News of Sunday, 28th June 2026
પાર્ક કરેલી કારમાં એરબેગ ફાટતા 25 વર્ષીય યુવકનું કરુણ મોત : ગુજરાતમાં પ્રથમવાર આવી દુર્ઘટના બનતા ઓટોમોબાઈલ કંપનીઓની સુરક્ષા સામે ગંભીર સવાલો
અમદાવાદના બોપલ વિસ્તારમાં બની ચોંકાવનારી ઘટના, કાર સર્વિસ માટે આપીને સીટ પર બેઠેલો યુવક અચાનક ફાટેલી એરબેગના કારણે ગંભીર રીતે ઘવાયો, સારવાર દરમિયાન દમ તોડ્યો, પોલીસે કાર કબજે કરી FSL તપાસ શરૂ કરી, પરિવારજનોમાં શોકનું મોજું

અમદાવાદ : અમદાવાદના બોપલ વિસ્તારમાં એક અત્યંત ચોંકાવનારી અને દુ:ખદ ઘટના સામે આવી છે. પાર્ક કરેલી કારમાં અચાનક એરબેગ ફાટી જતા 25 વર્ષીય યુવકનું કરુણ મોત નીપજ્યું છે. ગુજરાતમાં આ પ્રકારની આ પ્રથમ ઘટના હોવાનું માનવામાં આવી રહ્યું છે, જેના કારણે વાહન સુરક્ષા મુદ્દે ગંભીર સવાલો ઉભા થયા છે.
પ્રાપ્ત વિગતો મુજબ, બોપલમાં રહેતા 25 વર્ષીય નીલ પટેલ આજે સવારે પોતાની કાર સર્વિસ માટે સર્વિસ સેન્ટર પર લઈ ગયા હતા. કાર પાર્ક કરીને તે ડ્રાઈવર સીટ પર બેસીને કોઈની રાહ જોઈ રહ્યા હતા. તે દરમિયાન કોઈપણ અથડામણ કે કારણ વગર અચાનક જ ડ્રાઈવર સાઈડની એરબેગ જોરદાર ધડાકા સાથે ફાટી ગઈ હતી.
એરબેગના જોરદાર આંચકા અને તેમાંથી નીકળેલા કેમિકલના કારણે નીલને માથા અને છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આસપાસના લોકો તાત્કાલિક તેને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, પરંતુ સારવાર દરમિયાન થોડા જ કલાકોમાં તેણે દમ તોડી દીધો હતો.
ઘટનાની જાણ થતા બોપલ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કારને કબજે કરી FSL તપાસ માટે મોકલી આપી છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના બાદ ઓટોમોબાઈલ કંપનીઓ દ્વારા વાહનોમાં લગાવવામાં આવતા સેફ્ટી ફીચર્સની ગુણવત્તા સામે અનેક સવાલો ઉભા થયા છે. યુવકના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
(1:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
