<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th September 2026

સાબરકાંઠામાં અરેરાટી: હિંમતનગરના બળવંતપુરા પાસે અસારવા-ઉદયપુર ટ્રેનની અડફેટે ૧૭ વર્ષીય નર્સિંગ વિદ્યાર્થિનીનું કરૂણ મોત!

વિરભૂમિ એક્સપ્રેસની ચપેટમાં આવતા માસુમ ધ્રુવી મિસ્ત્રીનું ઘટનાસ્થળે જ નીપજ્યું મોત: કોલેજ બેગ અને આઈકાર્ડથી ઓળખ થતાં પરિવારમાં ભારે આક્રંદ

હિંમતનગર : સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક આવેલા બળવંતપુરા પાસે એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. અસારવાથી ઉદયપુર તરફ જઈ રહેલી વીર ભૂમિ એક્સપ્રેસ ટ્રેનની અડફેટે આવી જતાં ૧૭ વર્ષીય માસુમ વિદ્યાર્થિનીનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે. આ અચાનક બનેલી દુઃખદ ઘટનાને પગલે મૃતક યુવતીના પરિવાર સહિત સમગ્ર વિસ્તારમાં ઘેરા શોકની કાલિમા છવાઈ ગઈ છે.

 

મળતી વિગતો અનુસાર, હિંમતનગરના જલારામ મંદિર વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષીય ધ્રુવી મિસ્ત્રી નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતી હતી. શનિવારે બળવંતપુરા નજીકથી પસાર થતી અસારવા-ઉદયપુર વીર ભૂમિ એક્સપ્રેસ ટ્રેનની અચાનક ચપેટમાં આવી જતાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેનું સ્થળ પર જ પ્રાણપંખેરું ઊડી ગયું હતું. ધડાકાભેર અકસ્માતનો અવાજ સાંભળીને આસપાસના સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

 

આઈકાર્ડ અને બેગ પરથી થઈ ઓળખ: પોલીસે શરૂ કરી તપાસ

 

બનાવ સ્થળેથી મળી આવેલા કોલેજ બેગ અને આઈડેન્ટિટી કાર્ડના આધારે મૃતક વિદ્યાર્થિનીની ઓળખ ધ્રુવી મિસ્ત્રી તરીકે થઈ શકી હતી. ઘટનાની જાણ થતાં જ રેલવે પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર ધસી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડ્યો હતો. ૧૭ વર્ષીય હોનહાર દીકરીના અચાનક અવસાનથી પરિવારજનો પર દઃખનો પહાડ તૂટી પડ્યો છે અને પરિવારમાં ભારે આક્રંદ વ્યાપી ગયો છે.

(6:49 PM IST)