<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th September 2026

કાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે પોરબંદરના ઓડદરમા રાજ્યના ૨૫મા સાંસ્કૃતિક વન ‘સર્વોદય વન’નું લોકાર્પણ : રાજ્યકક્ષાના ૭૭મા વન મહોત્સવની ઉજવણી : મહાત્મા ગાંધીની જન્મભૂમિ તરીકે વિશ્વના નકશા પર આગવી ઓળખ ધરાવતા પોરબંદરને પ્રકૃતિ-પર્યટનના ક્ષેત્રે વધુ એક વિશિષ્ટ ઓળખ મળે તે દિશામાં ‘સર્વોદય વન’ મહત્વપૂર્ણ બનશે

વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના માર્ગદર્શન હેઠળ પ્રકૃતિ સંરક્ષણ, સ્થાનિક પર્યાવરણ, જૈવવિવિધતા, પર્યટન અને નાગરિક સુવિધાઓ વચ્ચે સંતુલન જળવાય તેવો અભિગમ : ‘સર્વોદય વન’ પોરબંદરની સુંદરતામાં વધારો કરવાની સાથે પ્રકૃતિ, પર્યટન તથા પર્યાવરણ સંરક્ષણના સંગમ તરીકે પોરબંદર જિલ્લાની નવી ઓળખને વધુ મજબૂત બનાવશે

અમદાવાદ તા.૩૦ : ગુજરાતમાં વિકાસ સાથે પર્યાવરણ સંરક્ષણને પ્રાથમિકતા આપવાની માન. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની દિશાદર્શક વિકાસદૃષ્ટિને સાકાર કરતાં પોરબંદરના ઓડદર ખાતે વન વિભાગ દ્વારા રાજ્યના ૨૫મા સાંસ્કૃતિક વન ‘સર્વોદય વન’ નું નિર્માણ કરવામાં આવ્યું છે. આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટનું લોકાર્પણ તા. ૧ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ બપોરે ૩:૩૦ કલાકે માન. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવશે. સાથે જ રાજ્યકક્ષાના ૭૭મા વન મહોત્સવની ઉજવણી પણ કરવામાં આવશે. આ સમગ્ર પ્રકલ્પમાં વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના માર્ગદર્શન હેઠળ પ્રકૃતિ સંરક્ષણ, સ્થાનિક પર્યાવરણ, જૈવવિવિધતા, પર્યટન અને નાગરિક સુવિધાઓ વચ્ચે સંતુલન જળવાય તેવો અભિગમ અપનાવવામાં આવ્યો છે.

મુખ્યમંત્રીની વિકાસદૃષ્ટિથી પોરબંદરને નવી ભેટ

 મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં વિકાસના દરેક આયામ સાથે પર્યાવરણનું જતન અને પ્રકૃતિ સાથે સુમેળ જળવાય તે દિશામાં વિવિધ પ્રકલ્પો હાથ ધરવામાં આવી રહ્યા છે. ‘સર્વોદય વન’ આ અભિગમનું પોરબંદરમાં એક સુંદર ઉદાહરણ બની રહ્યું છે. અહીં પ્રકૃતિ, પર્યાવરણ, પ્રવાસન, શિક્ષણ અને સ્થાનિક સંસ્કૃતિને એક જ પરિસરમાં જોડવામાં આવ્યા છે. માન. મુખ્યમંત્રીશ્રીના હસ્તે થનાર આ લોકાર્પણ સાથે પોરબંદરને માત્ર એક નવું હરિયાળું સ્થળ નહીં, પરંતુ પરિવાર, બાળકો અને પ્રવાસીઓ માટે ગુણવત્તાસભર અનુભવ આપતું એક સુવિધાયુક્ત જાહેર પરિસર પ્રાપ્ત થશે. આ પ્રકલ્પમાં પ્રકૃતિ સંરક્ષણને કેન્દ્રમાં રાખીને ગુણવત્તાયુક્ત વિકાસ અને જનસુવિધા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. ‘સર્વોદય વન’ને માત્ર વૃક્ષારોપણ કે હરિયાળી પૂરતું સીમિત ન રાખી, પ્રકૃતિને સમજવા, પર્યાવરણ પ્રત્યે જાગૃતિ કેળવવા અને પરિવાર સાથે આનંદપૂર્વક સમય વિતાવવા માટેનું જીવંત પરિસર બનાવવાનો અભિગમ અપનાવવામાં આવ્યો છે. આ પ્રકલ્પમાં કામની ગુણવત્તા સાથે પર્યાવરણીય ધોરણો, જૈવવિવિધતા અને લાંબા ગાળાની ઉપયોગિતાને પણ મહત્વ આપવામાં આવ્યું છે.

