<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th October 2026

નડિયાદના ચોકસી બજારમાં મારામારી બાદ વેપારીઓમાંભારે રોષ :અચોક્કસ મુદત સુધી બજાર બંધ

ચોકસી બજારમાં પાર્કિંગ વિવાદમાં દુકાનના કર્મચારી પર હુમલો:પોલીસે હર્ષ બારોટ સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી:ઘટનાના વિરોધમાં વેપારીઓએ બજાર અચોક્કસ મુદત સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો:જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવી સુરક્ષા અને આરોપીઓના જાહેર રિકન્સ્ટ્રક્શનની માંગ

નડિયાદના જાણીતા ચોકસી બજારમાં પાર્કિંગના મુદ્દે દુકાનના કર્મચારી પર થયેલા હુમલાનો મામલો વધુ ગરમાયો છે. હુમલાની ઘટનાને પગલે સોની સમાજના વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વેપારીઓએ વિરોધ નોંધાવતા ચોકસી બજાર અચોક્કસ મુદત સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં વેપારીઓ ખેડા જિલ્લા પોલીસ વડાની કચેરીએ પહોંચ્યા હતા અને સુરક્ષાની માગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું.

મળતી માહિતી મુજબ, 7 ઓક્ટોબરના રોજ નડિયાદના ચોકસી બજારમાં દુકાન પાસે વાહન પાર્ક કરવા બાબતે વિવાદ સર્જાયો હતો. આ વિવાદ દરમિયાન દુકાનના કર્મચારી સાથે મારામારી કરવામાં આવી હોવાનો આરોપ છે. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી. હુમલાની ઘટનાને પગલે કર્મચારીએ ચાર શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી હતી. ઘટનાના CCTV ફૂટેજ તપાસીને હુમલામાં સંડોવાયેલા શખ્સોની ઓળખ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે હર્ષ બારોટ, વિશ્વાસ બારોટ અને હાર્દિક બારોટ સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસની કાર્યવાહી છતાં વેપારીઓમાં સુરક્ષાને લઈને ચિંતા યથાવત્ હોવાનું સામે આવ્યું છે.

ચોકસી બજારમાં બનેલી ઘટનાને લઈને સોની સમાજના વેપારીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. વેપારીઓએ હુમલાનો વિરોધ નોંધાવી બજાર અચોક્કસ મુદત સુધી બંધ રાખવાનો નિર્ણય જાહેર કર્યો છે. વેપારીઓનું કહેવું છે કે બજારમાં કામ કરતા કર્મચારીઓ અને વેપારીઓની સુરક્ષા સુનિશ્ચિત થવી જરૂરી છે.

ઘટનાના વિરોધમાં મોટી સંખ્યામાં વેપારીઓ ખેડા જિલ્લા પોલીસ વડાની કચેરીએ પહોંચ્યા હતા. વેપારીઓએ આવેદનપત્ર પાઠવી જણાવ્યું હતું કે હુમલાની ઘટના બાદ બજારમાં ભયનો માહોલ ઊભો થયો છે. વેપારીઓ અને કર્મચારીઓ નિર્ભય બનીને પોતાનો વ્યવસાય કરી શકે તે માટે પોલીસ દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

વેપારીઓએ આરોપીઓનું જાહેરમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવે તેવી પણ માંગ કરી છે. તેમનું કહેવું છે કે આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે કડક અને કાયદેસરની કાર્યવાહી જરૂરી છે. ચોકસી બજારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ વેપારીઓમાં ફેલાયેલો ભય દૂર થાય તે માટે પોલીસ દ્વારા સુરક્ષાત્મક પગલાં ભરવાની માગ સાથે વિરોધ વધુ તેજ બન્યો છે.

(9:05 PM IST)