તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th July 2026
સુરતના ખાડીપૂરમાં વેપારીઓને મોટાપાયે નુકશાન :ઇન્સ્યોરન્સ ક્લેમનું થશે ઝડપી સેટલમેન્ટ: કંપનીઓને કલેકટરની કડક સૂચના
સુરતમાં ખાડીપુર બાદ વેપારીઓના નુકસાનના ભરમાંથી બહાર આવવા માટે જિલ્લા કલેક્ટર તેજસ પરમારે ઇન્સ્યોરન્સ કંપનીઓ સાથે મહત્વની બેઠક કરી:ક્લેમ સેટલમેન્ટ માટે નવી ઓનલાઈન સિસ્ટમ અને નોડલ ઓફિસરની વ્યવસ્થા કરાશે:રિપેરિંગ અને અન્ય સેવાઓમાં કાળાબજારી કરનારાઓ સામે કડક કાયદાકીય પગલાં લેવાની ચેતવણી

સુરતમાં ખાડીપુરના કારણે વેપારીઓને થયેલા આર્થિક નુકસાનને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર તેજસ પરમાર દ્વારા એક મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં શહેરની વિવિધ ઇન્સ્યોરન્સ કંપનીઓના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરીને વેપારીઓના વીમાના દાવાઓ ઝડપથી પતાવવા માટે સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યા છે.
જિલ્લા કલેક્ટરે વીમા કંપનીઓને સૂચના આપી છે કે તેઓ ક્લેમ પ્રક્રિયાને શક્ય તેટલી સરળ બનાવે, જેથી વેપારીઓને ઓછામાં ઓછી મુશ્કેલીનો સામનો કરવો પડે. આ માટે એક નોડલ ઓફિસરની પણ નિમણૂક કરવામાં આવશે, જે વેપારીઓની વીમા સંબંધિત ફરિયાદોનું સીધું નિવારણ કરશે. આ ઉપરાંત, આગામી દિવસોમાં એક વિશેષ ઓનલાઈન પોર્ટલ પણ શરૂ કરવામાં આવશે, જેના દ્વારા વેપારીઓ પોતાની ફરિયાદો અને ક્લેમની સ્થિતિ જાણી શકશે.
પૂરના સમયનો ગેરલાભ લઈને રિપેરિંગ કે અન્ય આવશ્યક સેવાઓમાં વધુ ભાવ વસૂલનારાઓ સામે પણ જિલ્લા કલેક્ટરે લાલ આંખ કરી છે. તેમણે ચેતવણી આપી છે કે જો કોઈ વ્યક્તિ કે એજન્સી પૂર બાદ કાળાબજારી કરશે અથવા અતિશય ભાવ વસૂલશે, તો તેમની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. તંત્રના આ નિર્ણયથી વેપારી વર્ગમાં સંતોષની લાગણી જોવા મળી છે.
(10:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