મહાત્મા ગાંધીની જન્મભૂમિમાં ‘સર્વોદય’ની ભાવનાને વનનું સ્વરૂપ

મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરમાં વિકસાવવામાં આવેલ ‘સર્વોદય વન’ તેના નામને અનુરૂપ સર્વના વિકાસ અને સર્વના કલ્યાણની ભાવનાને પ્રકૃતિ સાથે જોડે છે. અહીં મહાત્મા વન, માતૃ વન, સત્ય-અહિંસા વન, શાંતિ વન, બરડા વન કુંજ, ઔષધિ વન, મિશન લાઈફ ગાર્ડન, ગ્રામ સ્વરાજ અને કૃષ્ણ-સુદામા વાટિકા જેવા થીમ આધારિત વિસ્તારો વિકસાવવામાં આવ્યા છે. આ થીમ આધારિત વિસ્તારો દ્વારા નવી પેઢીને ગાંધીવિચાર, સ્થાનિક સંસ્કૃતિ, પર્યાવરણ અને પ્રકૃતિ સંરક્ષણ સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

પોરબંદરવાસીઓ માટે ઉત્તમ સુવિધાઓ

‘સર્વોદય વન’માં મુલાકાતીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને મુખ્ય દ્વાર, સર્વોદય ચોક, સ્વાગતમ પરિસર, ઇન્ફોર્મેશન વિસ્તાર, પામ વાટિકા, સી-વ્યૂ રોક ગાર્ડન, પ્રાકૃતિક રમત-ગમત વિસ્તાર, કેફેટેરિયા, પીવાના પાણીની સુવિધા, ટોયલેટ એરિયા અને પાર્કિંગ એરિયા સહિતની સુવિધાઓ વિકસાવવામાં આવી છે. આ ઉપરાંત વન કવચ, ૨૫ મીટર પહોળી વન ટેકરી અને અન્ય પ્રાકૃતિક વિસ્તારો મુલાકાતીઓને કુદરતની નજીક લઈ જશે.

બાળકો માટે આનંદ સાથે શિક્ષણ

પ્રકલ્પના આયોજનમાં એ બાબતને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે કે સર્વોદય વનની મુલાકાતે આવતું દરેક બાળક અને પ્રવાસી અહીંથી કંઈક શીખીને જાય. પ્રકૃતિ, વૃક્ષો, ઔષધીય વનસ્પતિ, જૈવવિવિધતા, પર્યાવરણ સંરક્ષણ અને જીવનશૈલીમાં પર્યાવરણ પ્રત્યેની જવાબદારી જેવા વિષયો સાથે મુલાકાતીઓને જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ રીતે ‘સર્વોદય વન’ મનોરંજન સાથે શિક્ષણ અને પર્યટન સાથે પર્યાવરણ જાગૃતિનું અનોખું કેન્દ્ર બનશે.

પોરબંદરના ગૌરવમાં ઉમેરાશે નવું પીછું

મહાત્મા ગાંધીની જન્મભૂમિ તરીકે વિશ્વવિખ્યાત પોરબંદરની ઓળખમાં હવે ‘સર્વોદય વન’ એક નવા ગૌરવસ્થળ તરીકે ઉમેરાશે. પ્રકૃતિની સુંદરતા, આધુનિક જનસુવિધાઓ, સ્થાનિક સંસ્કૃતિ અને પર્યાવરણ જાગૃતિનો સંગમ ધરાવતું આ વન પોરબંદરવાસીઓ માટે ગૌરવ અને પ્રવાસીઓ માટે આકર્ષણનું નવું કેન્દ્ર બનશે.લોકાર્પણ કાર્યક્રમ કાલે તા. ૧ ઓક્ટોબર, ૨૦૨૬, ગુરુવારે બપોરે ૩:૩૦ કલાકે ઓડદર, પોરબંદર ખાતે યોજાશે.

      આ પ્રસંગે  મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા, પોરબંદર જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રી પ્રવિણભાઈ માળી, પોરબંદર જિલ્લા પંચાયતના પ્રમુખ શીતલબેન ઓડેદરા, પોરબંદર મહાનગરપાલિકાના મેયર  સાગરભાઈ મોદી, જામનગર-દેવભૂમિ દ્વારકાના સાંસદ પૂનમબેન માડમ, રાજ્યસભા સાંસદ  જીતેન્દ્રભાઈ કણઝરીયા, પૂર્વ વન મંત્રી અને ખંભાળિયાના ધારાસભ્ય મુળુભાઈ બેરા, કુતિયાણાના ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખરીયા, રાજ્યસભાના પૂર્વ સાંસદ રામભાઈ મોકરીયા, પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. ચેતનાબેન તિવારી તેમજ વન વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ અને સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

(1:04 PM IST)