News of Thursday, 12th November 2026
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અંબાજી પ્રવાસને પગલે ૧૪ નવેમ્બર સુધી ટ્રાફિક ડાયવર્ઝન : આબુરોડ, હિંમતનગર અને પાલનપુર તરફના વાહનો માટે વૈકલ્પિક રૂટ જાહેર
સુરક્ષા અને સુગમ વ્યવસ્થાપન માટે અધિક જિલ્લા કલેક્ટર દ્વારા પ્રસિદ્ધ કરાયું જાહેરનામું : અંબાજી તરફ જતો મુખ્ય માર્ગ બંધ રહેતા વાહનચાલકોને પાલનપુર અને હડાદ થઈને અવરજવર કરવા સૂચના

અંબાજી: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગામી અંબાજી પ્રવાસ અને સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા યાત્રાધામ અંબાજીને જોડતા મુખ્ય માર્ગો પર ટ્રાફિક નિયમન અને ડાયવર્ઝનનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. અધિક જિલ્લા કલેક્ટર દ્વારા આ સંદર્ભે સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જે મુજબ આજથી લઈને આગામી ૧૪ નવેમ્બર સુધી આ ટ્રાફિક ડાયવર્ઝન અમલમાં રહેશે. આ સમયગાળા દરમિયાન આબુરોડ, હિંમતનગર અને પાલનપુર તરફથી અવરજવર કરતા તમામ વાહનચાલકોએ નિર્ધારિત કરાયેલા વૈકલ્પિક માર્ગોનો જ ઉપયોગ કરવાનો રહેશે.
આબુરોડથી હિંમતનગર તરફ જતા વાહનો માટે વૈકલ્પિક વ્યવસ્થા:
જાહેરનામા મુજબ, રાજસ્થાનના આબુરોડ તરફથી અંબાજી થઈને હિંમતનગર તરફ જતા વાહનચાલકો માટે અંબાજીનો સીધો માર્ગ બંધ રાખવામાં આવ્યો છે. આ રૂટના તમામ વાહનોએ હવે અંબાજી જવાનું ટાળીને પાલનપુર થઈને હિંમતનગર તરફ પ્રયાણ કરવાનું રહેશે.
હિંમતનગરથી આબુરોડ જવા માટે હડાદ-પાલનપુર રૂટ નક્કી કરાયો:
તેવી જ રીતે, હિંમતનગર તરફથી અંબાજી થઈને રાજસ્થાનના આબુરોડ જતા વાહનો માટે પણ રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ વાહનચાલકોએ અંબાજીના માર્ગને બદલે હડાદ થઈને પાલનપુર મારફતે આબુરોડ પહોંચવા માટેના વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે. વહીવટી તંત્ર દ્વારા વાહનચાલકોને જાહેરનામાનું ચુસ્તપણે પાલન કરવા અને ટ્રાફિક વ્યવસ્થામાં સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.
(4:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
