળકોની માતા કાજુલી ઉર્ફે કાજલને શુક્રવારે વડોદરા એરપોર્ટ પરથી વિમાન માર્ગે ઢાકા (બાંગ્લાદેશ) માટે ડિપોર્ટ કરી દેવામાં આવી છે. કાજલની આ વિદાય સાથે જ એક આખો સુખી પરિવાર વેરવિખેર થઈ ગયો છે.
આ કરુણ કહાનીની શરૂઆત ૧૫ વર્ષ અગાઉ સોશિયલ મીડિયા (ફેસબુક) પર થઈ હતી. ફેસબુકના માધ્યમથી લાંભવેલના તરૂણકુમાર બંસીભાઈ પટેલ અને બાંગ્લાદેશની કાજુલી એકબીજાના ગળાડૂબ પ્રેમમાં પડ્યા હતા. પોતાના પ્રેમની સીમાઓ ઓળંગીને કાજુલી ૧૨ વર્ષ પહેલાં તમામ જોખમો ખેડીને ગેરકાયદેસર રીતે સરહદ પાર કરી ભારત આવી પહોંચી હતી. અહીં આવીને તેણે હિન્દુ ધર્મ અંગીકાર કરી તરૂણ સાથે સાત ફેરા ફર્યા અને નવું નામ ‘કાજલ’ રાખ્યું. છેલ્લા એક દાયકાથી વધુ સમયથી આ દંપતી અત્યંત સુખી સંસાર ભોગવી રહ્યું હતું અને તેમના આંગણે બે માસૂમ દીકરાઓ ધ્યાન (૮ વર્ષ) અને અર્શ રમતા હતા.
📞 એક ફોન અને સંસાર વેરવિખેર...
કુદરતને કંઈક જુદું જ મંજૂર હતું. ગત મે મહિનામાં કાજલે બાંગ્લાદેશમાં રહેતી તેની બીમાર માતાની ખબર પૂછવા એક ફોન કર્યો અને આ આંતરરાષ્ટ્રીય કોલને કારણે તે પોલીસના રડારમાં આવી ગઈ. ૨ જૂનના રોજ લોકલ ક્રાઈમ બ્રાન્ચે તેની ધરપકડ કરી નારીગૃહમાં મોકલી આપી હતી.
છેલ્લા એક મહિનાથી પતિ તરૂણ પોતાના આ માળાને વિખેરાતો બચાવવા માટે સરકાર, વહીવટી તંત્ર અને ભાજપના અગ્રણીઓના ઉંબરા ખણતો રહ્યો કે કદાચ કોઈનું હૃદય દ્રવી ઊઠે અને તેની પત્નીને ભારતમાં રહેવાની મંજૂરી મળે, પરંતુ કાયદો પોતાની ગતિએ ચાલ્યો. ગુરૂવારે મોડી રાત્રે કાજલને SOG ઓફિસે લવાઈ અને શુક્રવારે વડોદરા એરપોર્ટ પર ભારતીય આર્મીને સોંપી દેવાઈ હતી. છેલ્લી ઘડીએ પતિને પત્નીને મળવા કે મુસાફરી માટે પૈસા આપવા પણ ન દેવાયા અને કાજલ પહેરેલે કપડે જ રવાના થઈ ગઈ. પત્નીની વિદાય બાદ પતિ તરૂણ એરપોર્ટની બહાર જ એક નાના બાળકની જેમ ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યો હતો, જે દ્રશ્ય જોઈ ત્યાં હાજર કઠણ કાળજના લોકોની આંખો પણ ભીની થઈ ગઈ હતી.
આ અંગે આણંદ જિલ્લા પોલીસ વડા જી. જી. જસાણીએ સત્તાવાર વિગતો આપતા જણાવ્યું હતું કે, તે ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશી હોવાથી કાયદાકીય પ્રક્રિયા હેઠળ તેને પરત મોકલવી અનિવાર્ય હતી. જોકે, આ પરિવાર માટે આશાનું એક કિરણ હજુ જીવંત છે. કાજલ હવે બાંગ્લાદેશ જઈને કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરી, વિઝા મેળવીને કાનૂની રીતે ભારત પરત આવી શકે છે. હવે આ વિખેરાયેલો પરિવાર કાયદાની લાંબી પ્રક્રિયા ક્યારે પૂરી થાય અને ઘરની લક્ષ્મી ક્યારે પરત ફરે તેની આશાભરી આંખે પ્રતીક્ષા કરી રહ્યો છે.

(7:16 PM IST)